Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ભાજપની સંપર્ક યાદીમાં હજુ પણ ''સંજયસિંહ''નું નામ

પક્ષ સામે બળવો કરી ચુંટણી લડતા વોર્ડ નં.૧૩ના મહામંત્રી વાઘેલાને સસ્પેન્ડ કરાયા પરંતુ... : રામાણી અને પટોડીયાના ઓપરેશનથી સ્થાનિક પાટીદાર આગેવાનોને વિશ્વાસમાં ન લેવાયાનો ધૂંધવાટ

રાજકોટઃ ભાજપનું હવે કોંગ્રેસીકરણ થઇ જ રહયું છે જયારે શિસ્તબધ્ધ અને સક્રિયતા માટે ેજેના દાખલાઓ દેવાતા એ ભાજપમાં પણ હવે ઢમઢોલ માહે પોલ જેવી ભુલો બહાર આવી રહી છે. આજે વોર્ડ ૧૩ માં ઘણા ભાજપના આગેવાનો માટે પ્રચાર અને પ્રસાર માટે સ્થાનીક લેવલે કોનો સંપર્ક કરવો તેની જે ફાઇલો અપાઇ છેતેમાં ભાજપ સામે બળવો કરી ચુંટણી લડતા સંજયસિંહ વાઘેલાનું નામ મહામંત્રી તરીકે ચાલુ જ હોવાનું છપાતા ભારે આશ્ચર્ય સર્જાયુ છે.

વોર્ડ નં. ૧૩ માં આજે અખબારી પ્રતિનિધિઓએ સાંપ્રત પરિસ્થિતિ જાણવા સંપર્ક કરતા શહેરના અમુક ભાજપ અગ્રણીઓ પાસે પક્ષ દ્વારા અપાયેલ ફાઇલમાં બળવાખોર  હરીફ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને પણ  મહામંત્રી તરીકે દર્શાવીને મોબાઇલ નંબર-૯૮ર૪૪ ૦૯૧૦૦ હોવાનું જણાયું હતું.

સંજયસિંહ વાઘેલાએ તો ચુંટણી જાહેર થતા જ તેમના કેસરીયા તેવર દર્શાવીને નારાજગી જણાવી વટભેર ચુંટણી લડશે તેવી જાહેરાત કરી નાખી હતી. આમ છતા ભાજપના આગેવાનો અને કાર્યકરોને અપાયેલ સંપર્ક યાદીમાં તેમનું નામ કઇ રીતે આવી ગયું તેની ચર્ચા પક્ષમાં જ જાગી છે.

 આજે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી દ્વારા સંજયસિંહ વાઘેલાની ભાજપમાંથી હકાપભટ્ટી કરાયાનું જણાવાયું છે. પરંતુ સંપર્ક યાદીમાં હજુ પણ તેમનું નામ ચાલુ હોવાનું ચર્ચા જાગી છે.

આ ઉપરાંત વોર્ડ ભ્રમણ દરમ્યાન અમુક પાર્ટીના અગ્રણીઓ પણ ભાજપ આગેવાનોના આ ''ઓપરેશન મીડટાઉન'' થી એટલે નારાજ થયા છે કે સ્થાનિક પાટીદાર આગેવાનો તથા ખોડલધામ ટ્રસ્ટમાં સક્રિય સ્થાનિક નેતાગીરીને વિશ્વાસમાં શા માટે ન લેવાઇ.

છાનાખૂણે ચર્ચાતી વિગતો મુજબ ચોક્કસ બાબતે ભારે ચર્ચા છે. ચોક્કસ આગેવાનો આજે સાંજે મળવાના પણ છે અને ચોક્કસ નિર્ણયો થઇ શકે છે તેવી સંભાવના પણ છે.

(3:55 pm IST)