Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

રાજકોટની ભાગોળે હરીપર પાળની સીમમાં માનવ કંકાલ મળતા તપાસનો ધમધમાટઃ પી.એમ. રીપોર્ટ તરફ મીટ

થોડે દૂરથી સ્‍ત્રીના વાળ અને કપડા મળતા મહિલાની લાશ હોવાની શંકાઃ પી.એમ. રીપોર્ટ આવ્‍યે મોતનું કારણ બહાર આવશે

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટની ભાગોળે અને લોધીકા પોલીસ મથકની હદમાં આવેલ હરીપર પાળ ગામની સીમમાં નિર્જન સ્‍થળેથી ગઈકાલે માનવ કંકાલ મળી આવ્‍યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના હરીપર પાળ ગામની સીમમાં નિર્જન સ્‍થળે માનવ કંકાલ પડયા હોવાની એક રાહદારીએ લોધીકા પોલીસને જાણ કરતા પીએસઆઈ ગઢવી તથા રાઈટર ખોડુભા સહિતનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો. પોલીસને ઘટના સ્‍થળેથી માનવ ખોપડી સહિતના હાડકાના અવશેષો મળી આવતા તે કબ્‍જે લઈને ફોરેન્‍સીક પી.એમ માટે રાજકોટ હોસ્‍પીટલે ખસેડેલ છે.

જ્‍યાંથી માનવ કંકાલ મળ્‍યા ત્‍યાંથી થોડે દૂર સ્‍ત્રીના વાળ, એક સાડી અને એક બ્‍લાઉઝ મળી આવતા આ માનવ કંકાલ મહિલાના જ હોવાનું પોલીસનું અનુમાન છે. આ મહિલાની હત્‍યા થઈ હોવાની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ અંગે લોધીકાના પીએસઆઈ ગઢવીએ જણાવ્‍યુ હતુ કે, ફોરેન્‍સીક પીએમ રીપોર્ટ આવ્‍યા બાદ લાશ પુરૂષની છે કે મહિલાની ? તે બહાર આવશે તેમજ તેની હત્‍યા કરાઈ છે કે કેમ ? તે પણ પીએમ રીપોર્ટ આવ્‍યા બાદ જ બહાર આવશે. હાલતૂર્ત પોલીસે લોધીકા અને રાજકોટ પંથકમાં ગૂમ થયેલ મહિલાઓ અંગે તપાસ શરૂ કરી છે.

(12:51 pm IST)