Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

રેસકોર્ષમાં તાળા માર્યા વગરની ૮ સાયકલો મળી

સાયકલો-ટુવ્હીલરની ચોરીઓ પાછળ આપણે પણ જવાબદાર... : જે લોકો આ રીતે રેઢી સાયકલો રાખે છે તેને પોલીસ મથકે બોલાવી સમજ આપવામાં આવી

રાજકોટઃ શહેરમાં અવાર-નવાર કોઇને કોઇ સ્થળેથી સાયકલો કે ટુવ્હીલર ચોરાઇ જતાં હોવાની ફરિયાદો પોલીસ મથકે આવતી રહે છે. આવા કિસ્સામાં માત્ર પોલીસ પર દોષનો ટોપલો ઢોળી દેવાને બદલે લોકો પોતે પણ થોડા જાગૃત બને તો આવા બનાવો અટકાવી શકાય. રેસકોર્ષ મેદાનમાં લગભગ દરરોજ સવારે ક્રિકેટ રમવા કે બીજી રમતો રમવા કે કસરતો કરવા છાત્રો, યુવાનો સાયકલો લઇને આવે છે. આ પૈકીના ઘણા ખરા એવા હોય છે જે ઉતાવળે કે પછી બેદરકારીને કારણે પોતાની સાયકલને લોક કર્યા વગર રેઢી મુકી દે છે. તેનો લાભ ઉઠાવગીરો સરળતાથી ઉઠાવી લેતાં હોય છે. છેલ્લા કેટલાક દિવસોમાં રેસકોર્ષમાંથી સવારે સાયકલો ઉપડી જતી હોવાની ફરિયાદ આવતાં પી.આઇ. એમ. બી. કાતરીયાની સુચના હેઠળ પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને રામશીભાઇ વરૂએ આજે વહેલી સવારથી જ વોચ રાખવાનું શરૂ કર્યુ હતું. એ દરમિયાન પોલીસની નજર સામે સાયકલ લઇને આવનારા લોકોની બેદરકારી સામે આવી હતી. લોક હોવા છતાં લોક કર્યા વગર સાયકલ મુકીને આ લોકો વોકીંગમાં કે રમત રમવા નીકળી ગયા હતાં. આવી ૮ સાયકલો પોલીસ મથકે લાવવામાં આવી હતી. બાદમાં તેના માલિકો સાયકલો ચોરાઇ ગયાની રાવ સાથે પોલીસ મથકે પહોંચતા તેમને થોડા જવાબદાર બનવા સમજ અપાઇ હતી. તસ્વીરમાં આવી સાયકલો સાથે એએસઆઇ રત્નોતર અને વરૂ જોઇ શકાય છે.

(3:21 pm IST)