Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

પ્રાર્થ બ્રાન્‍ડ ફરાળી લોટનો નમૂનો નાપાસઃ ૭ સ્‍થળોએથી મોદક લાડુના નમૂના લેવાયા

ભુપેન્‍દ્ર રોડ સ્‍વામી નારાયણ મંદિરની ભાડાની દુકાનમાંથી લેવામાં આવેલ લોટનાં પેકેટમાં ઇન્‍ગ્રીડીયન્‍ટસમાં દર્શાવેલ વસ્‍તુ, મેન્‍યુ. તારીખ તથા લોટ નંબર દર્શાવેલ નહતોઃ ક્રિષ્‍ના ડેરી ફાર્મ, શ્રી ગૃહ ઉદ્યોગ, રાધે ડેરી, જય ગણેશ ગૃહ ઉદ્યોગ સહિતના સ્‍થળોએ વિવિધ લાડુના નમૂના લેવાયા

રાજકોટ તા. ૧૭ :.. શહેરીજનોને આરોગ્‍ય પ્રદ ખોરાક મળી રહે તે હેતુથી મ્‍યુનિ. કોર્પોરેશનની આરોગ્‍ય શાખાના ફુડ વિભાગ દ્વારા શહેરના વિવિધ સ્‍થળોએ આવેલ મોદક લાડુના ઉત્‍પાદન કેન્‍દ્રો તથા ડેરીમાં ચેકીંગ કરવામાં આવ્‍યુ હતું. આ ચેકીંગ દરમ્‍યાન બજરંગવાડી, ન્‍યુ જાગનાથ પ્‍લોટ, રામાપીર ચોકડી, કોઠારીયા રોડ તથા પેડક રોડ સહિતના વિસ્‍તારમાં આવેલ  ડેરી, ઉત્‍પાદક કેન્‍દ્રો સહિતના સ્‍થળોએથી મોતીચુર, મોદક, શુધ્‍ધ ઘીનાં રવાના લાડુ સહિતના  ૭ નમૂના લેવામાં આવ્‍યા હતાં. જયારે ભુપેન્‍દ્ર રોડ પર સ્‍વામીનારાયણ મંદિરની ભાડાની દુકાનમાંથી ‘પાર્થ બ્રાન્‍ડ' ફરાળી લોટનો નમૂનો લેવામાં આવ્‍યો હતો. આ નમૂનો પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા આ લોટના પેકેટમાં ઇન્‍ગ્રીડીયન્‍સમાં દર્શાવેલ વસ્‍તુ, મેન્‍યુ. તા. તથા લોટ નંબર દર્શાવેલ ન  હોય આ નમૂનો નાપાસ થયો છે. તેમ મ્‍યુનિ. કોર્પોરેશનનાં નાયબ આરોગ્‍ય અધિકારી ડો. પી. પી. રાઠોડે જણાવ્‍યું હતું.

આ અંગે  મ્‍યુનિ. કોર્પોરેશનની આરોગ્‍ય શાખાની સત્તાવાર માહિતી મુજબ ગણેશ ચતુર્થી અન્‍વયે જુદા જુદા પ્રકારના લાડું (મોદક) નું વધારેમાં વધારે ઉત્‍પાદન તથા વેચાણ થતું હોય લોકોને આરોગ્‍ય પ્રદ ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે રાજકોટ શહેરનાં ઉત્‍પાદન કેન્‍દ્રો તથા ડેરીમાં ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એકટ ઉત્‍પાદન કેન્‍દ્રો તથા ડેરીમાં લાયસન્‍સની શરતો મુજબ સ્‍વચ્‍છતા, લાડુ (મોદક)માં પ્રતિબંધિત કલર, લાડુમાં (મોદક) ખંડની જગ્‍યાએ કૃત્રિમ ગળપણ (આર્ટીફીસીયર સ્‍વીટનર), મોતીચુર લાડુમાં ચણાનાં લોટનાં બદલે ઘઉનો લોટ તથા રવાનો લોટ, ચોખાનો લોટ તથા અન્‍ય લોટ, લાડુ બનાવવા ઉપયોગમાં લેવાતા તેલ - ઘી સહિતની બાબતનોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મોતીચુર લાડુ, અજયકુમાર મોરીયા, સહજાનંદ સ્‍મૃતિ, બજરંગવાડી શેરી નં. ૩, મોદક લાડુ શ્રી ક્રિષ્‍ના ડેરી ફાર્મ ન્‍યુ જાગનાથ પ્‍લોટ, યાજ્ઞિક રોડ, મોતીચુર લાડુ (લુઝ) જય ગણેશ ગૃહ ઉદ્યોગ રામાપીર ચોકડી, ૧પ૦ ફુટ રીંગ રોડ, મોતીચુર લાડુ (લુઝ) શ્રી ગૃહ ઉદ્યોગ કોઠારીયા રોડ, રાજકોટ શુધ્‍ધ ઘી નાં રવા લાડુ (લુઝ),  રાધે ડેરી પેડક રોડ,  મોતીચુર લાડુ (લુઝ) જય ખોડીયાર ગૃહ ઉદ્યોગ મહાદેવ હોલ પાસે, કોઠારીયા રોડ તથા મોતીચુર લાડુ (લુઝ) ખાતેશ્વર સ્‍વીટ સુભાષનગર મેઇન રોડ, હરીધવા માર્ગ સહિતના સ્‍થળોએ થી ૭ નમુના લઇ રાજય સરકારની વડોદરા સ્‍થિત લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્‍યા છે.

 આ કામગીરી મ્‍યુનિસીપલ કમીશનર બંછાનીધી પાની ની સુચનાથી આરોગ્‍ય અધિકારી શ્રી ડો. પંકજ પી. રાઠોડ, ડેઝીગ્રેટેડ ઓફીસર શ્રી અમિત પંચાલના માર્ગદર્શન હેઠળ ફુડ ઇન્‍સ્‍પેકટરો દ્વારા કરવામાં આવેલ હતી.

નમૂનો નાપાસ

આ ઉપરાંત મ્‍યુનિ. કોર્પોરેશનની આરોગ્‍ય શાખા દ્વારા થોડા દિવસો પહેલા ભુપેન્‍દ્ર રોડ પર આવેલ સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિરની ભાડાની દુકાનમાં લક્ષ્મીનારાયણ દેવ સત્‍સંગ સહિત્‍ય ભંડાર માંથી વિનાયક સેલ્‍સ એજન્‍સી વેરાવળ મેઇન રોડ શાપર વેરાવળનો  પાર્થ બ્રાન્‍ડના ફરાળી લોટ (પ૦૦ ગ્રામ પેકેટ) નો નમૂનો લઇ વડોદરા પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્‍યો હતો. જેમાં ઇન્‍ગ્રીડીયમન્‍સ, મેન્‍યુ. તા. તથા લોટ નંબર દર્શાવેલ નથી.  આ નમુનો નાપાસ જાહેર કરવામાં આવ્‍યો છે. તેમ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્‍યું છે.

 

(4:06 pm IST)