Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

આત્મનિર્ભર ભારત અભિયાન માટે આયાત થતી ચીજવસ્તુઓ પર રોક લગાવવી જરૂરી

એમએસએમઈ સેકટરને મદદથી નાના દુકાનદારોથી લઈ ધંધા- ઉદ્યોગને ઉભા કરવામાં મદદ મળશેઃ મયુરધ્વજસિંહ જાડેજા

રાજકોટઃ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કોરોના આફતમાં કારમી પછડાટ ખાનાર અર્થતંત્રને નવચેતન આપવા માટેનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાહેર કરેલ ૨૦ લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજની ઉદ્યોગો અને ખાસ કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્રે શું અસર થશે તે અંગે રાજકોટના જે.એમ.જે. ગ્રૂપ ના મેનેજીંગ ડાયરેકટર શ્રી મયૂરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે એમએસએમઇ (માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ) સેકટરને મદદ કરવા માટે જાહેર કરેલાં પગલાં ખુબ ફાયદાકારક રહેશે. નવા પેકેજના કારણે એમએસએમઇને ફાઇનાન્સ કરનાર બેન્કો અને અન્ય ધિરાણકારોને ફેડરલ ગેરંટી મળશે અને તેથી ફંડ ફ્લો વધારવામાં મદદ મળશે. આ બધા એવા બિઝનેસ છે જે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી વધારશે અને મોટી કંપનીઓમાં સપ્લાય ચેઇનના ગેપ દૂર કરશે. નાના દુકાનદારોથી લઇ ધંધા-ઉદ્યોગને ઉભા કરવામાં મદદ મળશે. સાથોસાથ જે ફોરેન કંપની ભારતમાં ઇનવેસ્ટ કરતી હતી જેના ટેન્ડર ૨૦૦ કરોડથી નીચે હતા તેને અટકાવતા નાના અને મધ્યમ ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળશે.

રિયલ એસ્ટેટ ક્ષેત્ર વિશે જે.એમ.જે.ગ્રૂપના શ્રી મયૂરધ્વજસિંહ જાડેજા (મો.૯૫૩૭૯ ૦૦૦૭૭)એ કહ્યું હતું કે, સરકારે જે પઝેશન લિમિટમાં ૬ મહિનાનું એકસટેન્શન આપ્યું તે અસરગ્રસ્ત પ્રોજેકટ અથવા જે પ્રોજેકટ અંડર કંન્સ્ટ્રકશન છે કે પૂર્ણ થવામાં છે તેને માટે લાભદાઇ છે. કેન્દ્ર સરકારે NBFC (નોન બેન્કિંગ ફાઇનાન્સ કું.), HFC (હોમ ફાઇનાન્સ કું.), MFI (માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટીટ્યુશન) માટે આ પ્રોજેકટમાં સમાવેશ કરેલ હોવાથી રિયલ એસ્ટેટ અને અનઓર્ગેનાઇઝડ સેકટરમાં લિકવીડિટી પુરી પાડવામાં ખુબજ ઉપયોગી બનશે. રિયલએસ્ટેટ ક્ષેત્રમાં સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય જેમાં ૧૦૦ ટકા FDI (ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ) શકય બનશે. જેથી રિયલએસ્ટેટમાં ફંડના અભાવે અટકેલ પ્રોજેકટ્સ અને આવનારા નવા પ્રોજેકટ્સ માટે આશીર્વાદરૂપ બનશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(2:49 pm IST)