Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

બોગસ નંબર પ્લેટ અને પટેલ વૃધ્ધને છેતરી ૧ લાખ લઇ જવા અંગે ગઠીયા સામે વધુ બે ગુના

કોર્પોરેશનના પટેલ સાહેબના નામે લોકોને છેતરનારા ભાવનગરના શખ્સની ઉંડી પૂછતાછ :શહેરના એસીપી પ્રદિપસિંહ જાડેજા ભાવનગર પીઆઇ હતાં ત્યારે તેમણે આ ધૂતારાને પકડ્યો'તોઃ એ વખતે જીઇબી અધિકારીના નામે ૪૦ લોકોને છેતર્યા'તા

રાજકોટ તા. ૧૭: નવા બનેલા મકાનોમાં મહિલા સભ્યો કે વૃધ્ધોની હાજરીમાં જ ે કોર્પોરેશનના પટેલ સાહેબના નામે પહોંચી વેરા બીલ, આકારણી સહિતની બાબતોનું કામ પતાવવાના નામે જે તે મહિલા સભ્ય કે વૃધ્ધના જ ફોનમાંથી બહાર રહેલી ઘરની જવાબદાર વ્યકિત સાથે વાત કરી બાદમાં ફોન કટ કરી નાંખ્યા પછી પણ વાત ચાલુ રાખી પૈસા ઘરેથી લઇ લવ છું...તેવી ખોટી વાતો કરી ઘરમાં હાજર વ્યકિત સામે જવાબદાર વ્યકિતએ પૈસા આપી દેવાનું કહ્યું છે તેવો દેખાવ ઉભો કરી છેતરપીંડી કરનાર ભાવનગરના ગઠીયા કિશોર રમેશભાઇ રાઠોડ (બાબર) (ઉ.૪૭) સામે વાહનમાં બોગસ નંબર પ્લેટ રાખવાનો અને સાધના સોસાયટીમાં પટેલ વૃધ્ધને છેતરીને ૧ લાખ લઇ જવા સબબ બે ગુના દાખલ થયા છે. આ ગઠીયાને શહેરમાં હાલમાં એસીપી તરીકે ફરજ બજાવતાં પ્રદિપસિંહ જાડેજા જ્યારે ભાવનગરમાં પીઆઇ હતાં ત્યારે તેમણે પણ પકડ્યો હતો. એ વખતે આ ધૂતારાએ જીઇબીના સાહેબ બની ભાવનગર પંથકમાં ૪૦ લોકો સાથે છેતરપીંડી કરી હતી.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, ડી.પી. ઉનડકટ અને ટીમે કિશોર રાઠોડને સકંજામાં લઇ પુછતાછ કરતાં રાજકોટમાં ૨૧ લોકો સાથે કોર્પોરેશનના અધિકારી બની લાખોની ઠગાઇ કર્યાનું કબુલ્યું હતું. પોતે ઠગાઇ કરવા જતો ત્યારે વાહનમાં બોગસ નંબર પ્લેટ લગાવતો હોઇ તે અંગે પણ પીએસઆઇ એમ. બી. જાડેજાની ફરિયાદ પરથી ડીસીબી પોલીસ મથકમાં કિશોર રાઠોડ સામે આઇપીસી ૪૬૫, ૪૬૮ મુજબ ગુનો દાખલ કરાયો છે.

ફરિયાદમાં જણાવાયું છે કે કિશોર રાઠોડને પેશન બાઇક સાથે પકડાયો ત્યારે તેમાં જીજે૩એફએમ-૫૩૯૭ નંબરની પ્લેટો લગાવેલી હતી. પણ આર.સી. બૂકમાં ચેક કરતાં આ વાહનના ખરા નંબર જીજે૧૪એએચ-૦૭૩૫ હોઇ આકરી પુછતાછ થતાં કિશોરે પોતે ખોટા નંબર લગાવ્યાનું કબુલતાં ગુનો દાખલ કરાયો છે.

આ ઉપરાંત ભકિતનગર પોલીસ મથકમાં ઠગાઇનો ગુનો દાખલ થયો છે. જેમાં સહકાર રોડ સાધના સોસાયટી-૨માં રહેતાં ભીમજીભાઇ ટપુભાઇ ખુંટ (પટેલ) (ઉ.૬૮)ની ફરિયાદ પરથી કોર્પોરેશનના અધિકારીની ઓળખ આપી રૂ. ૧ લાખની ઠગાઇ કરવા સબબ આઇપીસી ૪૦૬, ૪૧૯, ૪૨૦ મુજબ ગુનો દાખલ કરાયો છે. ૧૮/૧૨/૧૮ના રોજ આ ગઠીયો ભીમજીભાઇ ખુંટ પાસે ગયો હતો અને પોતે કોર્પોરેશનના અધિકારી છે તેવી ઓળખ આપી નવા બંધાઇ રહેલા મકાનની ફાઇલ ખર્ચના રૂ. ૧,૪૮,૦૦૦ આપવાના છે તેવી વાત કરી જે તે વખતે વૃધ્ધ પાસે ૧ લાખ જ હોઇ તે રકમ છેતરીને લઇ ગયો હતો. આ મામલે પીએસઆઇ પી.એમ. ધાખડાએ વિશેષ તપાસ હાથ ધરી છે. આ ગઠીયાએ આચરેલા અન્ય આવા ગુના ખુલવાની પણ શકયતા છે.

(12:08 pm IST)