Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

નાણાવટી ચોક પાસે સત્તાધાર પાર્કમાં વનરાજ રાઠોડ, ધીરૂ રાઠોડ અને મોહિતનો મહિલા પર નિર્લજ્જ હુમલોઃ લાફાવાળી

મહિલાના ૧૭ વર્ષના દિકરા સાથે શેરીમાં રમવા બાબતનો ડખ્ખો કારણભુતઃ સોનાનું બુટીયું-ચેઇન પણ ખોવાઇ ગયાઃ મહિલાના પતિ વચ્ચે પડતાં તેની પણ ધોલધપાટ-ખૂનની ધમકી

રાજકોટ તા. ૧૮: ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે સત્તાધાર પાર્કમાં રહેતાં ૧૭ વર્ષના છોકરાને શેરીમાં રમવા બાબતે માથાકુટ થતાં પડોશીઓ ઝઘડો કરવા આવતાં આ સગીરના માતા વચ્ચે પડતાં ત્રણેય જણાએ તેમના પર નિર્લજ્જ હુમલો કરી લાફાવાળી કરતાં તેમજ તેના પિતાને પણ મારકુટ કરી ધમકી આપવામાં આવતાં ફરિયાદ થઇ છે. ઝપાઝપીમાં મહિલાનું સોનાનુ બુટીયુ અને સોનાનો ચેઇન પણ ખોવાઇ ગયા હતાં.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ૩૬ વર્ષના પરિણીતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામમાં રહેતાં વનરાજ રાઠોડ, ધીરૂ રાઠોડ અને મોહિત શિયાળ સામે આઇપીસી ૩૫૪-એ, ૩૨૩, ૫૦૪, ૪૨૭, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પતિ અને પુત્ર સાથે રહે છે. બુધવારે રાત્રે સાડા દસેક વાગ્યે પોત અને પતિ ઘરમાં હતાં ત્યારે બહાર ઝઘડો થવાનો અવાજ આવતાં પોતે બહાર જોવા જતાં તેનો પુત્ર બાજુની શેરીવાળા વનરાજભાઇ રાઠોડ, ધીરૂભાઇ રાઠોડ અને ભાણેજ મોહિત શિયાળ ઝઘડો કરતાં દેખાતા પોતે છોડવવા જતાં વનરાજભાઇએ ગાળો દઇ બાવડુ પકડી લીધું હતું. પોતે પક્કડ છોડાવવા પ્રયાસ કરતાં તેણે નિર્લજ્જ હુમલો કરી ગાઉન છોડવાની કોશિષ કરી હતી. એ પછી તેણે બેે ત્રણ લાફા મારી લીધા હતાં. જેથી ડાબા કાનનું સોનાનુ બુટીયુ નીકળીને ખોવાઇ ગયું હતું.

મહિલાએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે ઝપાઝપી વખતે વનરાજભાઇના ભાણેજ મોહિતે ચોટલો પકડી પાછળથી બથ ભરી લીધી હતી અને સાથેના ધીરૂભાઇએ પણ લાફા મારી ગાળો ભાંડી હતી. પતિ છોડાવવા વચ્ચે આવતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી. વધુ ઝપાઝપીમાં પોતાનો સોનાનો ચેઇન પણ ખોવાઇ ગયો હતો. દેકારો થતાં લત્તાવાસીઓ ભેગા થઇ જતાં બધા ભાગી ગયા હતાં.

દિકરાએ જણાવ્યું હતું કે ઘર પાસે રમવા બાબતે ઝઘડો થતાં વનરાજભાઇ સહિતના તેને મારકુટ કરવા આવ્યા હતાં. પોતે વચ્ચે પડતાં નિર્લજ્જ હુમલો થયો હતો અને જો ફરિયાદ કરશો તો મારી નાંખશું તેવી ધમકી પણ જતાં-જતાં આ ત્રણેય આપતાં ગયા હતાં. યુનિવર્સિટીના હેડકોન્સ. જયંતિભાઇ સોંદરવાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)