Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મતદાન બાદ EVM જયાં રખાશે ત્યાં બારીઓની જગ્યાએ ચણતર કરાશેઃ ૨૬ બેઠકો માટે ૨૭ સ્થળોએ મત ગણતરી

વીજળીના ફયુઝ કાઢી નખાશેઃ સંભવિત અકસ્માત અને ચેડા નિવારવા પગલા

રાજકોટ, તા. ૧૮ :. લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ત્રીજા ચરણમાં ૨૩ એપ્રિલે સવારે ૭ થી ૬ વાગ્યા સુધી મતદાન થનાર છે. રાજ્ય અને સમગ્ર દેશમાં મત ગણતરી ૨૩ મે એ થશે. મતદાન બાદ મત મશીન અને વીવીપેટ જ્યાં રાખવાના છે તે મત ગણતરી સ્થળે સ્ટ્રોંગ રૂમમાં ચૂંટણી પંચના નીતિ નિયમોનું કડક પાલન કરવામાં આવશે. એક દરવાજા સિવાય તમામ બારી-દરવાજા સીલ કરી દેવાશે. બારીની જગ્યાએ ચણતર કરી દેવામાં આવશે. રાજ્યમાં ૨૬ બેઠકો માટે ૨૭ સ્થાનો પર મત ગણતરી થશે. આણંદમાં એક જ સ્થળે આખી લોકસભા બેઠકની ગણતરી થઈ શકે તેટલી જગ્યાની અનુકુળતા ન હોવાથી ત્યાં ચૂંટણી પંચે એકદમ નજીક નજીકના બે સ્થળોએ મત ગણતરી કરવાની કેન્દ્રીય ચૂંટણી પંચને દરખાસ્ત કરી છે. બાકીના તમામ લોકસભા ક્ષેત્રમાં એક એક સ્થાને જ ગણતરી થશે. રાજકોટ લોકસભા વિસ્તારની ગણતરી રાબેતા મુજબ ઈજનેરી કોલેજ કણકોટ ખાતે થાય તેવા નિર્દેશ છે.

મતદાન થઈ ગયા બાદ મત મશીનની જાળવણી ખૂબ જ મહત્વની બાબત છે. જે તે મતદાન મથક પર મતદાન થઈ ગયા બાદ અધિકારીઓ અને સંબંધીત સૌની હાજરીમાં મશીન સીલ કરી જ્યાં ગણતરી થવાની છે ત્યાંના સ્ટ્રોંગ રૂમ ખાતે કડક બંદોબસ્ત હેઠળ ફેરવાશે. વિધાનસભા ક્ષેત્ર દીઠ અલગ અલગ રૂમમાં ઈવીએમ રાખવામાં આવશે. જ્યાં ઈવીએમ રાખવામાં આવશે ત્યાં એક દરવાજા સિવાયના તમામ બારી-દરવાજા ચણતર કરીને બંધ કરી દેવામા આવશે. મેઈન સ્વીચ સ્ટ્રોંગ રૂમની બહાર રખાશે. વિજળીનો ફયુઝ કાઢીને ઈવીએમના રૂમમાં જતો વિજ પુરવઠો બંધ કરવામાં આવશે. મત ગણતરી સ્થળની આસપાસ મતદાનના દિવસથી ગણતરીના દિવસ સુધી ચકલુય ન ફરકે તે રીતે બંદોબસ્ત રાખવામાં આવશે. ઈવીએમમાં ચેડા અથવા અકસ્માત ન થાય તે માટે ચૂંટણી પંચે આ પ્રકારના કડક નિયમ બનાવ્યા છે.

(3:28 pm IST)