Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

વિધાનસભા-૭૧ યુવક કોંગ્રેસના પ્રમુખ હેમેન્દ્રસિંહને રાજકીય કિન્નાખોરીથી 'પાસા'માં ધકેલાયાનો આક્ષેપ

એ-ડિવીઝન અને બી-ડિવીઝન વિસ્તારમાં પોલીસ પર હુમલાના બનાવોમાં 'પાસા'નું શસ્ત્ર કેમ ન ઉગામાયુ ? કોંગી અગ્રણીઓ દ્વારા વેધક સવાલો ઉઠાવી પોલીસ કમિશ્નરને આવેદન અપાયું

રાજકોટ, તા. ૧૬ :. શહેર કોંગ્રેસના આગેવાનોએ પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી કોંગ્રેસની વિધાનસભા-૭૧ના પ્રમુખ હેમેન્દ્રસિંહ જાડેજાને રાજકીય કિન્નાખોરીથી 'પાસા'માં ધકેલાયાનો આક્ષેપ કરેલ છે.

આવેદનમાં જણાવ્યુ છે કે, કોરોના મહામારીના પગલે લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે શહેર પોલીસ દ્વારા તાજેતરમાં અમારા યુવક કોંગ્રેસના વિધાનસભા-૭૧ના પ્રમુખ હેમેન્દ્રસિંહ જાડેજા આપના તાબા હેઠળ આવતા વાવડી પોલીસ ચોકી ખાતે પરપ્રાંતીય લોકો માટે રજૂઆત કરવા ગયેલ અને આપની પોલીસ દ્વારા તેઓની સામે ગેરવર્તન કરેલ છતાં આપના અધિકારીઓએ હેમેન્દ્રસિંહ ઉપર ખોટો ગુન્હો દાખલ કરી તેઓની સામે પાસા જેવા શસ્ત્રનો ઉપયોગ કરી નિર્દોષ માણસને જેલમાં પુરી દીધો છે, જ્યારે રાજકોટમાં પદ્મકુંવરબા સરકારી હોસ્પીટલ ખાતે ખુલ્લેઆમ ફરજ પરના ડોકટર ઉપર હુમલો કરી માર મારવામાં આવ્યો અને ડોકટરે પોતે શહેરના 'એ-ડિવીઝન' પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ છે. તેમજ 'બી-ડિવીઝન' પોલીસ સ્ટેશનના હોમગાર્ડ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો પણ આવા લોકો અને જેને હકીકતમાં લુખ્ખા તત્વો કહેવાય જેની સામે પાસાના શસ્ત્ર ઉઠાવવાને બદલે હળવી કલમો લગાડી છે અને જ્યારે કોંગ્રેસના આગેવાન સાચી હકીકતની રજૂઆત કરવા પોલીસ સ્ટેશને જતા હોય તેવા નિર્દોષ માણસોની સામે આપે પાસાનો ઉપયોગ કરી ભાજપના નેતાઓની વાહવાહ લેવાનું કાર્ય કર્યુ છે.

આપ અવારનવાર એવુ કહી રહ્યા છો કે ડીજીનો આદેશ છે કે લોકડાઉનની અંદર જે કોઈ ડોકટર, પોલીસ કે કોરોનાની ફરજ પર રહેતા સરકારી કર્મચારી પર હુમલો કે ગેરવર્તન કરશે તો તેની સામે પાસાની કાર્યવાહી કરવા આપને આદેશ આપેલ છે પરંતુ અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી ડીજી એ આવો કોઈ લેખિત ઓર્ડર કરેલ નથી અને જો હકીકતમાં જો આવો કોઈ ઓર્ડર કરેલ હોય.

તો ઉપરોકત એ. ડીવીઝન પોલીસ સ્ટેશન અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવો બનેલા છે તો તે તહોમતદારો સામે પણ તમે પાસાના કાયદાનું પાલન હજુ સુધી કેમ કરેલ નથી ? શું આ પૈકીના કોઇ ભાજપના કાર્યકરો છે ? તેમજ આપશ્રીએ ડીજીના હુકમનો આ કેસોમાં કેમ પાલન કરેલ નથી ? અને કોઇ કાર્યવાહી કેમ કરેલ નથી? હકિકતમાં પોલીસ દ્વારા રાજકોટના તમામ નાગરીકો આપની નઝરમાં એક સમાન હોવા જોઇએ નહી કે પક્ષવાદ અને વ્હાલાદવલાની નીતિ અપનાવવી જોઇએ.

કોંગ્રેસ પક્ષના આગેવાનોને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરવામાં આવે અને ફરીથી નિર્દોષ હેમેન્દ્રસિંહની હકિકત જાણી અને વહેલામાં વહેલી તકે તેઓને પાસામાંથી મુકત કરવામાં આવે તેવી અંતમાં માંગણી કરી હતી.

આ રજૂઆતમાં શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ ડાંગર, શહેર સમિતિના પૂર્વ પ્રમુખ ડો. હેમાંગભાઇ વસાવડા, પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપૂત, ન. પ્રા. શિક્ષણ સમિતિના સદસ્ય ડો. રાજેશ ત્રિવેદી, શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, જીલ્લા યુથ કોંગ્રેસના મુકુંદભાઇ ટાંક તથા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો જોડાયા હતાં.

(3:40 pm IST)