Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

આરટીઓ એજન્ટો જેના સર્ટિફિકેટ વાપરતાં તે ચાણકય સ્કૂલનું અસ્તિત્વ જ નથી!: કાવત્રાની કલમનો પણ ઉમેરો

કોઠારીયા રોડ પૂજા પાર્ક-૨માં એસઓજીએ તપાસ કરતાં સ્કૂલ જોવા જ ન મળીઃ આરટીઓનો સિક્કો ચાર વર્ષ પહેલા બનાવ્યાનું રટણઃ ચૂંટણી કાર્ડ માટે કલેકટર કચેરી સુધી અને ધો-૧૦ની માર્કશીટની ખરાઇ કરવા ગાંધીનગર સુધી લંબાવાતો તપાસનો દોર

રાજકોટ તા. ૧૭: આરટીઓ કચેરી પાસે જ માધવ એજન્સી નામે આરટીઓ એજન્ટની ઓફિસ ધરાવતો મનહર સોસાયટી-૬માં રહેતો મોચી શખ્સ હેમાંશુ હસમુખભાઇ વાળા (ઉ.૨૬) બોગસ લર્નિંગ  લાયસન્સ તેમજ હેવી લાયસન્સ માટે બોગસ સર્ટિફિકેટ બનાવી આપવાના કોૈભાંડમાં ઝડપાયા બાદ એસઓજીએ વધુ ત્રણ એજન્ટોની ધરપકડ કરી થોકબંધ નકલી સાહિત્ય જપ્ત કર્યુ હતું. જેમાં કોઠારીયા રોડ પૂજા પાર્ક-૨ના એડ્રેસવાળી ચાણકય સ્કૂલના કોરા લિવીંગ સર્ટિફિકેટ પણ મળ્યા હતાં. એસઓજી આ શાળા ખાતે ખરાઇ કરવા સર્ટિફીકેટમાં લખેલા એડ્રેસ પૂજા પાર્ક-૨ ખાતે પહોંચી હતી, પરંતુ અહિ આવી કોઇ સ્કૂલનું અસ્તિત્વ જ નહિ હોવાનું જાણી પોલીસ પણ ચોંકી ગઇ હતી! આ ઉપરાંત આરટીઓનો લર્નિંગ લાયસન્સનો સિક્કો ચાર વર્ષથી ઉપયોગમાં લેવાતો હોવાનું ખુલ્યું હોઇ આ સિક્કો કયાં-કોની પાસે બનાવ્યો? અંદરના સ્ટાફની મિલીભગતથી બનાવ્યો કે કેમ? તે અંગે તપાસ થઇ રહી છે.

એજન્ટ હેમાંશુ વાળીની ધરપકડ અને રિમાન્ડ બાદ તપાસમાં બીજા ત્રણ એજન્ટોના કોૈભાંડ સામે આવતાં આ ત્રણ એજન્ટો હિતેષ મોતીભાઇ ચાવડા (દલિત) (ઉ.૪૦-રહે. જામનગર રોડ, નાગેશ્વર મંદિર પાસે), રાજેન્દ્ર નવલભાઇ ખુંગલા (બોરીચા) (ઉ.૩૮-રહે. આરટીઓ પાસે નરસિંહ નગર) તથા કનકસિંહ હેમતસિંહ ચોૈહાણ (દરબાર) (ઉ.૪૪-રહે. કૃષ્ણનગર ચોક, સ્વામિનારાયણ ચોક)ને ગઇકાલે ઝડપી લઇ કોરા સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ્સ, ધોરણ દસની માર્કશીટ, સ્કૂલના સિક્કા, આરટીઓનો સિક્કો સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

જે કોરા લિવીંગ સર્ટિ મળ્યા હતાં તે ચાણકય સ્કૂલ કોઠારીયા રોડ પૂજા પાર્ક-૨ના નામે હતાં. આ સ્કૂલમાંથી કોણે આવા કોરા સર્ટિ આપ્યા? તેની તપાસ કરવા એસઓજીની ટીમ પૂજા પાર્કમાં પહોંચી હતી. પરંતુ ત્યાં આવી કોઇ સ્કૂલનું અસ્તિત્વ જ નહિ હોવાનું ખુલ્યું હતું. એજન્ટોએ પોતાની રીતે જ આવી સ્કૂલના કોરા સર્ટિફિકેટ બનાવી લીધા હતાં અને તેના આધારે અનેકને નકલી સર્ટિ અપાવી લાયસન્સ કઢાવી આપ્યા હતાં.

આ ઉપરાંત એક ઇલેકશન કાર્ડ, ધોરણ ૧૦ની માર્કશીટ પણ મળ્યા હોઇ તેની ખરાઇ કરવા કલેકટર કચેરી તેમજ ગાંધીનગર સુધી તપાસનો દોર લંબાવાયો છે. આરટીઓનો લર્નિંગ લાયસન્સ માટેનો જે સિક્કો મળ્યો છે તે ચારેક વર્ષ પહેલા બનાવાયાનું રટણ આરોપીઓ કરી રહ્યા છે. આ સરકારી સિક્કો કચેરીના જવાબદારની મંજુરી વગર બની શકે નહિ, ત્યારે આરોપીઓએ કાવત્રુ રચી કોઇપણ રીતે આ સિક્કો બનાવ્યો હોઇ અંદરના કોઇ સામેલ છે કે કેમ? તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. અગાઉ જે કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તેમાં કાવત્રાની કલમ ૧૨૦ (બી)નો પણ ઉમેરો કરાયો છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને પીઆઇ. આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ખાચર, પીએસઆઇ એચ. એમ. રાણા, એએસઆઇ વિજયભાઇ શુકલા , મનરૂપગીરી, ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. જયંતિગીરી, ગિરીરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ચુડાસમા, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમે વિશેષ તપાસ કરે છે. આગામી દિવસોમાં વધુ ધડાકા થવાના એંધાણ છે.

(3:34 pm IST)