Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઇન્કમટેકસ કચેરી પાસે વણકર માતા-પુત્રનો શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસઃ અટકાયત

૬૦ વર્ષના ગંગાબેન રાઠોડના ૧૦૨ વર્ષના માતાની ગુંદાસરમાં આવેલી જમીનના બોગસ દસ્તાવેજનો મામલોઃ વણકર વૃધ્ધાનો આક્ષેપ-તેના ગુંદાસરાની જમીનના બોગસ દસ્તાવેજ બન્યા તેમાં તેના માતાના નામને ખોટી રીતે જોડી દેવાયું છેઃ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છતાં કાર્યવાહી થતી ન હોઇ કંટાળી ગયા'તાઃ જેની સામે આક્ષેપ છે તેમાંથી એક ઇન્કમટેકસમાં ફરજ બજાવે છે

કેરોસીનના ડબલા લઇ આત્મવિલોપન માટે આવેલા વણકર માતા-પુત્રને પોલીસે અટકાયતમાં લીધા હતાં ત્યારે ભારે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં. અંતે બંનેને અટકાયત કરી પોલીસ મથકે લઇ જવાયા હતાં (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭: મુળ ગોંડલના ગુંદાસરાના વતની અને હાલ ૮૦ ફુટ રોડ આંબેડકરનગર-૩માં રહેતાં વણકર વૃધ્ધા ગંગાબેન દલાભાઇ સાગઠીયા (ઉ.૬૦)એ આજે સવારે પોતાના પુત્ર સુરેશભાઇ દલાભાઇ સાગઠીયા (ઉ.૩૬)ને સાથે રાખી ગિરનાર સિનેમા નજીક આવેલી ઇન્કમટેકસ ઓફિસના ગેઇટ પાસે શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસ અને આ બંને મા-દિકરા વચ્ચે ભારે ઝપાઝપી થઇ હતી. પોલીસે આ બંનેની અટકાયત કરી લીધી હતી. ગુંદાસરામાં ગંગાબેનના ૧૦૮ વર્ષના માતા બાયાબેનના નામની જમીન છે. તેની બાજુની જમીનના બોગસ દસ્તાવેજ બની ગયા હોઇ તેમાં માતા બાયાબેનનું નામ પણ ખોટી રીતે જોડી દેવાયું હોઇ આ મામલે ફરિયાદ કરવા છતાં ન્યાયી કાર્યવાહી ન થતાં પોતે પુત્ર સાથે આત્મવિલોપન કરવા આવ્યાનું ગંગાબેને કહ્યું હતું.

ઇન્કમટેકસ કચેરીના ગેઇટ પાસે આત્મવિલોપન શા માટે કરવા આવ્યા? તે અંગે પુછવામાં આવતાં ગંગાબેને કહ્યું હતું કે તેના ૧૦૮ વર્ષના માતા બાયાબેનને સરકાર તરફથી ગુંદાસરામાં સર્વે નં. ૧૩૬ (૧)ની ૧૯૯૯માં મળી છે. પોતાને ભાઇઓ ન હોઇ અને પોતે ત્રણ બહેનો જ હોઇ માતા બાયાબેને આ જમીન અમૃતભાઇને વાવવા આપી હતી. તેમજ નવી શરતની જમીન જુની શરતમાં કરી આપવાનું કામ પણ અમૃતભાઇને સોંપાયું હતું. એ પછી અમૃતભાઇએ આ જમીનની બાજુની ગોૈચરની જમીના દસ્તાવેજ બનાવી આ જમીન બાદમાં ભરતભાઇને વેંચવામાં આવી હતી. બોગસ દસ્તાવેજ બનાવાયો તેમાં બાયાબેનનું નામ પણ સામેલ કરાયું હતું.

ગંગાબેને વધુમાં જણાવ્યું હતું કે જમીનના બોગસ દસ્તાવેજ બનાવી ખોટુ કામ કરાયું હોઇ અને પોતાના માતાનું ખોટુ નામ સામેલ કરાયું હોઇ આ મામલે ન્યાય મેળવવા ૨૬/૧૦/૧૮ના રોજ કોર્ટ મારફત નોટીસ મોકલાવવામાં આવી હતી. એ પછી ગોંડલ તાલુકા પોલીસમાં ૧૭/૧૧/૧૮ના રોજ લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી જવાબદારો સામે કોઇ કાર્યવાહી ન થતાં કંટાળીને પોતે આત્મ વિલોપન કરવા આવ્યા હતાં. ઇન્કટેકસના એક કર્મચારી વિરૃધ્ધ પણ આક્ષેપ કરાયો હોઇ પોલીસ તપાસ કરી રહી છે.

માતા-પુત્ર આત્મવિલોપન કરવા આવી રહ્યાની જાણ થતાં પ્ર.નગર પીઆઇ બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. ગોસાઇ, એએસઆઇ હરેશભાઇ રત્નોતર, મહિલા પોલીસ કર્મચારીઓએ ઇન્કમટેકસ ઓફિસ પાસે વોચ રાખી હતી. માતા-પુત્રએ કરોસીનના ડબલા સાથે આવી પોતાના શરીરે રેડવાનો પ્રયાસ કરતાં જ પોલીસે તેને પકડી લેતાં ભારે ઝપાઝપી થઇ હતી. બંનેને પોલીસ મથકે લઇ જઇ અટકાયતી પગલા અને નિવેદનની કાર્યવાહી કરવામાં આવી હતી. થોરાળાના પીએસઆઇ પી.ડી. જાદવએ આગળની તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)

 

(4:15 pm IST)