Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ભગવાનજી ભાન ભુલ્યો...જેના અપહરણ-બળાત્કારમાં જામીન પર છુટ્યો તેનું જ ફરીથી અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો!

રાજકોટનો કિસ્સોઃ ચાર વર્ષ પહેલા ભોગ બનનાર સગીર હતી, હવે પુખ્ત વયની થઇ ગઇ છેઃ તેણીના ભાઇ-પિતાને મારી નાંખવાની ધમકી દઇ લીંબડી પાસેના ભલગામડામાં લઇ જઇ ફરી બળજબરી આચરીઃ માલવીયાનગર પોલીસે દબોચી લીધો

રાજકોટ તા. ૧૬: શહેરમાં એક કિસ્સામાં  ૪૮ વર્ષનો ઢગો આજથી ચાર વર્ષ પહેલા એક સગીરાને ભગાડી જતાં અને તેના પર બળાત્કાર ગુજારતાં એ કેસમાં સજા પડ્યા બાદ આજથી એક વર્ષ પહેલા જામીન પર છુટ્યો હતો. ભગવાનજી નામનો આ ઢગો જાણે ભાન ભુલી ગયો હોય તેમ ફરીથી અગાઉ જેના પર બળાત્કાર ગુજાર્યો હતો તેણીને જ તેના પિતા-ભાઇને મારી નાંખવાની ધમકી દઇ ભગાડી જતાં અને લીંબડી પાસેના ગામમાં લઇ જઇ બળાત્કાર ગુજારતાં માલવીયાનગર પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

 

બનાવમાં ચાર વર્ષ પહેલા ભોગ બનેલી સગીરા હાલમાં પુખ્ત વયની છે. તેણીની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે માયાણી નગર કવાર્ટર પાસે ચામુંડાનગર-૧માં રહેતાં ભગવાનજી લક્ષમણભાઇ રાઠોડ (ઉ.૪૮) સામે આઇપીસી ૩૬૬, ૩૭૬ (ઇ), ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે આજથી ચાર વર્ષ પહેલા એટલે કે ૨૦૧૫માં ભગવાનજીએ એક સગીરાનું અપહરણ કર્યુ હતું અને બળાત્કાર ગુજારતાં જે તે વખતે અપહરણ, બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાતાં તેની ધરપકડ થઇ હતી અને કોર્ટ હવાલે કરાયો હતો.

 

તેની સામે જે તે વખતે કેસ ચાલી જતાં  અદાલતે તેને દસ વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં તે એક વર્ષ પહેલા હાઇકોર્ટમાંથી જામીન પર છુટ્યો છે. દરમિયાન પોતાને જેના કારણે આ સજા પડી તે સગીરા કે જે હાલમાં પુખ્ત વયની થઇ ગઇ છે તેની જેલમાંથી છુટી ફરીથી શોધખોળ હાથ ધરી હતી અને ગત જાન્યુઆરી માસમાં ૧૭મીએ તેણે તેણીની શોધી કાઢી હતી અને તારી જુબાનીને કારણે મને સજા પડી છે, હવે તારે મારી સાથે લગ્ન કરવા પડશે. નહિ કર તો તારા ભાઇ અને પિતાને પતાવી દઇશ...તેવી ધમકી આપી હતી અને ફરીથી તેણીનું અપહરણ કરી ગયો હતો. તેણીને તે લીંબડીના ભલગામડા ગામે લઇ ગયો હતો. ત્યાં  બળાત્કાર ગુજાર્યો હતો અને એ પછી ૨૩મીએ તે યુવતિને પોતાના કાકાને સોંપી ધ્યાન રાખવાનું કહીને નીકળી ગયો હતો. ત્યારબાદ ભગવાનજીના કાકા એ યુવતિને પરત ઘરે મુકી ગયા હતાં.

યુવતિને તેના ભાઇ-પિતાને મારી નાંખવાની ધમકી આપી હોઇ તેણીએ પોતાની સાથે દૂષ્કર્મ થયાની કોઇને જાણ કરી નહોતી. હવે ફરીથી આ શખ્સ ઘર પાસે આટાફેરા કરી ધાકધમકી આપતો હોઇ અંતે આ મામલે તેણીના પરિવારજનોએ માલવીયાનગર પોલીસને જાણ કરતાં પી.આઇ. એન. એન. ચુડાસમા, પરેશભાઇ જારીયા, જાવેદભાઇ રિઝવી, અરૂણભાઇ બાંભણીયા સહિતની ટીમે ગુનો નોંધી ભગવાનજી રાઠોડ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. (૧૪.૬)

(2:33 pm IST)