Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

સંવેદનશીલતા સાથે ક્ષમતા અને કાર્યદશક્ષતાનો વધુ એકવાર પરિચય કરાવતી રૂપાણી સરકાર : રાજુ ધ્રુવ

રાજકોટ તા.૧૬ : કોરોના મહામારી સામે વિશ્વના પ્રગતિશીલ કહેવાતા દેશો હાંફી ગયા છે. આપણા દેશમાં પણ એની અસર તો થઇ પરંતુ આપણા સક્ષમ નેતૃત્વ, સજાગ તંત્ર અને પ્રજાની સમજદારી, સહિષ્ણુતા તથા જુસ્સાને લીધે આપણે ટકી શકયાં હોવાનો આત્મસંતોષ ભાજપના સૌરાષ્ટ્રના પ્રવકતા રાજુભાઇ ધુ્રવએ વ્યકત કર્યો છે.

તેઓએ એક યાદીમાં જણાવેલ છે કે જેમ દેશમાં આ વિપરિત સંજોગો સામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મોરચો માંડયો છે એવી જ રીતે ગુજરાત સરકાર પણ રાત દિવસ લોકોની સતત સાથે છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલતા અને ક્ષમતા બન્નેનો પરિચય ફરી એક વાર રાજયને થયો છે.

જે રીતે કોરોનાએ કહેર વર્તાવ્યો છે, દરરોજ નવા કેસ થાય છે. વૈજ્ઞાનિકોને પણ જેની દવા હજી સૂઝતી નથી એવા આ વાયરસનું સંક્રમણ વધી જ રહ્યું છે ત્યારે રાજયના નાનામાં નાના વ્યકિતને પણ ટકી રહેવામાં વાંધો ન આવે એના માટે ગુજરાત સરકારે સંનિષ્ઠ અને સફળ પ્રયાસ કર્યા છે.

તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી શ્રીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે. નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને પૂનઃ બેઠા કરવા જાહેર કરેલી આ સહાય યોજના માટેના અરજી ફોર્મ આગામી તા. ર૧મી મે થી અપાશે.

૧૦ લાખ જેટલા વ્યકિતઓને ૩ વર્ષ માટે રૂ. ૧ લાખ સુધીની લોન માત્ર ર ટકાના વ્યાજે આપવામાં આવશે. આ લોન કોઇ પણ જાતની ગેરંટી વગર અપાશે તેમજ માત્ર ર ટકા વ્યાજના દરે આપવામાં આવશે.

ઉપરાંત મુખ્યમંત્રી શ્રીએ લોકડાઉનની સ્થિતીમાં ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે મનરેગાના કામો તેમજ સુજલામ સુફલામ જળ અભિયાનના કામો શરૂ કરવા રાજયના વહિવટીતંત્રને પ્રેરિત કર્યુ છે. કપાસ પકવતા ખેડૂતોના હિતમાં કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે કેન્દ્રીય કાપડ મંત્રીને રજૂઆત પણ કરી છે. કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સતત ચિંતા કરીને સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે. ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી. શ્રમિકોને વતન પહોંચાડવા સ્પેશ્યલ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી.

આમ એક પછી એક પડકારોને પહોંચી વળવા સરકાર સફળ થઇ રહી હોય રાજુભાઇ ધ્રુવે અભિનંદન પાઠવેલ છે. બીજી બાજુ લોકડાઉન કયાં હળવું કરી શકાય અને કયાં, કયારે પુનઃ વેપાર ધંધા શરુ કરાવી શકાય એની વિચારણા પણ સતત ચાલી રહ્યાના નિર્દેશો રાજુભાઇ ધ્રુવે આપેલ છે.

(1:23 pm IST)