Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ખાડે ગયેલી કોંગ્રેસનું રસ્તા પ્રશ્ને ભાદરવાના ભીંડા જેવું નાટકઃ ઉદય કાનગડ

રાજય સરકારે રાજકોટના રસ્તાના રીપેરીંગ માટે રૂ.૨૫ કરોડની ફાળવણી કર્યા બાદ કાર્યક્રમ આપવાનો હેતુ માત્ર સસ્તી પ્રસિદ્ઘિનો સ્ટંટ વરસાદ વિરામ લે નહિ ત્યાં સુધી ડામર કામ શરુ ન થઇ શકે તેટલી સામાન્ય સૂઝબૂઝ કોંગ્રેસીઓએ ગુમાવી : રાજકોટ કોંગ્રેસ આંતરિક ઝગડામાંથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા આપે છે કાર્યક્રમોઃ સ્ટેન્ડીંગ ચેરમેનનાં ચાબખા

રાજકોટ,તા. ૧૭: મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે આજે રસ્તા પ્રશ્ને વિપક્ષ કોંગ્રેસે આપેલ આશ્યર્યજનક કાર્યક્રમને ભાદરવાના ભીંડા સમાન નાટક ગણાવીને અક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર કોંગ્રેસમાં ચાલતા આંતરિક ઝગડાઓ અને પાર્ટી પોલીટીકસનો ઢાકોઢુંબો કરવા માટે પબ્લીસીટી સ્ટંટ સમાન કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.

ચેરમેન વિપક્ષની આકરી જાટકણી કાઢતા જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના રસ્તા રીપેરીંગ કરવા માટે રૂ.૨૫ કરોડની ગ્રાન્ટની ફાળવણી પણ કરી દીધેલ છે અને ટૂંક સમયમાં જ રસ્તા રીપેરીંગ કામ શરુ થનાર છે. જયાં સુધી વરસાદ હોઈ, કે વરસાદની આગાહી હોઈ, ત્યાં સુધી ડામર કામ શરુ ન કરી શકાય તેટલી સામાન્ય બુદ્ઘિ પણ ખાડે ગયેલી કોંગ્રેસના આગેવાનો કે કાર્યકર્તાઓમાં નહી હોઈ? તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે.

અંતમાં તેમણે જણાવ્યુ છે કે, શહેરના જે રાજમાર્ગો કે આંતરિક માર્ગો પર ભારે વરસાદના કારણે ગાબડા પડ્યા છે ત્યાં આગળ મેટલીંગ કામ, પેચ વર્ક તેમજ પેવિંગ બ્લોકથી રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. તે બાબત સામાન્ય નાગરિકો પણ સુપેરે જાણે છે. પરંતુ, મળો હોઈ તેને પીળું દેખાય તેમ કોંગ્રેસીઓને રસ્તા પર કરવામાં આવતું રીપેરીંગ ન દેખાતા માત્ર ગાબડા જ દેખાય છે.શ્રી કાનગડે આ તકે એવો આક્ષેપ પણ કર્યો છે કે  રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા પદ માટે નગરસેવકોમાં ચાલતી આંતરિક ખેચતાણ તેમજ રાજકોટ શહેર કોંગ્રેસમાં ચાલતી ટાંટિયા ખેંચ સહિતના પાર્ટી પોલીટીકસ પરથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા માટે કોંગ્રેસ આવા આશ્યર્યજનક કાર્યક્રમો આપી રહી હોવાનું રાજકોટવાસીઓ સારી રીતે જાણી રહ્યાછે અને નવરાત્રી બાદ તુરંત જ ડામર કામ શરૂ થઇ જશે,  તેવી ખાત્રી પણ તેઓએ આ તકે ઉચ્ચારી હતી.

(3:40 pm IST)