Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ગામડાઓમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવા અભિયાન

શિક્ષકો, વાલીઓ, આંગણવાડી કાર્યકરો સહિત એકાદ લાખ લોકોના મોબાઇલ ફોનમાં એપ. કાર્યરત

રાજકોટ,તા.૧૬: કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીમાં ભારત સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપ બનાવવામાં આવેલ છે. આ એપથી બ્લુટુથ અથવા જીપીએસ સિસ્ટમ દ્વારા કોઇપણ વ્યકિત પોતાની આજુ બાજુ કોઇ પોઝિટિવ દર્દી છે કે કેમ? તે અંગે એલર્ટ મેળવી શકે છે.જેથી તેના સંપર્કમાં આવતા પહેલા જે તે વ્યકિત સામજિક અંતર રાખી પોતાનો બચાવ કરી શકે છે.

આમ આ એપ દરેક લોકોને ખુબજ ઉપયોગી હોય, માન.જિલ્લા વિકાસ અધિકારોશ્રી અનિલ રાણાવસીયા ની સુચના અનુસાર રાજકોટ જિલ્લાના ૫૯૩ ઇ-ગ્રામ સેન્ટરો ખાતે કામગીરી કરતા ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસીક(વી.સી.ઇ) દ્વારા તમામ ગ્રામ પંચાયત અને ગ્રામજનોને કોરોના વાયરસ અંગેનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે પ્રતીદીન ઓછામાં ઓછા ૫૦ સ્માર્ટફોન ધરાવતાં વ્યકિત ને 'આરોગ્ય સેતુ' એપ્લીકેશન ડાઉનલોડ કરવા જણાવવામાં આવેલ છે. તેમજ જિલ્લા પ્રોજેકટ મેનેજર(ઇ-ગ્રામ) વિરમદેવસીંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ગ્રામજનોને 'આરોગ્ય સેતુ' એપ્લીકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરાવી કોરોના વાયરસ અંગે સુરક્ષીત રહેવા માટેની જાણકારી અને આસપાસ કોરોનાનો દર્દી હોય તો તેની ચકાસણી કઇ રીતે કરવી તેનુ માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યુ છે. અને ગ્રામ પંચાયત ખાતે આવતા ગ્રામજનોને સૈનેટાઇઝર થી હાથ ધોવા તથા સોશીયલ ડિસ્ટન્સીંગ રાખવા, મોઢે રૂમાલ અથવા માસ્ક બાંધવા માટેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. રાજકોટ જિલ્લાના ઇ-ગ્રામ સેન્ટર મારફત કુલ ૬૦,૨૩૮, પ્રાઇમરી સ્કૂલ દ્વારા શિક્ષકો અને વાલીઓ ના મળી કુલ ૨૨,૩૧૯ અને આંગણવાડી વર્કર દ્વારા ૧૩,૨૩૨ આમ કુલ મળી ૯૫,૭૮૯ લોકોએ 'આરોગ્ય સેતુ' એપ્લિકેશન ડાઉનલોડ કરેલ છે.રાજકોટ જિલ્લા નાં કુલ ૧૨,૦૦,૦૦૦ થી વધુ ગ્રામ્ય વસ્તીને 'આરોગ્ય સેતુ' એપ્લીકેશન હેઠળ આવરી લેવાનું આયોજન કરેલ છે.તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના તમામ કર્મચારી અને તાલુકા પંચાયતમાં ટી.એલ.ઇ દ્વારા તમામ કર્મચારી ને 'આરોગ્ય સેતુ' એપ્લીકેશન ડાઉનલોડ કરાવેલ છે.

(2:48 pm IST)