Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

આ વર્ષે ૨૧૦૦ વિદ્યાર્થીઓનું સન્‍માન : નરેન્‍દ્રભાઈ સોલંકી

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત દ્વારા રવિવારે મેગા સરસ્‍વતી સન્‍માન: દરેક વિદ્યાર્થીને ૧૦ ફુલસ્‍કેપ નોટબુક સેટ - સ્‍કુલબેગ વિતરણ : ઉચ્‍ચક્રમ હાંસલ કરેલ છાત્રોને શિલ્‍ડ એનાયત : જ્ઞાતિજનો - આગેવાનો ઉપસ્‍થિત રહેશે

રાજકોટ, તા. ૧૬ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્‍ત રાજકોટ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સમાજના સંગઠન ઉત્‍થાન અને વિકાસ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય તેના ઉપક્રમે આ વર્ષે પણ જ્ઞાતિ પ્રમુખ નરેન્‍દ્રભાઈ સોલંકીની અધ્‍યક્ષતામાં તેજસ્‍વી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન મળી રહે અને તેઓ વધુમાં વધુ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે મેગા સરસ્‍વતી સન્‍માન સમારોહ ૨૦૧૮ અને સંપૂર્ણ વિનામૂલ્‍યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન જ્ઞાતિ સમસ્‍ત દ્વારા કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ આગામી તા.૧૯ના રવિવારના રોજ હેમુગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે બપોરે ૨ કલાકે શરૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજકોટ શહેરના સંસદ સભ્‍યો, રાજકોટ મહાનગર પાલિકાના હોદ્દેદારો, વિવિધ સમિતિઓના ચેરમેનો, શહેર ભાજપના હોદ્દેદારો વગેરે ઉપસ્‍થિત રહેશે.

વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન અને વધુને વધુ શિક્ષણ પ્રત્‍યે રૂચિ રહે તથા પ્રેરણા મળે તે હેતુથી દરેક વિદ્યાર્થીને ૧૫૦ પેઈજનો એક એવા ૧૦ ફુલસ્‍કેપ ચોપડા (નોટબુક)નું વિતરણ કરવામાં આવશે. તથા દરેકને સ્‍કુલ - કોલેજ બેગ પણ આપવામાં આવશે. તદુપરાંત ધો.૧થી લઈને કોલેજકાળ સુધીનાં પ્રથમ ૧ થી ૩ નંબર મેળવનાર વિદ્યાર્થીને ઉપસ્‍થિત મહાનુભાવો તથા દાતાશ્રીઓ દ્વારા શિલ્‍ડ એનાયત કરી તેઓનું બહુમાન કરવામાં આવશે.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્‍તના પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકી દ્વારા સમાજમાં શિક્ષણનો વ્‍યાપ વધે સમાજના દરેક નવયુવાનો સંગઠિત અને શિક્ષિત તથા દિક્ષિત બને તે માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય છે ત્‍યારે આ વર્ષે અત્‍યાર સુધીમાં રેકોર્ડબ્રેક ૨૧૦૦ વિદ્યાર્થીઓને એકસાથે ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમને શરૂથી લઈને અંત સુધી સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકીની આગેવાની હેઠળ જ્ઞાતિ સમસ્‍તના કારોબારી સભ્‍યો, હોદ્દેદારો તથા જ્ઞાતિ સમસ્‍ત દ્વારા સંચાલિત શ્રી વિદ્યાર્થી મંડળ, શ્રી શ્‍યામવાડી ટ્રસ્‍ટ, શ્રી શ્‍યામ મંદિર સમિતિ, શ્રી મોહનમાંડણ વિદ્યાર્થી ભવન સમિતિ સાંસ્‍કૃતિક અને રમત ગમત સમિતિ વગેરે મંડળો તથા સમિતિઓના દરેક હોદ્દેદારો અને અન્‍ય આગેવાનો સાથે સંકલન કરી સમાજના નવયુવાનોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શ્રી ધનસુખભાઈ ભંડેરી (મ્‍યુનિસિપલ ચેરમેન શ્રી ગુજરાત ફાઈનાન્‍સ બોર્ડ), શ્રી નીતિનભાઈ ભારદ્વાજ (પૂર્વ પ્રમુખ), શ્રી કમલેશભાઈ મીરાણી (શહેર ભાજપ પ્રમુખ), શ્રી ગોવિંદભાઈ પટેલ - ધારાસભ્‍ય, અરવિંદભાઈ રૈયાણી - ધારાસભ્‍ય, લાખાભાઈ સાગઠીયા - ધારાસભ્‍ય, નરેન્‍દ્રસિંહ ઠાકુર - ચેરમેન, શિક્ષણ સમિતિ, દલસુખભાઈ જાગાણી - શાસક પક્ષના નેતા, અજયભાઈ પરમાર - દંડક, મોહનભાઈ કુંડારીયા - સાંસદસભ્‍ય, જીતુભાઈ કોઠારી - રાજકોટ શહેર મહામંત્રી, દેવાંગભાઈ માંકડ - રાજકોટ શહેર ભાજપ મહામંત્રી, કિશોરભાઈ રાઠોડ - શહેર ભાજપ મહામંત્રી હાજર રહેશે. આ સમારોહમાં દરેક દાતાઓનું બહુમાન કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓને ઈનામોનું વિતરણ કરાશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.(૩૭.૮)

(11:55 am IST)