Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

રાજકોટમાં ભુલા પડેલા મોરબીના વૃધ્ધનું પ્ર.નગર પોલીસે સ્વજનો સાથે મિલન કરાવ્યું

ધરમ સિનેમા પાસે ૮૦ વર્ષના વૃધ્ધને છાત્રોએ ચિંતામાં જોતાં પોલીસ મથકે મુકી ગયા'તાઃ સોશિયલ મિડીયાનો વધુ એક વાર સદ્દઉપયોગ

રાજકોટ તા. ૧૭: પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્ર વધુ એક વખત શહેર પોલીસે સાબિત કર્યુ છે. પ્ર.નગર પોલીસે રાજકોટમાં ભુલા પડેલા મોરબીના વૃધ્ધનું તેમના સ્વજનો સાથે મિલન કરાવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ધરમ સિનેમા સામેની ગલીમાં ગઇકાલે એક વૃધ્ધ આટાફેરા કરતાં અને ચિંતામાં જોવા મળતાં ત્રણેક વિદ્યાર્થીઓએ તેમને પુછતાછ કરતાં પોતે ભુલા પડી ગયાનું કહેતાં છાત્રોએ તેમને પ્ર.નગર પોલીસ મથક સુધી પહોંચાડ્યા હતાં. અહિ પીઆઇ બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. પટેલ, બી.જી. ડાંગર, કોન્સ. જયેન્દ્રસિંહ સહિતે આ વૃધ્ધને નામ સરનામુ પુછતાં પોતાનું નામ બચુલાલ (જયંતિભાઇ) નર્મદાશંકર ત્રિવેદી (ઉ.૮૦) હોવાનું અને મોરબીથી આવ્યાનું પણ હવે કયાં જવાનું છે એ ભુલી ગયાનું કહેતાં પોલીસે તેમના ફોટા પાડી જુદા-જુદા વ્હોટ્સએપ ગ્રુપમાં મુકયા હતાં.

એ દરમિયાન આ વૃધ્ધના સગા કે જે રાજકોટ નોકરી કરે છે તેમણે પણ વૃધ્ધનો ફોટો એક ન્યુઝ ગ્રુપમાં પોસ્ટ કરતાં પીએસઆઇ પણ આ ગ્રુપમાં હોઇ તેમણે વૃધ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં હોવાનું જણાવતાં જ સ્વજનો પોલીસ મથકે પહોંચ્યા હતાં. આમ પોલીસની તાકીદની તપાસ અને સોશિયલ મિડીયાના સદ્દઉપયોગથી ભુલા પડેલા વૃધ્ધનું પોલીસે તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. વૃધ્ધ બચુલાલને પ્રસંગમાં આજે ગુરૂવારે રાજકોટ આવવાનું હતું પણ ભુલથી તે એક દિવસ અગાઉ મોરબીથી બસમાં બેસી રાજકોટ આવ્યા હતાં અને બાદમાં કયાં જવાનું છે એ ભુલી ગયા હતાં.

(12:07 pm IST)