Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મારવાડી કોલેજના રેકટર અને એચઓડીએ સતત હેરાન કરતાં મારો પુત્ર મરી જવા મજબૂર થયો'તોઃ પિતાની રાવ

અઢી માસ પહેલા ૧૧મા માળેથી કુદીને મોત મેળવનારા છાત્રના જુનાગઢ સ્થિત પિતા હિરેનભાઇ ઠકરારની કુવાડવા પોલીસને ચોંકાવનારી લેખિત ફરિયાદ : આપઘાત પહેલા બે દિવસ સુધી નિલએ પિતા, માતા અને ફઇને હેરાનગતિની વિગતો જણાવી'તીઃ છેલ્લે મિત્રને ફોન કરીને પણ રડ્યો હતો

રાજકોટ તા. ૧૮: મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજમાં અઢી મહિના પહેલા મુળ જુનાગઢના વતની અને અહિ હોસ્ટેલમાં રહી બીસીએનો અભ્યાસ કરતાં નિલ હિરેનભાઇ ઠકરારએ હોસ્ટેલના ૧૧મા માળેથી પડતું મુકી આપઘાત કરી લીધો હતો. આ કિસ્સામાં આપઘાત કરનાર નિલના પિતા હિેરનભાઇ નવીનચંદ્ર ઠકરાર (ઉ.૪૫-રહે. જુનાગઢ દાણાપીઠ, શ્રીકૃષ્ણ કુંજ)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં ચોંકાવનારી લેખિત ફરિયાદ આપી જવાબદારો સામે પગલા લેવા માંગણી કરી છે.

હિરેનભાઇ ઠકરારે જણાવ્યું છે કે મારે બે સંતાન છે. જેમાં ૧૯ વર્ષનો નિલ મારવાડી યુનિવર્સિટીમાં બીસીએ સેમ-૪માં અભ્યાસ કરતો હતો. આ યુનિવર્સિટીની હોસ્ટેલના રેકટર તરીકે અમુલ્ય શાહુ અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે સુનિલ બજેજા કામગીરી કરે છે. મારા પુત્ર નિલએ ૨૩/૧/૧૯ના સાંજે આઠેક વાગ્યે હોસ્ટેલના ૧૧મા માળેથી પડતું મુકી આપઘાત કરી લીધાની જાણ તેના મિત્રો મારફત મને થઇ હતી. જેથી અમે રાજકોટ આવ્યા હતાં અને પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે દિકરાની લાશ જોઇ ભાંગી પડ્યા હતાં.  પુત્રની અંતિમક્રિયા, ઉત્તરક્રિયા કરવાની હોઇ જે તે વખતે ફરિયાદ કરી નહોતી. હવે સ્વસ્થ થઇ ફરિયાદ કરી છે.

મારા દિકરાએ જિંદગી ટૂંકાવી એ પહેલા ૨૦/૧ના રોજ મને ફોન કરી કહ્યું હતું કે પપ્પા મારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સુનિલ બજેજા મને ભણવા બાબતે અવાર-નવાર અપમાનીત કરે છે, તારાથી કંઇ થશે નહિ, તું ઠોઠડો જ રહીશ, તારા લીધે અમારી કોલેજની બદનામી થાય છે, તને કાઢી મુકવો છે તેવા મેણા મારી અવાર-નવાર હડધુત કરે છે. તેમજ રેકટર અમુલ્ય શાહુ પણ બધાની હાજરમાં મને નામથી બોલાવવાને બદલે ઠોઠડો કહીને જ બોલાવે છે અને વારંવાર અપમાન કરે છે. જે તે વખતે મેં મારા દિકરાને ભણવામાં ધ્યાન દેવાનું કહી સમજાવ્યો હતો અને ચિંતા ન કરવા કહી આશ્વાસન આપ્યું હતું.

એ પછી ૨૧/૧ના રોજ નિલએ મારા પત્નિ હીનાને ફોન કરી સુનિલ બજેજા સર ખુબ હેરાન કરતાં હોવાની અને ધમકી આપતાં હોવાની વાત રડતાં-રડતાં કરી હતી. ત્યારે હીનાએ પણ તેને ઢીલો ન થવા અને પપ્પાને મોકલી ટ્રસ્ટીઓ સાથે એક-બે દિવસમાં વાત કરાવશે તેવી સાંત્વના આપી હતી. એ જ દિવસે મારા બહેન વિધીબેન મશરૂને પણ રાત્રે દસેક વાગ્યે નિલએ ફોન કરીને સુનિલ સર અને અમુલ્ય શાહુ ખુબ ટોર્ચર કરતાં હોવાની વાત કરી હતી. તેમજ ૨૨/૧ના સવારે ૧૧:૩૦એ ફરીથી નિલે મારા બહેનને ફોન કરી જણાવેલ કે આજે ફરીથી અમુલ્ય શાહુએ મને મારા બધા ફ્રેન્ડ્સ વચ્ચે જોરથી રાડ પાડી 'એ ઠોઠડા હવે એક-બે દિવસમાં તારે હોસ્ટેલ ખાલી કરવાની છે' એમ કહી અપમાનીત કર્યો હોવાની વાત કરી હતી. એ  પછી ૨૩/૧ના સાંજે મારા દિકરા નિલએ આપઘાત કરી લીધો હતો. એ પહેલા તેણે જુનાગઢ રહેતાં મિત્ર અંકિત ઉનડકટને પણ સાંજે છએક વાગ્યે રડતાં-રડતાં જણાવ્યું હતું કે રેકટરે આજે જ મને એક કલાકમાં હોસ્ટેલનો રૂમ છોડી જવા સુચના આપી છે અને જો નહિ જાય તો ધક્કમા મારી સામાન બહાર ફેંકી કાઢી મુકાશે તેવી ધમકી આપી છે. નિલે અમુલ્ય શાહુને એવું પણ કહેલું કે મને એક મોકો આપો હું સારુ રિઝલ્ટ લાવીશ, મને કાઢી મુકશો તો કેરીયર બગડશે, મોઢુ બતાવવા લાયક નહિ રહું તેમ પણ કહ્યું હતું. ત્યારે અમુલ્યએ તારે મરવું હોય તો મર અમારે કંઇ નિસ્બત નહિ...તેવું કહ્યું હોવાની વાત નિલે તેના મિત્રને કરી હતી.

એ પછી નિલએ આપઘાત કરી લીધો હતો. આમ મારા દિકરાને મરવા માટે મજબુર કરાયો હોઇ તમામ જવાબદાર સામે તપાસ કરવા અને ગુનો નોંધવા અમારી માંગણી છે. તેમ વધુમાં હિરેનભાઇએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે. કુવાડવા પોલીસે આ અરજી પરથી હવે તપાસ કરશે.

(12:22 pm IST)