Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ખેડૂતો-યાર્ડોની માંગણીઓનો વિજય : રોકડ ઉપાડ પર ર ટકા TDSની નાબૂદીનો નિર્ણય

ખેડૂતોમાં રાહતની લાગણી : વચેટીયાઓની ચેનલ આગળ વધતી અટકી

રાજકોટ, તા. ૧૭ : આખરે ખેડૂતો અને માર્કેટીંગ યાર્ડોની માંગણીનો વિજય થયો છે. રૂપિયા એક કરોડથી વધુની રોકડના ઉપાડ ઉપર બે ટકા ટીડીએસ લાગુ કરવામાં આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડના વેપારીઓમાં વિરોધ વંટોળી ભભૂકી ઉઠયો હતો, અને ખેડૂતો માટે પણ અગવડદાયક એ નિર્ણય વિરૂદ્ધ બે દિવસ હડતાળ પાળ્યા બાદ મને-કમને તેનો અમલ શરૂ થયો હતો, પરંતુ આખરે, સોમવારે કેન્દ્ર સરકારે યાર્ડને એ નિયમમાંથી મુકિત આપતા સૌરાષ્ટ્રના ખેડૂતો તથા યાર્ડ વેપારીઓની માંગણીનો વિજય થયો છે અને નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે.

પ્રત્યેક યાર્ડમાં પોતાની ખેત ઉપજ વેચવા આવતા ખેડૂતોને તે જ દિવસે રોકડા પૈસા મળી જતા અને રોજિંદો કરોડો રૂપિયાનો રોકડ વ્યવહાર જ ચાલતો આવ્યો હતો. હવે તાજેતરમાં સરકારે બેન્ક ખાતાઓમાંથી ૧ કરોડથી વધુના ઉપાડ પર બે ટકા ટીડીએસ લગાવવાનો નિયમ લાગુ કર્યો . તેમાં યાર્ડ પણ આવરા લવાયા હતા, યાર્ડના વેપારીઓ-કમિશન એજન્ટોદએ એમ કહીને વિરોધ કર્યો હતો કે તમામ વ્યવહારો ચેકથી જ કરવાના હોય તો અનેક ખેડૂતોએ પોતાના બેન્ક એકાઉન્ટ ખોલાવવા પડશે, ચેક માટે વિગતો ભરવી પડશે અને કરોડોના વ્યવહાર કરતા વેપારીઓને આર્થીક ફટકો પડશે. ઉંઝા યાર્ડ દ્વારા હડતાળના અપાયેલા એલાનને સમર્થન આપવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક યાર્ડ દ્વારા પણ બંધ પાળવામાં આવ્યો હતો.

બીજી તરફ, સોમવારે યાર્ડને આ નિયમમાંથી બાકાત રાખવાનું જાહેર થતા રાજકોટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન પ્રમુખ અતુલ કામાણીએ નિર્ણયને આવકારીને જણાવ્યું કે રાજકોટ યાર્ડમાં રોજના ૧૦થી ૧ર કરોડ રૂપિયાના વ્યવહારો ચેકથી થવા માંડયા હતા પણ મોટી તકલીફ બિચારા ખેડૂતોને પડતી હતી. અભણ કિસાનોએ બેન્ક કાપલી ભરવાથી માંડીને બેેન્કના અનેક કામમાં કોઇની મદદ લેવી પડતી હતી, જેમાં તેમના અજ્ઞાનનો ગેરલાભ લેવા વચેટિયાઓ ફૂટી નીકળવા માંડયા હતા. રાજકોટ યાર્ડમાં રોજ ૬૦૦થી ૭૦૦ ખેડૂતો માલ વેચવા આવે છે તેમાંના અનેકને આ મુસીબત હતી, પરંતુ હવેથી યાર્ડ વેપારી અને ખેડૂત વચ્ચેના આર્થિક વ્યવહારો પૂર્વવત બની જવાનો સંતોષ તેમજ સૌરાષ્ટ્રના યાર્ડ વેપારીઓ -ખેડૂતોની લડતનો વિજય થયાની લાગણી પ્રવર્તી રહી છે.

(11:09 am IST)