Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ખોડિયારનગરમાં 'કટીંગ'થાય એ પહેલા ક્રાઇમ બ્રાંચ ત્રાટકીઃ ૨.૬૬ લાખનો ૬૩૬ બોટલ વિદેશી દારૂ જપ્ત

અગાઉ પોલીસ પર ફાયરીંગ કરનાર પીરવાડીના વસીમ સુમરા અને લક્ષ્મીવાડીના જયેશ રાઠોડે દારૂ ઉતાર્યાનું ખુલ્યું : હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, યોગીરાજસિંહ જાડેજા અને સોકતભાઇની બાતમી પરથી પીએસઆઇ મહાવીરસિંહ જાડેજાની ટીમને સફળતા

રાજકોટ તા. ૧૭: શહેર પોલીસે દારૂના ધંધાર્થીઓ પર ધોંસ યથાવત રાખી છે. ક્રાઇમ બ્રાંચે ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં દરોડો પાડી રૂ. ૨,૬૬,૩૪૦નો ૬૩૬ બોટલ દારૂ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો લક્ષ્મીવાડી અને પીરવાડીના બે શખ્સોએ ઉતાર્યાનું ખુલતાં બંનેની શોધખોળ થઇ રહી છે. આ બંને 'માલનું કટીંગ' કરે એ પહેલા જ પોલીસ પહોંચી જતાં મોટો જથ્થો મળ્યો હતો.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ મહાવીરસિંહ બી. રાણા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, યોગીરાજસિંહ જાડેજા અને સોકતખાન ખોરમને ચોક્કસ બાતમી મળી હતી કે ખોડિયારનગર-૪માં પાવર હાઉસ પાછળના મકાન પાસે ખાંચામાં દારૂનો જથ્થો ઉતારાયો છે અને તેનું 'કટીંગ' થવાનું છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં બે શખ્સ ભાગી ગયા હતાં. પોલીસને રૂ. ૨,૬૬,૩૪૦નો ૩૬૩ બોટલ દારૂ તથા રૂ. ૧૦ હજારના બે મોબાઇલ ફોન મળી આવતાં કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

દારૂનો આ જથ્થો જયેશ પ્રતાપભાઇ રાઠોડ (રહે. લક્ષ્મીવાડી) તથા વસીમ આમદભાઇ સુમરા (રહે. પીરવાડી પાસે રણુજાધામ સોસાયટી)એ ઉતાર્યો હોવાની માહિતી મળતાં આ બંનેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના તથા પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાાલ, અમીતભાઇ ટુંડીયા, અમરદિપસિંહ વાઘેલા, મિતાલીબેન ઠાકર, ફિરોઝભાઇ, યોગીરાજસિંહ અને સોકતખાને આ કામગીરી કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભાગી ગયેલા બે પૈકીનો વસીમ અગાઉ પોલીસ પર ફાયરીંગ કરવાના ગુનામાં સંડોવાઇ ચુકયો છે. તેની અને જયેશ રજપૂતની શોધખોળ થઇ રહી છે.

(3:38 pm IST)