Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

નકલી પાસ કોૈભાંડમાં તમામ ૧૯ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં ધરપકડઃ સુત્રધારના રિમાન્ડ મંગાશે

રાજકોટ તા. ૧૬: લોકડાઉનમાંથી મુકિત માટેના નકલી પાસના કોૈભાંડમાં ક્રાઇમ બ્રાંચે જંકશન પ્લોટના સિંધી કોલોની વિસ્તારના પરસાણાનગરમાં આવેલા રાજાવીર સ્ટુડિયોમાં દરોડો પાડી સ્ટુડિયો સંચાલક પરસાણાનગરના અમિત જયકિશન મોટવાણીને પકડ્યો હતો. તેની સાથે તેના મિત્રો પરેશ મંછારામ પંજાબી તથા અનિલ કનૈયાલાલ મંગવાણી તથા આ ત્રણેય પાસેથી નકલી પાસ ખરીદનારા બીજા ૧૬ જણાને પોલીસે પકડ્યા હતાં. તમામના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતાં. જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં હવે આજે તમામની વિધીસર ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે અમિત મોટવાણી, અનિલ, પરેશ તેમજ સંજય બાબુ વાસાણી, નિલેષ મુળજી રાઠોડ, જયેશ વાસુદેવ અડવાણી, ભરત બાબુભાઇ પરમાર, સુનિલ મોરારજી માંકડીયા, વિક્કી દિલીપ માકડીયા, હિતેષ ભુપતભાઇ પીઠડીયા, અલ્પેશ વેલજીભાઇ સોજીત્રા, મહેશ વાસુદેવ અડવાણી, રામ લાલચંદ અડવાણી, નયન વાસુદેવ અડવાણી, જીજ્ઞેશ મનોજ અડવાણી તેમજ ખોડીદાસ ઉર્ફ ખોડા જીવરાજભાઇ બાંભોલીયા અને અંકિત ભરતભાઇ બુસાની ધરપકડ કરી હતી. અમિત પાસે સોૈ પહેલા મિત્ર અનિલ નમુનાનો લોકડાઉન મુકિત પાસ લઇને આવ્યો હતો અને તેના પરથી એક નકલી પાસ બનાવ્યા બાદ આ બંનેએ અને પરેશ પંજાબીએ મળી ગ્રાહકો શોધી તેના નકલી પાસ બનાવવાનું શરૂ કર્યુ હતું.

અમિત આ નકલી પાસ પોતાના સ્ટુડિયોમાં કોમ્પ્યુટર-કલર પ્રિન્ટર-ફોટોશોપની મદદથી બનાવતો હતો. તે પાસ બનાવવાના રૂ. ૩૦૦ વસુલતો હતો અને અનિલ તથા પરેશ આ પાસના બીજા લોકો પાસેથી બારસોથી પંદરસો વસુલતા હતાં. વિશેષ પુછતાછ માટે સુત્રધારો અમિત, અનિલ, પરેશના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમ વધુ તપાસ કરે છે.

(2:51 pm IST)