Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

રવિવારે રાજકોટથી ખોડલધામ સુધી પદયાત્રા : ભાવિકો માં ખોડલના પોંખણા કરશે

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થતા ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા શિવરાજ પટેલના માર્ગદર્શનમાં વિશિષ્ટ આયોજન :ર૦મી એ સવારે ૬:૩૦ વાગ્યે સરદાર ભવન ખાતે માં ખોડલની મહાઆરતી બાદ પદયાત્રાનું પ્રસ્થાન થશેઃ પદયાત્રાના રૂટ પર મેડીકલ, ફૂડ કેમ્પ, ઇમરજન્સી સહિતની સુવિધા :પદયાત્રામાં જોડાવા માટે મો.૭૪૦પ૪ ૬૯ર૩૯ ઉપર નામ નોંધાવી દેવું

રાજકોટ તા. ૧૭ :.. લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે. તા. ર૧-૧-ર૦૧૭ નો દિવસ કાગવડ ખાતે યોજાયેલ ખોડલધામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે પણ લોકોને ઇતિહાસની યાદ અપાવી જાય છે. આજે ખોડલાધામ મંદિરે દરેક સમાજના લોકો અને શ્રેષ્ઠીઓ મા ખોડલનાં દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ પુર્ણ થતા શ્રી ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૦ મીનાં રવિવારે  વહેલી સવારે શ્રી સરદાર પટેલ ભવન, રાજકોટ થી શ્રી ખોડલધામ, મંદિર, કાગવડ સુધીની પદયાત્રામાં હજારો ભાવીકો જોડાઇને મા ખોડલનાં પોંખણા કરશે.

સમગ્ર લેઉવા પટેલ સમાજને એકતાંતણે બાંધવા માટે ખોડલધામ મંદિરનો વિચાર લેઉવા પટેલ સમાજના હૃદયસમ્રાટ શ્રી નરેશભાઇ પટેલને આવ્યો હતો. આ વિચારની શરૂઆત શ્રી ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ વર્ષ ર૦૧૦ થી થઇ હતી. શ્રી નરેશભાઇ પટેલનાં માર્ગદર્શન હેઠળ લેઉવા પટેલ સમાજે એકતાંતણે બંધાઇ અનેક રેકોર્ડો સ્થાપ્યા છે.

ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૦ નાં રવિવારનાં રોજ વહેલી સવારે ૬.૩૦ વાગ્યે શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, રાજકોટ ખાતે મા ખોડલની મહાઆરતી કરીને પદયાત્રનું પ્રસ્થાન કરવામાં આવશે. પદયાત્રા સરદાર પટેલ ભવનથી શરૂ થઇ ૧પ૦ ફુટ રીંગ રોડ, ગોંડલ ચોકડી થઇ બપોરે ૧૧ વાગ્યાની આસપાસ શાપર ખાતે પહોંચશે જયાં પદયાત્રીકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રિકો ભોજન પ્રસાદ લીધા બાદ યાત્રા રીબડા થઇ સાંજે ૭ વાગ્યાના સુમારે ગોંડલ પહોંચશે જયાં પદયાત્રીઓ માટે રાત્રી ભોજન અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રાત્રી વિશ્રામમાં ઠંડીનાં લીધે પદયાત્રિકો માટે ગરમ પાણી સહિતની ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિશ્રામ લીધા બાદ પદયાત્રા ગોંડલથી રાત્રે ૧૧ વાગ્યે ખોડલધામ તરફ પ્રયાણ કરશે. વીરપુર ખાતે વહેલી સવારે ૪ વાગ્યે પદયાત્રા પહોંચશે. જયાં પદયાત્રિકો માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ વીરપુરથી પદયાત્રા કાગવડનાં પાટીયે સવારે ૬ વાગ્યે પહોંચ્યા બાદ શ્રી ખોડલધામ મંદિર ખાતે જય મા ખોડલના નાદ સાથે પદયાત્રીકો યાત્રાને વિરામ આપશે.

આ પદયાત્રામાં જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના પદયાત્રીકો રાજકોટ થી આવેલી પદયાત્રાનું કાગવડનાં પાટીયે સ્વાગત કરી સાથે જોડાશે. રાજકોટથી લઇને ખોડલધામ સુધી પદયાત્રાનાં રૂટ પર આવતા ગામના ગ્રામજનો દ્વારા પણ પદયાત્રાનું સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રાના સમગ્ર રૂટ પર સલામતી અને ટ્રાફીકને ધ્યાને લઇને વિદ્યાર્થી સમિતિ દ્વારા સ્વયમસેવકોની ફોજ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત રૂટમાં મેડીકલ અને ઇમરજન્સી સહિતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવનાર છે. સમગ્ર પદયાત્રાનાં આયોજનને સફળ બનાવવા માટે ખોડલધામ ટ્રસ્ટની મહિલા સમિતિ અને શહેરનાં દરેક વોર્ડનાં કન્વીનરોનો સહયોગ સાંપડી રહ્યો છે.સમગ્ર પદયાત્રાનું આયોજન અને વ્યવસ્થા નરેશભાઇ પટેલના પુત્ર શિવરાજભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યું છે. સમાજના વધુમાં વધુ લોકો આ પદયાત્રામાં જોડાઇ તેવો અનુરોધ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. આ પદયાત્રામાં જોડાવા માટે મો. ૭૪૦પ૪ ૬૯ર૩૯ ઉપર નામ નોંધાવી દેવા યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)