Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

ધો.૧ર સાયન્સમાં ૮૪.૬૯% સાથે રાજકોટ જિલ્લો ગુજરાત ફર્સ્ટ

૮૪૮૩ છાત્રોમાંથી માત્ર ૭ વિદ્યાર્થીઓને જ એ-વન ગ્રેડ મળ્યો : ૩પ૭ વિદ્યાર્થીઓને એ-ટુ ગ્રેડ : નીટ અને જેઇઇની પરીક્ષાને વધુ મહત્વ આપતા શિક્ષણ બોર્ડનું પરીણામ થોડુ દબાયાનું ચિત્ર ઉપસ્યુ

રાજકોટ,તા.૧૭: ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે ૮ કલાકે વેબસાઇટ ઉપર ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ જિલ્લો ૮૪.૬૯% સાથે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમે આવ્યો છે.

સૌરાષ્ટ્રનું પાટનગર અને એજયુકેશન હબ તરીકે ઉભરતું રાજકોટમાં ૪ યુનિવર્સિટી અને સંખ્યાબદ્ધ શાળા-કોલેજો આવેલી છે. સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટમાં શિક્ષણ મેળવવા હજારો વિદ્યાર્થીઓ આવે છે. ધો. ૧ર સાયન્સમાં પરિણામમાં રાજકોટ જિલ્લો ભરે મોખરે આવ્યો પરંતુ એકંદરે પરિણામ નબળુ રહ્યાનું ચિત્ર જાણકાર સુત્રમાંથી જાણવા મળે છે.

રાજકોટ જિલ્લામાં ૮૪૮૩ વિદ્યાર્થીઓએે ધો. ૧ર સાયન્સની પરીક્ષા ગત માર્ચ માસમાં આપી હતી જેમાં ૭ વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ પ્રાપ્ત થયો છે. જયારે એ-ટુ ગ્રેડમાં ૩પ૭, બી-વન ગ્રેડ ૧ર૧૦, બી-ટુ ગ્રેડમાં ૧૮૧૭ વિદ્યાર્થીઓ ઉતર્ણિ થયા છે. દર વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ રાજકોટ શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ હાસલ કરતા હોય છે. ત્યારે આજે માત્ર ૭ જ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ આવતા શિક્ષણ જગતનાં ચિંતકોએ ચિંતન શરૂ કર્યુ છે.

છેલ્લા ૩ વર્ષથી મેડીકલ અને પેરામેડીકલ તેમજ એન્જીનીયરીંગની ટોચની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે નીટ અને જેઇઇ પરીક્ષા આવી છે. આ પરીક્ષાનું મહત્વ મોટા ભાગની શાળાઓ અને વિદ્યાર્થીઓ સમજતા હોય છે જયારે શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧ર સાયન્સની પરીક્ષા ગંભીરતાથી લેતા  નથી. પરીણામે ધો. ૧ર સાયન્સનું પરીણામ રાજકોટ કેન્દ્ર પુરતુ દબાયેલુ જણાઇ રહ્યું છે.

આમ તો ર૦૧૯-ર૦ માર્ચ માસથી પરીક્ષામા પણ રાજકોટ જિલ્લાનું પરિણામ ૮૪.૪૭ % આવ્યુ હતું ત્યારે આજે માર્ચ-ર૦ર૦ નું પરીણામ ૮૪.૬૯% આવ્યું છે. આ બંન્ને વર્ષના પરીણામમાં તફાવત ખૂબ નાનો છે પરંતુ વિદ્યાર્થીઓનું વ્યકિતગત પરીણામ થોડુ નીચુ રહ્યાનુ જાણકાર સુત્ર જણાવી રહ્યા છે.

(11:17 am IST)