Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કાલથી ત્રણ દિવસ કોંગ્રેસનાં ધરણાઃ મંજુરી ન મળે તો સવિનય કાનુન ભંગઃ અશોક ડાંગર

આર.ટી.ઓ. અને નવા ટ્રાફિક નિયમો સામે લડત આપવા કોંગી આગેવાનો સજજઃ હેલ્મેટ મુકિતની માંગ : પ્રજાની પરસેવાની કમાણીમાંથી કમ્મરતોડ દંડ નાંખતી ભાજપ સરકારની હીટલર શાહીને પ્રજા હવે ઓળખી ગઇ છેઃ મધ્યમ વર્ગ-ગરીબો હેરાન પરેશાન-પ્રજા ત્રાહીમામઃ સ્માર્ટ સીટી સ્વચ્છ રોડ, ઢોર મુકત રસ્તાની વાતો ગુલબાંગો સાબીતઃ સરકાર સામે આક્રોશ ઠાલવતાં-જસવંતસિંહ ભટ્ટી, વશરામ સાગઠીયા, ડો. હેમાંગ વસાવડા, પ્રદિપ ત્રિવેદી, ડો. દિનેશ ચોવટીયા, ગાયત્રીબા વાઘેલા સહિતનાં આગેવાનો

ઝુલ્મી નિયમો રદ કરોઃ નવા આર.ટી.ઓ. ટ્રાફિક નિયમો પૈકી શહેરમાં હેલ્મેટ, બાળક સાથે ત્રણ સવારી ગણવાં સહિતનાં અવ્યવહારૂ નિયમો વિરૂધ્ધ શહેર કોંગ્રેસનાં આગેવાનો આવતી કાલથી ત્રણ દિવસ ધરણા યોજી અને વિરોધ દર્શાવવા સહિતનાં કાર્યક્રમો યોજનાર છે. જે અંગે વિસ્તૃત માહિતી 'અકિલા કાર્યાલય'ની શુભેચ્છા મુલાકાતે આવેલા કોંગ્રેસનાં પદાધિકારીઓએ આપી હતી. તે વખતની તસ્વીરમાં પ્રમુખ અશોક ડાંગર, જસવંતસિંહ ભટ્ટી, ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપુત, જીજ્ઞેશ વાગડીયા, આશિષસિંહ વાઢેર, દિનેશભાઇ ચોવટીયા, મેઘજીભાઇ રાઠોડ, પ્રદિપભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ ખાચરીયા, હિતેનભાઇ મહેતા વગેરે દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭: શહેરમાં નવા લાગુ કરાયેલ આર.ટી.ઓ. અને ટ્રાફિક નિયમો સામે લડત આપવાં શહેર કોંગ્રેસનાં આગેવાનો સજજ થયા છે અને આ લડતનો પ્રારંભ આવતીકાલે તા. ૧૮ થી ર૦ એમ સતત ત્રણ દિવસ સુધી રેસકોર્ષ જીલ્લા પંચાયત ચોક ખાતે ધરણા યોજીને કરવામાં આવનાર છે અને જો આ ધરણા માટે પોલીસ તંત્ર મંજુરી નહિં આપે તો સવિનય કાનુન ભંગ કરીને પણ ધરણા યોજવાની મકકમતાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરે વ્યકત કરી છે.

આ અંગે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જણાવ્યું છે કે ભારત સરકાર પરિવહન વિભાગના મંત્રી નીતિન ગડકરી દ્વારા અમલમાં મુકવામાં આવેલ નવા આર.ટી.ઓ. અને ટ્રાફિક નિયમો એ કાળા કાયદા સમાન બનાવેલ છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એ કાયદાના વિરોધમાં સતત ત્રણ દિવસ સુધી તા. ૧૮/૯, ૧૯/૯, ર૦/૯ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી બપોરે રઃ૦૦ કલાક સુધી પ્રતિક ઉપવાસ કરવામાં આવશે.

તેઓએ આક્ષેપો કરતાં જણાવેલ કે, ગુજરાતના મુખ્યમંત્રી જેમ પ૦%નું કાપડમાં સેલ ચાલતું હોય તે રીતે અમુક દંડને પ૦% કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો છે, તેમજ નાના બાળકને ટુ વ્હીલમાં લઇ જવો એ ત્રણ સવારી ગણાય પરંતુ જે નેતાને બાળકના હોય તેઓને આ બાબતે શું ખબર પડે? બાળક ને સાથે લઇ જવું એ ગુન્હો નો હોવો જોઇએ જો તેઓને બાળક હોત તો ખબર પડત કે બાળકને સાથે લઇને જ મોટર સાયકલમાં જવું પડે.

આમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ લોકોના પ્રશ્ને અને લોકોને પડતી મુશ્કેલીઓમાં હર હંમેશ કોંગ્રેસ ખડેપગે ઉભી રહી છે તેથી આ નવા આર.ટી.ઓ. ટ્રાફિક નિયમો સામે કોંગ્રેસ પક્ષે અવાજ ઉઠાવેલ છે અને ભાજપ સરકાર પાસે સ્પષ્ટ માંગણી કરેલ છે કે નવા આકરા ટ્રાફિક નિયમો રદ થવા જોઇએ અને વ્યવહારિક નિયમોજ લાગુ કરવા જોઇએ જે દરેક નાગરિકોની માંગ છે.

આ સમગ્ર ધરણાનાં આયોજનને સફળ બનાવવાં અશોકભાઇ ડાંગર-પ્રમુખ, શહેર કોંગ્રેસ સમિતિ, મહેશભાઇ રાજપૂત-પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ સમિતિ, ડો. હેમાંગભાઇ વસાવડા-ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જશવંતસિંહ ભટ્ટી મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, પ્રદીપભાઇ ત્રિવેદી-કોંગ્રેસ આગેવાન, ગાયત્રીબા વાઘેલા-પ્રમુખ, ગુજરાત મહિલા કોંગ્રેસ, દિનેશભાઇ મકવાણા-મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, દેવેન્દ્રભાઇ ધામી-મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રહીમભાઇ સોરા-મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજદીપસિંહ જાડેજા-મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, મુકેશભાઇ ચાવડા-મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ધરમભાઇ કામલીયા-મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ઉર્વશીબેન પટેલ-મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, મયુરસિંહ જાડેજા-સહમંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જયપાલસિંહ રાઠોડ-પ્રમુખ, રાજકોટ શહેર યુવક કોંગ્રેસ, નરેન્દ્ર સોલંકી-પ્રમુખ રાજકોટ શહેર એનએસયુઆઇ, મનીષાબા વાળા-પ્રમુખ, રાજકોટ મહિલા કોંગ્રેસ, ભાવેશ ખાચરીયા-મુખ્ય સંગઠક, રાજકોટ સેવાદળ, મુકુંદ ટાંક-પ્રમુખ, જીલ્લા યુવક કોંગ્રેસ, રોહિતસિંહ રાજપૂત-પ્રમુખ, જીલ્લા એનએસયુઆઇ, વશરામભાઇ સાગઠીયા-વિરોધ પક્ષના નેતા, મનસુખભાઇ કાલરીયા-ઉપનેતા વિરોધ પક્ષ તેમજ તમામ કોર્પોરેટરશ્રીઓ, વિવિધ સેલના પ્રમુખશ્રીઓ, તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના વોર્ડ પ્રમુખો અને કોંગ્રેસના તમામ આગેવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:51 pm IST)