Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

વિડીયો : ઓસમાણ મીર અને આમિરની પિતા- પુત્રની જોડીએ ગીત બનાવ્યુઃ લતાજીના શુભાશીષ

બીગ બી, સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ,રવિના ટંડને પણ સોંગને સજાવ્યુ : ફિલ્મ 'હિના'નું બે દર્દી તેરે પ્યાર મે...ગીતને ઓસમાણ મીર અને આમિરે કલાસીકલ ટચ આપ્યોઃ ઘરના સ્ટુડીયોમાં જ કરાયું રેકોર્ડીંગ

રાજકોટઃ વૈશ્વિક મહામારી બનેલા કોરોના વાયરસ સામે જાગૃતિ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સામૂહિક ધોરણે પ્રયાસ થઈ રહ્યા છે, ત્યારે તેમાં બોલીવૂડ સેલિબ્રિટી પણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરમાં દરેક ચેનલ પર લોન્ચ થયેલા સોંગમાં જાણીતા ગાયક ઓસમાણ મીરના કંઠે પણ કામણ પાથર્યાં છે.

આ વીડિયો સોંગમાં કોરોના સામે પ્રેરણા આપતા વાકયોનું પઠન મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ઘેઘૂર કંઠે કર્યું છે. જેમાં ઓસમાણ મીર ઉપરાંત સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, રવિના ટંડન જેવા નામી કલાકારોએ પણ એક એક પંકિત ગાઈને સોંગને સજાવ્યું છે, જેમાં ગુજરાતમાં ઓસમાણ મીર અને ભૂમિ ત્રિવેદીએ રજૂઆત કરી છે.

સૌરાષ્ટ્રમાં ડાયરા અને લોકગીતો જેવા કાર્યક્રમોથી આગળ આવેલા કલાકાર ઓસમાણ મીર આજે આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી બન્યા છે. દરમ્યાન આજે તેમના ચાહકો અને સંગીતરસિકો માટે ઓસમાણભાઈએ નવું નઝરાણું ધર્યું છે. તેમણે કહ્યું કે પૂ.મોરારી બાપુ સાથેની ગોઠડીમાં પોતે 'હિના' ફિલ્મનું ગીત બે દર્દી તેરે પ્યારને દિવાના જે લતાદીદીએ ગાયું હતું તે રજૂ કરતા હતા, તે જ ગીતને કલાસિકલ ટચ આપીને પોતે અને તેમના ૧૯ વર્ષીય પુત્ર આમિર મીરે સંયુકત રીત. પોતાના ઘેર પોર્ટેબલ સ્ટુડિયોમાં સાજ સાથે બંદિશને સમજાવીને રેકોર્ડ કર્યું અને આ અંગે સ્વરકોકિલા લતા મંગેશકર સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને મોકલ્યું તો 'દીદી' ખૂબ જ ખુશ થયા અને આશીર્વાદ આપ્યા બાદ યુ- ટયુબ ચેનલ પર લોન્ચ કર્યું છે. જે આર.કે, રિશી, રવિન્દ્ર જૈનને ટ્રિબ્યુટ કર્યું છે.

(4:46 pm IST)