Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૮ થી ૨૫ એપ્રિલ સુધીની આગાહી

શનિવારથી ફરી તાપમાન નોર્મલ તરફ : ગરમ સેન્ટરોમાં પારો ૪૧ થી ૪૩ ડિગ્રીએ પહોંચી જશે

હાલમાં નોર્મલ તાપમાન ૩૯-૪૦ ડિગ્રી ગણાય : ૨૦મીથી પારો નોર્મલ કે તેનાથી વધુ, તા.૨૩ થી ૨૫ મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩ ડિગ્રીને આંબી જશે : બપોર બાદ પવનનું જોર વધશે

રાજકોટ, તા.૧૮ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજયમાં અસ્થિરતા જોવા મળી હતી. કેટલીક જગ્યાઓએ માવઠુ થવાના લીધે ગરમીમાં ખાસો એવો ઘટાડો જોવા મળેલ. દરમિયાન આગામી દિવસોમાં ફરી ગરમીમાં વધારો થશે. આવતા અઠવાડીયાના અંતિમ દિવસોમાં ગરમીનો પારો ફરી ૪૧ થી ૪૩ ડિગ્રીએ પહોંચી જશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે, ગત આગાહીમાં જણાવ્યા મુજબ ત્રણ દિવસ કોઈ કોઈ જગ્યાએ માવઠુ થયુ હતું. જેની અસરરૂપે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થતાં પારો સારો એવો ગગડી ગયો હતો. જેમ કે, અમદાવાદ - ૩૪.૬ ડિગ્રી (નોર્મલથી ૫ ડિગ્રી નીચુ), અમરેલી - ૩૬.૨ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), રાજકોટ - ૩૬.૩ (નોર્મલથી ૩ ડિગ્રી નીચુ), ભુજ - ૩૪.૫ (નોર્મલથી ૫ ડિગ્રી નીચુ) નોંધાયેલ.

અશોકભાઈ પટેલ તા.૧૮ થી ૨૫ એપ્રિલ (ગુરૂથી ગુરૂ) સુધીની આગાહી કરતાં જણાવે છે કે આવતીકાલ સુધીમાં મહત્તમ તાપમાન નોર્મલ નજીક આવી જશે. તા.૨૦ના શનિવારથી મહત્તમ તાપમાન નોર્મલ કે નોર્મલથી ઉપર પહોંચી જશે. તેમજ આગાહીના છેલ્લા દિવસોમાં એટલે કે તા.૨૩ થી ૨૫ (મંગળથી ગુરૂ) દરમિયાન ગરમ સેન્ટરોમાં તાપમાન ૪૧ થી ૪૩ ડિગ્રીએ પહોંચી જશે. હાલમાં પવન ઉત્તર ઉત્તર પશ્ચિમના છે. જે ૨૦મીથી ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના થઈ જશે. જેથી તા.૨૨ થી ૨૫ દરમિયાન સવારના ભાગે જમીની લેવલે ભેજનું પ્રમાણ વધુ હશે. તા.૨૦થી બપોર પછીના સમય દરમિયાન દરરોજ પવનનંુ જોર જોવા મળશે.

(4:02 pm IST)