Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

માધાપરમાં પાણીનો પોકારઃ ચક્કાજામનું એલાન

૮ દિ'માં પ્રશ્ન હલ ન થાય...ટાંકો-લાઈન ન નખાય તો માધાપર ચોકડીએ ગ્રામજનો-સોસાયટીના લોકો ઉમટી પડશે : કલેકટર કચેરીએ ૨૫૦ થી ૩૦૦ લોકોનો કલેકટર સમક્ષ પોકારઃ બે બેડા પણ પાણી મળતું નથીઃ આવેદન પાઠવાયું

માધાપર ગામ અને સોસાયટીઓના રહેવાસીઓ પાણી પ્રશ્ને આજે કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા અને કલેકટરને ચક્કાજામની ચેતવણી આપી હતી

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટની ભાગોળે આવેલા માધાપર અને તેની ૪૦ સોસાયટીઓમાં પીવાના પાણી બાબતે દેકારો બોલી ગયો છે. આખા દિ'માં માંડ બે બેડા પાણી મળે છે. બોર ડૂકી ગયા છે, લોકો પાણી વિના ટળવળી રહ્યા છે, તાકિદે વ્યવસ્થા કરવા માંગણી કરાઈ છે.

આજે માધાપર અને તેની સોસાયટીના ૨૫૦થી ૩૦૦ જેટલા મહિલા-પુરૂષ લોકો કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા અને પાણી પ્રશ્ને વિસ્તૃત રજૂઆતો કરી... જો ૮ દિ'માં પ્રશ્ન નહીં ઉકેલાય તો માધાપર ચોકડીએ ચક્કાજામનું એલાન કરી કલેકટરને ચેતવણી આપી દીધી હતી.

કલેકટરને પાઠવાયેલ આવેદનમાં ઉમેર્યુ હતુ કે, રાજકોટ તાલુકાના માધાપર ગામે પીવાના પાણીની કોઈ સુવિધા નથી. ચાલુ વર્ષ નબળુ હોય - પીવાના પાણીની અતિ મુશ્કેલી છે. શહેરી વિકાસ સત્તા મંડળ-રાજકોટમાં વારંવાર રજુઆત કરવા છતા પાણીની લાઈન, સમ્પ, ટાંકો કે વિતરણની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.

પાણીની સુવિધા માટે ઘણી જ રજુઆત કરવામાં આવી છે છતા ઉકેલ થતો નથી. જો પાણીનો પ્રશ્ન હલ નહી થાય તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવામાં આવશે. માધાપર ચોકડીએ ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે.. તો યોગ્ય કરવા વિનંતી છે. રજૂઆતમાં સરપંચ-સભ્યો અને ગ્રામજનો જોડાયા હતા.

(3:51 pm IST)