Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ઓરડીમાંથી ગૂમ થયેલા પૈસા માટે પિતાએ ઝઘડો કરતાં પુત્રએ છરી ઝીંકી પતાવી દીધા

જામનગર રોડની વ્હોરા સોસાયટીમાં ચોકીદાર નેપાળી પ્રોઢ પુર્ણબહાદુર (ઉ.૫૦)ને પુત્ર પ્રેમ (ઉ.૨૧)એ પરલોક પહોંચાડી દીધા : મંગળવારની રાતનો બનાવઃ માતાની નજર સામે જ પુત્રએ હત્યા કરી બાદમાં પિતાની લાશ પાસે બેસી રહ્યોઃ ગાંધીગ્રામ પોલીસે કરી ધરપકડ

પિતાની હત્યા બાદ તેની લાશ પાસે બેસી ગયેલો પુત્ર પ્રેમ નેપાળી, બાજુમાં તેની માતા મોતીસરાબેન જોઇ શકાય છે. બાજુની તસ્વીરમાં હત્યા કરનાર પ્રેમ અને નીચેની તસ્વીરમાં પુર્ણબહાદુરનો નિષ્પ્રાણ દેહ  તથા ઘટના સ્થળે એસીપી ભરત રાઠોડ, પીઆઇ વી. વી.ઓડેદરા અને સ્ટાફ જોઇ શકાય છે

રાજકોટ તા.૧૬: શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ રાત્રીએ એટલે કે મંગળવારે જામનગર રોડ પરની વ્હોરા સોસાયટીમાં કોમ્યુનીટી હોલ પાસેની ચોકીદારની ઓરડીમાં રહેતાં નેપાળી પ્રોઢને તેના જ પુત્રએ છરીના ઘા ઝીંકી પતાવી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઓરડીમાંથી ગૂમ થયેલા પૈસા બાબતે આ પ્રૌઢ પુત્ર સાથે ઝઘડો કરતાં તે રોષે ભરાયો હતો અને માતાની નજર સામે જ પિતાનો જીવ લઇ લીધો હતો. હત્યા બાદ તે પિતાની લાશ પાસે જ બેસી રહ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી કોર્ટ હવાલે કરવા તજવીજ કરી હતી.

૧૪મીએ રાત્રે અગિયારેક વાગ્યે વ્હોરા સોસાયટી કોમ્યુનીટી હોલ પાસેની ગાંધી સોસાયટીમાં આવેલી ઓરડીમાં રહી આ સોસાયટીમાં ચોકીદારી કરતાં પુર્ણબહાદુર સારકી (ઉ.૪૮) નામના નેપાળી પ્રૌઢને તેના જ પુત્ર પ્રેમએ છરીના ઘા ઝીંકી પતાવી દીધાની જાણ થતાં એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. વી. વી. ઓડેદરા, રશ્મીનભાઇ પટેલ, ભુમિબેન સોલંકી, ડી. સ્ટાફના પીએસઆઇ ભટ્ટ, રાહુલભાઇ, કિશોરભાઇ, વિરેન્દ્રસિંહ, કનકસિંહ સહિતના પહોંચી ગયા હતાં.

પુર્ણબહાદૂરને માથા પાછળ અને મોઢા પર છરીના ઘા ઝીંકાયાનું જણાયું હતું. તપાસ થતાં હત્યા તેના જ પુત્ર પ્રેમ સારકીએ કરી હોવાનું ખુલતાં અને એ લાશ પાસે જ બેઠો હોઇ તેને સકંજામાં લેવાયો હતો. હત્યાનો ભોગ બનનારના પત્નિ મોતીસરાબેન સારકી (ઉ.૪૫)ની ફરિયાદ પરથી તેના દિકરા પ્રેમ સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. મોતીસરાબેને જણાવ્યું હતું કે ઓરડીમાં પતિ પુર્ણબહાદુરે પૈસા રાખ્યા હતાં. આ પૈસા ગૂમ થઇ જતાં પહેલા પોતાની સાથે પતિએ ચડભડ કરી ઝઘડો કર્યો હતો. ત્યાં પુત્ર આવી જતાં પતિએ તેને પણ 'ઓરડીમાંથી પૈસા કયાં ગયા?' તે અંગે પુછતાં પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો અને બંનેએ એકબીજા સાથે હાથોહાથની મારામારી શરૂ કરી દીધી હતી.

એ દરમિયાન ગુસ્સે ભરાયેલા પુત્રએ ઘરમાં પડેલી છરીથી હુમલો કરી પિતાને માથા અને મઢોા પર આંખ પાસે ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ થઇ ઢળી પડ્યા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી હતી, પણ તેના ડોકટરે તે મૃત્યુ પામ્યાનું જાહેર કર્યુ હતું.  પોલીસે પ્રેમની ધરપકડ કરી છરી કબ્જે લીધી છે. વધુ માહિતી મુજબ પુર્ણબહાદુરને બે પત્નિ છે. પ્રથમ પત્નિ નેપાળ રહે છે. તેના થકી ચાર પુત્રીઓ છે. મોતીસરા તેના બીજા પત્નિ છે. તેના થકી એક પુત્રનો જન્મ થયો હતો. આ પુત્ર જ તેની હત્યા માટે નિમિત બન્યો છે. પી.આઇ. વી. વી. ઓડેદરા અને ટીમે જરૂરી કાર્યવાહી કરી પ્રેમ નેપાળીને કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરી હતી. (૧૪.૬)

(10:31 am IST)