Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

પરસાણાનગરમાં કુતરા પકડ પાર્ટી પર લોહીયાળ હુમલોઃ ૧ કર્મીનું માથુ ફોડી નાંખ્યું: પોલીસ ફરીયાદની તજવીજ

કુતરા પકડીને ખસીકરણ કરવાની કામગીરી કરનાર કોન્ટ્રાકટરનાંં સ્ટાફ ઉપર પાઇપથી હુમલોઃ બે થી ત્રણ કર્મચારીઓને મુંઢ માર સહિતની ઇજા થતા તંત્રમાં દોડધામ

રાજકોટ તા. ૧૮ :.. શહેરમાં કુતરાઓનો ત્રાસ દુર કરવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ખાનગી કોન્ટ્રાકટર મારફત કુતરાઓ પકડીને તેનાં ખસીકરણની કાર્યવાહી છેલ્લા ૧ર વર્ષથી ચાલી રહી છે. આ દરમિયાન કુતરા પકડવા જતાં સ્ટાફ સાથે સ્થાનીકો અવાર - નવાર માથાકુટ કરતાં હોય છે તે જ પ્રકારે આજે બપોરે કુતરા પકડવા ગયેલા કર્મચારીઓ ઉપર સ્થાનીકોએ લોહીયાળ હૂમલો કરતાં તંત્ર વાહકોમાં જબરી દોડધામ મચી ગઇ હતી.

આ અંગે આધારભુત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વોર્ડ નં. ૩ માં છેલ્લા એક અઠવાડીયાથી જંકશન પ્લોટ, ગાયકવાડી, પરસાણાનગર સહિતના વિસ્તારોમાં રખડુ કુતરાઓને પકડીને તેનું ખસીકરણ કરી અને રોગ પ્રતિકારક રસીઓ મુકીને જે વિસ્તારમાંથી કુતરો પકડયો હોય ત્યાં જ છૂટો મુકી દેવાની કામગીરી ચાલુ છે.

આ દરમિયાન આજે પરસાણાનગર શેરી નં. ૧૦ માં રખડુ કુતરા પકડવા માટે જાળીઓ લઇને પકડવાની કામગીરી શરૂ કરી હતી આ દરમિયાન આ વિસ્તારનાં એક સ્થાનીક રહેવાસીઓએ કુતરા પકડવાની કામગીરી કરી રહેલાં સ્ટાફ ઉપર પાઇપ વડે હૂમલો કરતાં સ્ટાફનાં બે થી ત્રણ કર્મચારીઓને મુંઢમાર લાગ્યો હતો. જયારે એક કર્મચારીનું  માથુ ફુટી જતાં લોહી લુહાણ સ્થીતી સર્જાયેલ.

આ એકા એક આ પ્રકારે સ્ટાફ ઉપર પાઇપથી હૂમલો થતાં સ્થળ પરનાં એસ્ટેટ વિભાગ અને પ્રાણી રંજાડ વિભાગનાં અધિકારીઓમાં જબરી દોડધામ મચી ગઇ હતી.

દરમિયાન આ બનાવ અંગે પ્રાણી રંજાડ વિભાગનાં મુખ્ય અધિકારી ડો. જાકાસણીયાએ જણાવ્યું હતું કે 'જે કર્મચારીઓ ઉપર હુમલો થયો છે તેમાં કોર્પોરેશનનાં એસ્ટેટ વિભાગનાં કર્મચારીને મુંઢમાર લાગ્યા  હતો. જયારે કુતરા પકડીને ખસીકરણ કરવાનો કોન્ટ્રાકટ રાખનાર એજન્સીનાં એક કર્મચારીનું માથું ફુટી ગયુ હતું.' આમ ઘટનાં ગંભીર હોઇ આ બાબતે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશને હૂમલાખોર સામે પોલીસ ફરીયાદ નોંધાવાઇ રહ્યાનું ડો. જાકાસણીયાએ જણાવ્યું હતું. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:26 pm IST)