Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

સામાકાંઠે આવાસ યોજનામાં બઘડાટી : ભાજપના કોર્પોરેટર-રહેવાસીઓ સામસામે

પરેશ પીપળીયાએ પાણી બંધ કરાવી દાદાગીરી કર્યાનો રહેવાસીઓનો આક્ષેપ : ધારાસભ્‍ય અરવિંદ રૈયાણી - મેયર બીનાબેન કહે છે મંદિર પાસે જાહેરમાં રહેવાસીઓ કચરો નાખતા હતા એટલે માથાકુટ થઇ : અધિકારી કહે છે રહેવાસીઓએ જ વાલ્‍વ નહી ખોલવા દઇ દેકારો બોલાવ્‍યો હતો

રાજકોટ તા. ૧૬ : શહેરના સામાકાંઠે આવેલ વોર્ડ નં. ૪માં આવેલ કોર્પોરેશનની આવાસ યોજનામાં આજે સવારે રહેવાસીઓ અને ભાજપના સ્‍થાનિક કોર્પોરેટરો સામ-સામે આવી જતા જબરી ધમાલ મચી હતી. જોકે બાદમાં ધારાસભ્‍ય અરવિંદ રૈયાણીએ સ્‍થળ ઉપર પહોંચીને મામલો થાળે પાડયો હતો.

આ બનાવની વિગત એવી છે કે આજે સવારે વોર્ડ નં. ૪માં કુવાડવા રોડ ઉપર ડી-માર્ટ પાછળ આવેલ મ્‍યુ. કોર્પોરેશનની શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં સેંકડો રહેવાસીઓનું ટોળુ રસ્‍તા ઉપર આવી ગયું હતું. આ રહેવાસીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે આ વિસ્‍તારના સ્‍થાનિક ભાજપ કોર્પોરેટર પરેશ પીપળીયાએ ટાઉનશીપના રહેવાસીઓ સાથે માથાકુટ કરીને દાદાગીરીથી આજે પાણી બંધ કરાવી દીધું હતું.

જ્‍યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્‍થળ ઉપર પહોંચેલા ધારાસભ્‍ય અરવિંદભાઇ રૈયાણીએ એવું સ્‍પષ્‍ટ કર્યું હતું કે, કોર્પોરેટર પરેશ પીપળીયા ટાઉનશીપના રહેવાસીઓને કચરો ટીપરવાનમાં નાંખવા સમજાવેલ છતાં રહેવાસીઓ કચરો જાહેરમાં મંદિર પાસે ફેંકતા હોઇ આ બાબતની ફરિયાદો ઉઠી હતી. આમ છતાં રહેવાસીઓએ જાહેરમાં કચરો ફેંકવાનું ચાલુ રાખતા આજે આ મુદ્દે માથાકુટના દ્રશ્‍યો સર્જાયેલ.

મેયર બીનાબેન આચાર્યએ પણ આ બનાવને સમર્થન આપી જણાવેલ કે, રહેવાસીઓ જાહેરમાં કચરો ફેંકે તો કોર્પોરેટર તેને સમજાવવા જાય તે સ્‍વાભાવિક છે. જોકે બાદમાં ધારાસભ્‍ય અરવિંદભાઇ રૈયાણીની સમજાવટ બાદ પાણી વિતરણ શરૂ થતાં મામલો થાળે પડયો હતો.

દરમિયાન આજે ઉક્‍ત ટાઉનશીપમાં પાણી નહી મળતા બાબતે આ વિસ્‍તારના ઇજનેરશ્રીનો સંપર્ક સાધતા તેઓએ એવું જણાવેલ કે, ‘સવારે નિયમિત રીતે વાલ્‍વમેન વાલ્‍વ ખોલવા ગ્‍યો ત્‍યારે ટાઉનશીપના રહેવાસીઓએ જ વાલ્‍વ ખોલવા દીધો નહતો અને એવો આક્ષેપ કર્યો હતો કે આ ટાઉનશીપમાં પાણી મળતુ નથી તેની આજે પાણીનો વાલ્‍વ ખોલવા નથી દેવો.'

આમ, કુવાડવા રોડની આ ટાઉનશીપના રહેવાસીઓનું ટોળુ રસ્‍તા ઉપર આવી જતા એક જ ઘટનાના ત્રણ - ત્રણ અલગ વિચારો સામે આવતા જબરી ધમાલ મચી હતી.

(2:58 pm IST)