Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ગીતા વિદ્યાલય દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ : ઉનાળુ સેવાયજ્ઞનો ૪૭ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૫૩ વર્ષોથી બાળ સંસ્કાર કેન્દ્ર, ગીતા પ્રચાર, સંસ્કૃત પ્રચાર, સાર્વજનિક વાંચનાલય, રાહત દરે નોટબુક વિતરણ, નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પ, જ્ઞાનયજ્ઞ, બાળ મજુરી નાબુદી, વ્યસન મુકિત વગેરે સેવા પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવે છે. તેના ભાગરૂપે દર ઉનાળે નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ સતત ૪૭ માં વર્ષે રામનવમીએ છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ મથુરાદાસ નરભેરામ પારેખ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી તરલાબેન રસિકલાલ મહેતાના હસ્તે કરાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે વ્યાપારી અગ્રણી દોલતભાઇ ગાદેશા, હિતેશભાઇ બગડાઇ, અમિતભાઇ બુધ્ધદેવ, ગૌરવ બગડાઇ, નોબલ સ્કુલના સંચાલક પરેશભાઇ વ્યાસ, હરિનભાઇ મહેતા, કુસુમબેન ભોજાણી, જયંતભાઇ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉનાળામાં ત્રણ માસ સુધી છાશ કેન્દ્ર ચાલશે. નાત જાત કે ધર્મના ભેદભાવ વગર પ્રતિદિન ૩૦૦ થી વધુ પરિવારો લાભ લેશે. પરિવાર દીઠ સવા લીટર તાજી અને પૌષ્ટીક છાશ નિઃશુલ્ક ધોરણે અપાશે. ૧૯૭૩ થી શરૂ થયેલ આ સેવાયજ્ઞ ૪૬ માં વર્ષમાં પ્રવેશેલ છે. સેવાકાર્યમાં અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, મથુરાદાસ નરભેરામ પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ, રઘુવંશી ધી બેસ્ટ ગ્રુપ, રાજકોટ નાગરીક સહકારી બેંક, જીવણલાલ જાદવજી પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, નોબલ એજયુકેશન એન્ડ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, હરસુખભાઇ સોઢા વગેરેનો સહયોગ મળેલ છે. અજોડ સેવાયજ્ઞને પૂ. શ્રી હરીચરણદાસજી મહારાજના શુભાશિષ મળેલ છે. જરૂરીયાતમંદ પરિવારોને રેશનકાર્ડના આધારે દરરોજ સાંજે ૬ થી ૭ દરમિયાન છાશનું કાર્ડ કાઢી આપવામાં આવે છે. નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્રના પ્રારંભ સમયની તસ્વીરો અહીં નજરે પડે છે.

(3:42 pm IST)