Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ફુલેકૂ ફેરવનારી મહિલાએ પોતાના ભાઇઓને પણ છોડ્યા નથી!

કે.ડી.આર. ક્રેડિટ મંડળીની ચેરમેન-એમડીનો પતિ અહેમદ મુળ રાજસ્થાનના કોટાનો વતનીઃ અલગ-અલગ પ્રકારની અનેક સ્કીમો ચલાવતી હતી : લાખો ગુમાવનારાઓની અલગ-અલગ અરજીઓને આધારે આગળ વધતી તપાસઃ ક્રાઇમ બ્રાંચે પુનિતનગરના ઘરમાં તપાસ કરીઃ ડીવીઆર કબ્જેઃ ફરિશ્મા ઉર્ફ કરિશ્માના ભાઇઓ તથા માતાની પુછતાછઃ ૧૩મીએ નણંદને મકાનની પાવર ઓફ એટર્ની આપ્યા બાદ પતિ-સંતાન સાથે નીકળી ગઇઃ સામાન પછી લઇ જશે અને કાલાવડ રોડ પર રહેવા જશે તેવી વાત કરી હતી

રાજકોટ તા. ૧૬: દૂધ સાગર ફારૂકી મસ્જીદ રોડ પર ભારત મેડિકલ સ્ટોરના એડ્રેસ પર કે.ડી.આર. ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લિ. નામે ઓફિસ ખોલી અલગ-અલગ પ્રકારની ડેઇલી બચત સ્કીમ તથા સાડા છ વર્ષની સ્કીમો ખોલી જુદા-જુદા લોકો પાસેથી નાણા ઉઘરાવતી બજરંગવાડી પાસે પુનિતનગરમાં રહેતી મુસ્લિમ મહિલા  ત્રણ દિવસ પહેલા પોતાના પુનિતનગરના મકાનનું પાવર ઓફ એટર્ની પોતાની નણંદના નામે કરી પતિ, સંતાનો સાથે રાતોરાત ગાયબ થઇ જતાં બચત સ્કીમોમાં કરોડોનું રોકાણ કરનારા રાતે પાણીએ રડી રહ્યા છે. છેલ્લા-આઠ દસ વર્ષથી કરિશ્મા ઉર્ફ ફરિશ્મા અહેમદ બાંબીયા નામની મહિલા બચત સ્કીમ ચલાવતી હતી. આ મહિને પાકતી મુદ્દતે નાણા મેળવવા માટે બચતકારોએ ફોન જોડતાં ફોન બંધ આવતાં તેના ઘરે તપાસ કરતાં તે ગત ૧૩મીએ નીકળી ગયાની ખબર પડી હતી. આ મામલે પોલીસે અરજી પરથી તપાસ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે તેણીએ તેના બે ભાઇઓના નાણા પણ ડુબાડી દીધા છે!

ગઇકાલે બજરંગવાડી રાજીવનગર અને મોચીબજારના તેમજ દૂધની ડેરીના રહેવાસીઓ મોટા ભાગના તમામ મુસ્લિમ પરિવારના લોકોએ કે.ડી.આર. ક્રેડિટની સંચાલિકા કરિશ્માએ બચત સ્કીમના નામે લાખોની ઠગાઇ કર્યાની આરજીઓ પોલીસ કમિશનર, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, એ-ડિવીઝન તથા થોરાળા પોલીસ મથકમાં આપી હતી. એક અરજીને આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચના તથા એસીપી જે. એચ. સરવૈયા અને પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, ધીરેનભાઇ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી.

પોલીસે પુનિતનગરમાં આવેલા મંડળીની સંચાલિકા કરિશ્માના ઘરે જઇ તપાસ કરી હતી અને તેણીની નણંદ ફરઝાનાબેન તથા રામનાથપરામાં રહેતાં કરિશ્માના ભાઇઓ મુનાફભાઇ તથા જાકીરભાઇ અને માતાની પુછતાછ કરી છે. જો કે પોલીસને તેના ભાઇઓએ જણાવ્યું હતું કે પોતાના પણ ૩ લાખ અને ૨૦ હજાર બહેન કરિશ્મા પાસે બચત સ્કીમમાં ફસાયા છે. કરિશ્મા પોતાનું મકાન નણંદના નામે પાવર ઓફ એટર્નીથી કરીને જતી રહી છે. તે કયાં ગઇ છે તેની કોઇને ખબર નથી.

દરમિયાન ભોગ બનેલા રાજીવનગરના લોકોના કહેવા મુજબ કરિશ્માનો પતિ અહેમદ મુળ રાજસ્થાનના કોટાનો વતની છે. કરિશ્મા ઉર્ફ ફરિશ્મા અલગ-અલગ અનેક સ્કીમો ચલાવતી હતી. જેમાં ડેઇલી બચત સ્કીમ ઉપરાંત ૬ાા વર્ષે ડબલની સ્કીમ પણ હતી. સાડા છ વર્ષે ડબલની સ્કીમમાં ૭૫ જણાનું એક ગ્રુપ બનાવાતું હતું અને તેમાં દરેક જણે ૮ાા હજાર રૂપિયા રોકવાના હતાં. દર મહિને દૂધની ડેરી પાસે આ ૭૫ લોકોની હાજરીમાં ચિઠ્ઠીથી ડ્રો થતો હતો અને જેનું નામ નીકળે તેને ૮ાા હજારના રોકાણ સામે ૧૫ હજાર આપી દેવામાં આવતાં હતાં. આ રીતે દર મહિને ડ્રો થતો હતો.

કરિશ્મા બાંધી મુદ્દત થાપણ રશીદ આપતી હતી તેમાં કે.ડી.આર. મંડળીના ચેરમેન-મેને. ડિરેકટરના નામ પર તેની સહી છે. તેમજ મેનેજરમાં તેના પતિ અહેમદની સહી છે. રાજકોટના જે સેંકડો લોકો છેતરાયા છે તે તમામ મુસ્લિમ પરિવારના છે અને મોટા ભાગના શ્રમિકો તથા નાના વેપારીઓ સામેલ છે. અલગ-અલગ અરજીઓ પરથી તપાસ આગળ વધી રહી છે. જો કે કરિશ્મા ઉર્ફ ફરિશ્માનો હજુ કોઇ પત્તો મળ્યો નથી. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ શ્રી સાખરાએ મહિલા સંચાલિકાના ભાઇઓ-માતાના નિવેદન નોંધ્યા તેણે આ સંચાલિકાનું નામ કરિશ્મા જ હોવાનું કહ્યું છે. જો કે એ-ડિવીઝનમાં અરજી કરનારા લોકોએ તેણીનું નામ ફરિશ્મા હોવાનું અરજીમાં લખ્યું છે. રશીદમાં જે સહી છે તેમાં ફરિશ્મા જેવો સ્પેલીંગ દેખાય છે. હવે સંચાલિકા અને તેનો પતિ હાથમાં આવ્યે વધુ વિગતો ખુલશે.

(1:22 pm IST)