Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગૌરવ પ્રાપ્ત થાય તેવા કામો થયા છે રાજેન્દ્ર ત્રિવેદી

રાજકોટમાં વડાપ્રધાનના જન્મદિને ગરીબ પરીવારોને વિવિધ લાભોનું વિતરણઃ ગેસ કનેકશન કીટ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના પ્રમાણપત્ર અર્પણ : ૧૦૦ ટકા રસીકરણવાળા ગામોના સરપંચોનું બહુમાનઃ વિજયભાઇના નેતૃત્વમાં અનેક વિકાસ કાર્યો થયા છે, આ વિકાસયાત્રા આગળ વધારાશે : નવનિયુકત મુખ્યમંત્રી અને તેમની ટીમ સાથે ગુજરાતની વિકાસ યાત્રા આગળ વધશેઃ વિજયભાઇ : પદ્મકુંવરબા હોસ્પીટલના પી. એસ. પ્લાન્ટનું લોકાર્પણ ડેમો છલકાયા તે અંગે હર્ષ વ્યકત કરતા મહેસૂલ મંત્રી

રાજકોટઃ રાજકોટમાં નવનિયુકત મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સહાય વિતરણ કાર્યક્રમની પ્રથમ તસ્વીરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્રપ્રસાદ દિપ પ્રગટાવી અને કાર્યક્રમનો પ્રારંભ કરાવી રહેલા દર્શાય છે. અન્ય તસ્વીરોમાં લોકાર્પણ કરી રહેલા પૂર્વ મુખ્યમંત્રીશ્રી તેમજ સહાય વિતરણ કરાયુ હતું તે દર્શાય છે. તેમજ આ પ્રસંગે ઉપસ્થિત જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, મ્યુ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી, મેયર પ્રદીપ ડવ, કલેકટર અરૂણ મહેશબાબુ વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૭ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને રાજકોટમાં મહેસુલ અને કાયદા મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ના અધ્યક્ષ સ્થાને ગરીબ હિતલક્ષી કાર્યક્રમો- સેવા યજ્ઞ યોજાયો હતો. પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે  યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના ગરીબ પરિવારોને ઉજવાલા યોજનાના લાભોનુ વિતરણ, ગેસ  કીટ એનાયત ઉપરાંત કોરોના વેકિસનેશનમાં સો ટકા સફળ કામગીરી કરનારા ગામોના સરપંચો નું સન્માન અને મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના લાભાર્થીઓને સહાય મંજુરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

  રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગરીબોની બેલી સરકાર તરીકે ગરીબોના હિત ના અનેક નિર્ણયો લઇ કામો કરવામાં આવ્યા છે. ગુજરાતના  પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીને ૭૧માં જન્મદિનની શુભકામના પાઠવી મંત્રીશ્રીએ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આઠ કરોડ પરિવારોને ગેસ કનેકશન મળ્યા છે અને ધુમાડાથી મુકત કરી પણ ચિંતા કરવામાં આવી છે તેમ જણાવીને ગુજરાતને કેરોસીન મુકત કરવાની દિશામાં રાજય સરકારે અભિયાન હાથ ધર્યું છે તેમ જણાવ્યું હતું.

 મંત્રીશ્રીએ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં વિકાસના અનેક કાર્યો થયા છે અને આ વિકાસયાત્રા જનસેવાના કાર્યો થકી આગળ વધી રહી છે તેમ પણ જણાવ્યું હતું.

  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શનમાં આજે વડાપ્રધાનના જન્મદિને ૪૦૦થી વધુ સ્થળોએ ગરીબ કલ્યાણકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કરીને મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લામાં વેકિસનેશન મહા અભિયાન ,ભારે વરસાદમાં પુનઃ વીજ સ્થાપન, ઉજવલા યોજના ની અને  સ્વચ્છ ભારત અભિયાન ની કામગીરી ની વિગતો આપી હતી. મંત્રીશ્રીએ રાજકોટના અનન્ય યોગદાન નો ઉલ્લેખ કરીને તાજેતરના વરસાદથી રાજકોટના  ડેમ છલકાઈ ગયા છે તે અંગે હર્ષની લાગણી વ્યકત કરી હતી.

આ તકે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નવનિયુકત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીઓની નવી ટીમ ને શુભકામના પાઠવી નવી ઊર્જા સાથે ગુજરાતની વિકાસયાત્રા આગળ વધશે તેમ જણાવ્યું હતું .વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ૭૧મા જન્મદિવસે શુભેચ્છા પાઠવી રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલા ગરીબ લોકોના કલ્યાણના અભિયાન ની વિગતો આપી હતી.

   આ તકે મંત્રીશ્રીના હસ્તે રાજકોટની પદ્મ કુવરબા હોસ્પિટલના પી.એસ.એ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે મુખ્યમંત્રીના રાજય કક્ષાના કાર્યક્રમ નું લાઇવ પ્રસારણ લાભાર્થીઓ અને અગ્રણીઓએ નિહાળ્યું હતું. ઉજવલા યોજનાની સાફલ્ય ગાથા રજુ કરતી ફિલ્મનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં  મેયર શ્રી પ્રદિપભાઈ ડવ,સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઈ મીરાણી શ્રી રાજુભાઇ ધ્રુવ શ્રી નીતિનભાઈ ભારદ્વાજ  શ્રી મનીષભાઈ, શ્રી ઝવેરીભાઇ ઉપરાંત કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરા ડીડિઓ શ્રી દેવ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:57 pm IST)