Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

બુધ્‍ધ જયંતિ નિમિતે : વિપશ્‍યના ચિંતન

બુધ્‍ધ પૂર્ણિમા એટલે વૈશાખી પુનમ, ભગવાન બુધ્‍ધનો જન્‍મદિન. બુધ્‍ધત્‍વ પ્રાપ્તિનો દિન અને બુધ્‍ધના નિર્વાણનો દિન પણ એ જ ! આપણા દેશમાં અને ખાસ કરીને ધર્મ ચર્ચામાં ભગવાન બુધ્‍ધ વિષે અનેક ગેરસમજ પ્રવર્તે છે. બુધ્‍ધ , બૌધ્‍ધ ધર્મ અને વિપશ્‍યના વિષે થોડું સમજીએ.

ભગવાન બુધ્‍ધે ‘બુધ્‍ધમ્‌ શરણમ્‌ ગચ્‍છામિ, ધમ્‍મમ્‌ શરણમ્‌ ગચ્‍છામિ, સંઘમ્‌ શરણમ્‌ ગચ્‍છામિ' ત્રણ મહાસુત્રો આપ્‍યા. તેને સમજવા ખૂબજ જરૂરી છે.

‘બુધ્‍ધમ્‌ શરણમ્‌ ગચ્‍છામિ'માં બુધ્‍ધે બુધ્‍ધમ્‌ એટલે કે ભગવાન બુધ્‍ધ પોતે અને તેમના શરણે જવું એવું ક્‍યારેય કહયું નથી. ભગવાન બુધ્‍ધે કહયું છે કે બુધ્‍ધ એટલે ‘મુક્‍ત' આત્‍મા, જે જન્‍મ મરણના ફેરામાંથી મુકત થયા છે, પરમ પદને પામ્‍યા છે. જે માટે વિવિધ ધર્મો - સંપ્રદાયોમાં નિર્વાણ, મોક્ષ, અરિહંત, પરમાત્‍મા, બ્રહૐમત્‍વ વગેરે શબ્‍દો પ્રચલિત છે. આવા વિશેષણમાં ધર્મચર્ચાના અનુસંધાને કયાંક થોડો ઘણો તાત્‍વિક ભેદ હશે. ધર્મ - અધ્‍યાત્‍મના જગતમાં આત્‍માની આ પૂર્ણ અવસ્‍થા છે. આવા બુધ્‍ધ - મુક્‍ત તત્‍વને નમન કરવાની, વંદન કરવાની, તેના શરણે જવાની એટલે તેમના ચાલેલા માર્ગે જવાની વાત છે. ક્‍યાંય પગચંપી જેવા ક્રિયાકાંડની વાત નથી.

બીજો શબ્‍દ છે. ‘ધમ્‍મમ્‌ શરણમ્‌ ગચ્‍છામિ'. એટલે કે જે ધર્મ મુક્‍તિનાં માર્ગે લઈ જાય તે માર્ગે જવા માટે હું પ્રયાણ કરૂ. અહિં ધર્મની વ્‍યાખ્‍યા કોઈ હિન્‍દુ, બૌધ્‍ધ, જૈન, મુસ્‍લીમ કે ખ્રિસ્‍તી ધર્મની વાત નથી. અહિં ધર્મ એટલે આચરણ. સત્‍ય, અહિંસા, અસ્‍તેય, બ્રહૐમચર્ય, વ્‍યસન મુકિત વગેરે અનેક સદૐગુણો યુકત નિર્મળ જીવન એજ સાચો ધર્મ છે. આવો સત્‍યનો માર્ગ જે મુકતાવસ્‍થા તરફ મનુષ્‍યને દોરી જાય તેવા ધર્મના શરણે જવા માટે હું સંકલ્‍પ કરૂ છું, એ ભાવ નિહિત છે.

ત્રીજો શબ્‍દ છે, ‘સંઘમ્‌ શરણમ્‌ ગચ્‍છામિ', એટલે કે બુધ્‍ધત્‍વની, પરમપદની, નિર્વાણની પ્રાપ્તિના માર્ગે સામાન્‍ય માનવી કરતા અનેક ગણા આગળ નીકળી ગયેલા એવા અનેક આત્‍માઓ જેમને આપણે ભિક્ષુ, સાધુ, સંત, મુનિ, ઉપાધ્‍યાય વગેરે અનેક વિશેષણથી નવાજીએ છીએ, (અહિંયા સમજણની મારી  મર્યાદાને દરગુજજર કરશો) તેવા શ્રેષ્ઠ જીવાત્‍માઓને વંદન કરવાની વાત છે. તેમને વંદન કરી તેમના જેવા બનવા અને તેમના રસ્‍તે આગળ વધવા સંકલ્‍પ બધ્‍ધ થવાની વાત છે. તેમના શરણે જવું યાને કે તેમના જેવા ગુણો ધારણ કરતા તપસ્‍યા સાધના દ્વારા આખરે  ‘બુધ્‍ધત્‍વ', મુકતાવસ્‍થા , નિર્વાણ,  બ્રહમત્‍વની પ્રાપ્તી કરવી, એને જીવનનું લક્ષ્ય બનાવવું એ ભાવાર્થ છે.

બુધ્‍ધ ભગવાનને ‘બૌધીવૃક્ષ' નીચે સમાધિ થતા બૌધ્‍ધત્‍વ પ્રાપ્ત થયું. પરંતુ અધ્‍યાત્‍મ માર્ગના યાત્રીઓ જાણતા હોય છે કે બુધ્‍ધત્‍વ કે નિર્વાણ મેળવવા માટે કેટલી સાધના - તપસ્‍યા કરવી પડતી હોય છે ! અનેક વર્ષોની કહો કે અનેક જન્‍મોની સતત અવિરત સાધના બાદ આ સ્‍થિતિની અનુભૂતિ થતી હોય છે. બુધ્‍ધ ભગવાને ઘણી રખડપટી કરી, અનેક માર્ગો અખત્‍યાર કરી જોયા. પરંતુ  મધ્‍યમ માર્ગી સાધના ‘વિપશ્‍યના'ના શોધ બાદ તે માર્ગે આગળ વધી અંતે ‘બુધ્‍ધત્‍વ' પ્રાપ્ત કર્યુ.

બુધ્‍ધ ભગવાનની બીજી વિશેષતા એ રહી કે એમણે ધર્મચર્ચા અર્થે શાસ્ત્રાર્થમાં પડીને સમય બરબાદ કરવાને બદલે ટૂંકી અને સીધી સાદી સમજવાળી ‘વિપશ્‍યના' સાધનાનો માર્ગ બતાવી એટલું જ કહયું કે આ માર્ગે ચાલશો તો મુક્‍તિ મળશે. ક્‍યાંય કોઈ મંત્ર - તંત્ર, ચમત્‍કાર, વિધિ- વિધાન કે ક્રિયા કાંડની જરૂર નથી. આવી બીજી સાધનાઓનો વિરોધ પણ નહીં અને ટીકા પણ નહીં. આત્‍મા - પરમાત્‍મા વગેરેની ફીલોસોફીમાં બુધ્‍ધ ભગવાન બહુ પડયા નથી.        

પોતાના જીવનકાળ દરમ્‍યાન ભગવાન બુધ્‍ધે પ્રાપ્ત કરેલી ‘વિપશ્‍યના' સાધનાના માર્ગે અનેક ભિક્ષુઓ તૈયાર કર્યા અને અનેકાઅનેક લોકોને પ્રેર્યા. જે સમય જતા સંખ્‍યાબળ વધતા સંઘના રૂપે અને બાદમાં ‘ બૌધ્‍ધ ધર્મ ' ના નેજા હેઠળ એક સાંકળે જોડાયા. બુધ્‍ધ ભગવાને બૌધ્‍ધ ધર્મ સ્‍થાપ્‍યો જ નહોતો. સમય જતાં તેમાં પણ હિન્‍દુ ધર્મની જેમ બાકી બધા જ ક્રિયાકાંડો પ્રવેશ્‍યા એ અલગ વાત છે.

ભગવાન બુધ્‍ધે ‘વિપશ્‍યના' નામે આ સાધના પ્રણાલી સમગ્ર વિશ્વને ભેટ આપી, જે ગુરૂ - શિષ્‍ય પરંપરા દ્વારા શુધ્‍ધ સ્‍વરૂપે મ્‍યાનમારમાં ભેળસેળ વિના ટકી રહી. વર્તમાનમાં શ્રી સત્‍યનારાયણ ગોએન્‍કાજીએ ભારત વર્ષથી શરૂ કરી. અને સમગ્ર વિશ્વમાં વ્‍યાપ્ત કરી  અનેકને આ માર્ગ દ્વારા ‘ મુકિત ‘ નાં પંથે આગળ વધવાની પ્રેરણા આપી.

ભગવાન બુધ્‍ધે સ્‍પષ્ટ કહયું કે ‘ગુરૂ' તો માત્ર માર્ગ બતાવે, રસ્‍તામાં અડચણ આવે તો માર્ગદર્શન આપે, મુકિત પંથ તો જે તે સાધકે સ્‍વયં જ કાપવો પડે. ‘આપ મુઆ વગર સ્‍વર્ગે ન જવાય ! ' કહેવત મુજબ સાધકે સ્‍વયં પરિશ્રમ કરવો જ રહયો ! બીજી વાત, સાંસારિક જીવનમાં રહીને પણ મુકિતના માર્ગે વિપશ્‍યનાના મધ્‍યમ માર્ગી માધ્‍યમથી આગળ વધી શકાય છે. કઠોર સાધના વગર મોક્ષ-નિર્વાણ પ્રાપ્ત કરી શકાય છે.

ભગવાન બુધ્‍ધે કયાંય કોઈ મંદિર બનાવ્‍યા ન હતા. તેમણે સાધના કરવા માટે ધ્‍યાન કેન્‍દ્રો બનાવ્‍યા. તેને ‘ચૈત્‍ય - પેગોડા - શૂન્‍યાગાર' વગેરે નામ અપાયા, જયાં શુધ્‍ધ સ્‍વરૂપે ‘વિપશ્‍યના' સાધના શિખવવામાં આવતી.

વિશ્વભરમાં ૧૪૦થી વધુ વિપશ્‍યના સાધના કેન્‍દ્રો કાર્યરત છે. ગુજરાતમાં નવસારી, અમદાવાદ મહેસાણા, ધર્મજ, રાજકોટ, પાલીતાણામાં સાધના કેન્‍દ્રો કાર્યરત છે. મહુવા અને જૂનાગઢમાં શરૂ થવા જઈ રહ્યા છે. રાજકોટનું ધમ્‍મકોટ કેન્‍દ્ર કોઠારીયા રોડ પરના ખોખડદડથી શિફટ થઇ પડધરી રોડ પર ન્‍યારી-૨ ડેમની નીચેના ભાગે રંગપર માં શરૂ થઈ ગયું છે. જે વિશ્વનું શ્રેષ્ઠ કેન્‍દ્રોમાં સ્‍થાન મેળવશે. અહીં ૧૦ દિવસથી શરૂ કરી. સતિપઠાન, ૨૦,૩૦,૪૫ અને ૬૦ દિવસ સુધીની શિબિરો યોજાશે. ભાભા ગેસ્‍ટ હાઉસ વાળા અને વિપશ્‍યનાના સમર્પ્રિત ટીચર શ્રી રાજુભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ આ કેન્‍દ્ર કાર્યરત થયું છે.

વિપશ્‍યના સાધના નિઃશુલ્‍ક હોય છે. સુચારું સંચાલન માટે ધમ્‍મસેવકો દાનથી જ સ્‍વૈચ્‍છિક સેવા લેવામાં આવે છે. વિપશ્‍યના શિબિર કર્યા બાદ જ કોઈ પણ વ્‍યક્‍તિ દાન આપી શકે છે, જે દ્વારા આવા કેન્‍દ્રો ચાલે છે.

વર્તમાન ક્‍લીકાળમાં સંપૂર્ણ વૈજ્ઞાનિક અને સત્‍યના માર્ગવાળી સચોટ છતાં સૌ માટે સુલભ્‍ય એવી ‘વિપશ્‍યના' ઙ્ખઙ્ખ વિદ્યા - સાધનાને સમજવાનો યત્‍કિચિંત પ્રયાસ કરીએ અને કમસે કમ એક વાર દસ દિવસની શિબિરનો સ્‍વાદ ચાખીએ.

ડો . વલ્લભભાઈ કથીરિયા

પૂર્વ અધ્‍યક્ષ , રાષ્ટ્રીય કામધેનુ આયોગ

પૂર્વ કેન્‍દ્રીય મંત્રી - ભારત સરકાર

મો. ૯૦૯૯૩ ૭૭૫૭૭

(3:32 pm IST)