Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

નરેન્દ્રભાઈ મોદીને પુનઃ વડાપ્રધાન બનાવવા સુરાષ્ટ્ર સંકલ્પ સંમેલનમાં ક્ષત્રિયોનો નિર્ધાર

રણજીત વિલાસ પેલેસ ખાતે મળેલા ક્ષત્રિય સંમેલનને ભૂપેન્દ્રસિંહજી, માંધાતાસિંહજી અને અંજલીબેન રૂપાણી સહિતના અગ્રણીઓએ સંબોધ્યુ

રાજકોટ, તા. ૧૮ :. સવાલ કરૂ કે વ્હાય બીજેપી અગેઈન ? ભાજપને સત્તા ફરીવાર શા માટે ? નરેન્દ્રભાઈ ફરીથી વડાપ્રધાન શા માટે ? એક નહીં અનેક કારણ છે. આજે અહીં આ સુરાષ્ટ્ર નિર્માણ સંકલ્પ સંમેલનના માધ્યમથી મારે કહેવંુ છે કે અમે ભાજપે કંઈક એવુ સિદ્ધ કર્યુ છે જે દેશની ઉન્નતિ માટે છે હિત માટે છે. એટલા માટે નરેન્દ્રભાઈ ફરીથી વડાપ્રધાન બને એ આવશ્યક છે. આ ઉદગાર હતા રાજ્યના શિક્ષણમંત્રી અને ક્ષત્રીય સમાજના મોભી એવા શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના. રાજકોટના રાજ પરિવારના નિવાસ સ્થાન-રણજીત વિલાસ પેલેસના પટાંગણમાં બુધવારે સાંજે મળેલા ક્ષત્રીય સમાજના સંમેલનમાં એમણે ફકત તાર્કિક નહીં પરંતુ માર્મિક અને વાસ્તવિક મુદ્દા દ્વારા એ વાતની છણાવટ કરી હતી કે ભારતને હજી વધારે સુરાષ્ટ્ર બનાવવું હશે તો નરેન્દ્રભાઈ મોદી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ સંમેલનમાં રાજકોટના સમસ્ત ક્ષત્રીય સમાજે ૨૩મી એપ્રિલે ભાજપના લોકસભાના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાને મત આપી, વિજેતા બનાવી દેશનું સુકાન ફરી મજબુત હાથમાં સોંપવા મા આશાપુરાના આશિર્વાદ સાથે સંકલ્પ કર્યો હતો.

સુરાષ્ટ્ર સંકલ્પ સંમેલનનું ઉદઘાટન દીપપ્રાગટય કરીને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યુ હતું. સ્વાગત પ્રવચનમાં રાજકોટના રાણીસાહેબા કાદમ્બરીદેવીજીએ કહ્યું કે બેલેટ એટલે કે મતની તાકાત બુલેટ-ગોળી કરતા વધારે હોય છે. કાદમ્બરીદેવીએ ઉપસ્થિત મહેમાનો અને સમાજના સૌ નિમંત્રીતોનું સ્વાગત કર્યુ હતું. રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષપદેથી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ ઉપસ્થિત લોકોને જણાવ્યુ કે આવું સંમેલન યોજવાનો વિચાર ઠાકોર સાહેબ માંધાતાસિંહજીને આવ્યો એ ફકત ક્ષત્રીય સમાજ માટે નહીં, અન્ય સમાજ માટે પણ પ્રશંસનીય છે. સુરાષ્ટ્ર શબ્દ મોટો છે એની અંદર સ્થિરતા, સુરક્ષા, સુવિધા, સવલત બધુ આવી જાય છે. દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોને હતુ કે આ બધા ભેગા નહી થાય પરંતુ રજવાડાએ પોતાના હિત કરતા દેશનું હિત વધારે અગત્યનું માન્યુ. ક્ષાત્રધર્મ બજાવ્યો. ક્ષાત્રધર્મ અને સુરાષ્ટ્ર એકબીજા સાથે જોડાયેલા છે. સુરાષ્ટ્રમાં ક્ષાત્રધર્મ અને ક્ષાત્રધર્મમાં સુરાષ્ટ્ર બન્ને આવી જાય છે. નરેન્દ્રભાઈમાં રાજાનો, ક્ષત્રીયનો ગુણ છે. સુશાસન અને સુરાષ્ટ્રના ઘડતરમાં એ સફળ એટલે થયા છે કે એમનામાં રાજાના ગુણ છે.

આપણા આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પાંચ વર્ષમાં ઘણો ફેર પડયો છે. માનવ અધિકાર પરિષદમાં આપણે સભ્ય નહોતા. દુનિયાના દેશોમાંથી ૯૭ દેશ મત આપે તો આપણે એ સભ્યપદ મેળવી શકીએ.

નરેન્દ્રભાઇની આવડત અને કુનેહ એવા કે આપણને માનવ અધિકાર પરિષદમાં ૯૭ ના બદલે ૧૩૪ દેશના મત મળ્યા.

પુલવામામાં હુમલો થયો, પહેલાં પણ હુમલા થયા હતા પણ ત્યારે ભારતની પડખે કોણ ઉભું હતું ? અને આજે ૪૦ દેશોએ ભારતને કહ્યું કે તમે આતંકવાદ સામે લડો અમે સાથે છીએ. નરેન્દ્રભાઇએ દેશ-પરદેશમાં ફરીને કહયું કે આતંકવાદ માનવતા વિરોધી છે. આતંકવાદ સામે લડવા માટે કોઇ આગેવાની નહોતું લેતું ભારતે લીધી. આજે આર્થિક-રાજકીય રીતે પાકિસ્તાન ધ્વસ્ત થઇ રહ્યું છે.

દુનિયાના ત્રણ જ દેશો અંતરિક્ષ મહાસત્તા હતાં. નરેન્દ્રભાઇએ ર૭ મી માર્ચે એ સિધ્ધિની જાહેરાત કરી અને હવે આપણે પણ અંતરિક્ષ મહાસત્તા છીએ.

સુરાષ્ટ્ર સંકલ્પ સંમેલનને સંબોધન કરતાં ભાજપના મહિલા અગ્રણી શ્રીમતી અંજલીબહેન રૂપાણીએ કહ્યું કે પૌરાણિક કાળથી ક્ષત્રીયો-રાજાઓ દેશનું રક્ષણ કરતા આવ્યા છે. આજના સમયમાં નરેન્દ્રભાઇ મોદી દેશનું રક્ષણ કરે છે એટલે એ પણ ક્ષત્રીય કહેવાય ને આપણી સેનામાં પણ ક્ષત્રીયો મોટી સંખ્યામાં છે.

સંમેલનના આયોજક રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ ઉપસ્થિત સમુદાયને  ઉદબોધન કરતા કહયું કે આપણે સૌ માં આશાપુરાના સંતાન છીએ.ચૈત્રી નવરાત્રી હમણા જ સંપન્ન થયો છે. આપણા પર સદા માના આશીર્વાદ છે ત્યારે મને આનંદ તો એ વાતનો છે કે આ રણજીત વિલાસ પેલેસફકત રાજપરીવારનું નિવાસસ્થાન જ નથી પણ ક્ષત્રીય સમાજનું ઘર છે.એનું આંગણું છે. અહી પૂ.દાદાબાપુ અને મારા માતુશ્રીએ બ્રહ્મચોર્યાશીથી લઇને રામચરીત માનસ કે પછી શંકરાચાર્યજીની પધરામણી જેવા અનેક ધર્મકાર્ય કર્યા છે. આ આંગણામાં સુશાસનનું ચિંતન થાય એ આનંદની વાત છે.

માંધાતાસિંહજીએ ઉમેર્યુ કેઆજે આપણી લડાઇ દેશની વિરૂધ્ધ જતા અને કામ કરતા પરીબળો સામે છે. સારા લોકોમત દેવા ન જાય એટલા માટે ખરાબ લોકો ચુંટાતા હોય છે.એટલા માટે હું આપ સૌને કહું છું કે આપણે નિર્ણાયક સમર્થ અને સંવેદનશીલ સરકાર બનાવવાની છે. વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં હકારાત્મક અભિગમ વાળી સરકાર શાસન કરે છે. આપણે દેશમાં ફરીથી સંવેદનશીલ સરકાર બનાવવી છે. નરેન્દ્રભાઇ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે આપણે ભારતમાં કયાંય પણ જતા તો લોકો કહેતા અરે વાહ તમે મોદીજીના ગુજરાતમાંથી આવો છો આજે આપણે પરદેશ જઇએ તો લોકો કહે છે ઓહો તમે ભારતમાંથી આવોછો.જે વ્યકિત ૧૮કલાક કામ કરે, ઉદ્યમી હોય, દ્રઢ નિર્ણયશકિત ધરાવતા હોય એના હાથમાં ફરી દેશનું સુકાન સોંપવું જોઇએ ને.

રાજકોટમાં યોજાયેલા આ અત્યંત ગરીમાપુર્ણ ક્ષત્રીય સંમેલનમાં રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ પરામક્રમસિંહ જાડેજા, હરીચંદ્રસિંહ જાડેજા-માખાવડ, આર.પી.જાડેજા (નાના-મવા) પ્રવિણસિંહ જાડેજા (ઇંટાળા) યુવરાજસિંહ જાડેજા (ચાંપાબેડા) યુવરાજસિંહ રાણા (દુધરેજ) ધ્રુવકુમારસિંહ જાડેજા (ધ્રુવનગર) અજીતસિંહ જાડેજા (ભુણાવા) વિરેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ગોહીલ, સુરેન્દ્રસિંહ વાળા, આર.એમ.જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા (લોધીકા) મોહનસિંહ જાડેજા એમ.બી.જાડેજા સહીતના અગ્રણીઓ અને બહોળા પ્રમાણમાં ક્ષત્રીયો ઉપસ્થિત રહયા હતા સૌએ ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાને વિજેતા બનાવવા સંકલ્પ દોહરાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન બહાદુરસિંહ જાડેજાએકર્યુ હતું.

(3:36 pm IST)