Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

માંડવી ચોક દેરાસરની કાલે ૧૯૪મી સાલગીરા

રાજકોટ,તા.૧૬: ૧૯૩ વર્ષ પૂર્વે તે સમયના રાજકોટના રાજવી પરિવારના પટારામાંથી સુપાર્શ્વનાથ દાદાની મૂર્તિ મળી આવી હતી. તે સુપાર્શ્વનાથ દાદાની મૂર્તિ રાજવી પરિવારે જૈનોને અર્પણ કરી હતી અને દેરાસર બાંધવા માટે રાજવી પરિવાર દ્વારા જમીન પણ ભેટરૂપે આપવામાં આવી હતી. તે શહેરના સોની બજારમાં આવી આવેલા પ્રાચીન જૈનતીર્થ સુપાર્શ્વનાથ જિનાલયમાં કાલે તા.૧૭ને રવિવારે સુપાર્શ્વનાથ દાદાની ૧૯૪મી વર્ષગાંઠ મનાવાશે. હાલ કોરોના મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિમાં ધામધૂમથી મહોત્સવને બદલે ચાર વ્યકિત જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને જિનાલયમાં ૧૧ ધ્વજા ચઢાવશે.

સંઘ પ્રમુખ જીતુભાઈ ચાવાળાએ જણાવ્યું કે રવિવારે લોકડાઉનના નિયમોનું ચુસ્તપાલન સાથે ૧૯૪મી ધ્વજારોહણ વિધી થશે. સુપાર્શ્વનાથ જિનાલયમાં ૧૧ ધજા ચડાવવામાં આવશે. લોકડાઉન હોવાથી ભાવિકો જિનાલય નહીં આવી શકે પરંતુ પોતાના ઘરે રહીને ભકિત આરાધના કરે.

સુપાર્શ્વનાથ જિનાલયમાં મૂળનાયક સુપાર્શ્વનાથ દાદા, પાર્શ્વનાથ પ્રભુ, શાંતિનાથ ભગવાન, સીમંધર સ્વામી સહિત છ શિખરો પર ધ્વજારોહણ થશે. ધ્વજારોહણ કાર્યક્રમ બે ત્રણ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સાદાઈથી અને લોકડાઉનના નિયમોને અનુસરીને ઉજવાશે.

(2:48 pm IST)