Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

વિરડા વાજડી ચેકપોસ્ટ પર મહિલા પીએસઆઇ-સ્ટાફ સાથે ગેરવર્તનઃ કારખાનેદાર, તેના સાળા અને કારીગરની ધરપકડ

મંજૂરી વગર કારમાં નીકળ્યા'તાઃ મિહીર જાવીયા, મહેશ સવસાણી અને જય ગોધાણી સામે ફરજમાં રૂકાવટનો ગુનો

રાજકોટ તા. ૧૬: વિરડા વાજડી ચેકપોસ્ટ પર પરવાનગી વગર કારમાં નીકળેલા કારખાનેદાર પટેલ યુવાન અને તેના સાળા તથા કારીગરે પાસ પરમીટ માંગનાર મહિલા પીએસઆઇ અને સ્ટાફ સાથે ગેરવર્તન કરી ગર્ભિત ધમકી આપતાં ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એચ. જે. બરવાડીયાની ફરિયાદ પરથી મિહીર મહેન્દ્રભાઇ જાવીયા (ઉ.૩૪-રહે. સર્જક-શ્રીનાથજી પાર્ક-૩, યુનિવર્સિટી રોડ), મહેશ પ્રભુભાઇ સવસાણી (ઉ.૩૫-રહે. શ્રીરામ આર્કેડ પાટીદાર રેસિડેન્સી સામે) તથા જય કેશવલાલ ગોધાણી (ઉ.૨૪-રહે. ઘનશ્યામનગર મેઇન રોડ ભગતસિંહજી ગાર્ડનવાળી શેરીમાં) વિરૂધ્ધ આઇપીસી ૧૮૬, ૧૮૯, ૫૦૪, ૧૧૪ મુજબ ગાળાગાળી કરી ફરજમાં રૂકાવટ કરી ગર્ભિત ધમકી આપવા સબબ ગુનો નોંધાયો છે.

પીએસઆઇ એચ. જે.  બરવાડીયાએ એફઆઇઆરમાં નોંધાવ્યું છે કે શુક્રવારે બપોરે એકથી સાંજના આઠ સુધી મારી નોકરી વિરડા વાજડી ચેકપોસ્ટ પર હતી. સાથે હેડકોન્સ. લાલજીભાઇ ડાંગર, કોન્સ. પ્રકાશભાઇ કોડીયાતર, મેહુલરાજસિંહ, નિલેષભાઇ સહિતનો સ્ટાફ પણ ફરજમાં હતો. મેટોડા તરફથી આવતા વાહનોને અમે રોકી ચેકીંગ કરતાં હતાં. એ દરમિયાન એક સફેદ રંગની કાર આવતાં તેમાં ત્રણ લોકો બેઠા હતાં. ડ્રાઇવર સીટ પર બેઠેલા વ્યકિતએ પોતાનું નામ મિહીર જાવીયા જણાવ્યું હતું. તેને રાજકોટમાં પ્રવેશ કરવાનો પાસ પરમીટ કે આધાર પુરાવો હોય તો રજૂ કરવાનું કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ મારી સાથે જેમ તેમ બોલી અયોગ્ય વધર્તન કર્યુ હતું.

આ કારના નંબર જીજે૦૩ડીજી-૬૧૧૫ હતાં. તેની સાથે બીજા બે લોકો મહેશ સવસાણી અને જય ગોધાણી હતાં. આ ત્રણેયએ અમારી સાથે તથા બીજા પોલીસ સ્ટાફ સાથે ગાળાગાળી કરી હતી અને ગર્ભિત ધમકી આપી હતી. આ રીતે અમારી ફરજમાં રૂકાવટ કરી હોઇ ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મિહીર કારખાનેદાર છે. મહેશ તેનો સાળો છે અને જય કારીગર છે. તેણે પોલીસને કહ્યું હતું કે બે મહિનાથી અમે આવ-જા કરીએ છીએ, અમને કોઇ રોકતું નથી...તેમ કહી અસભ્ય વર્તન કર્યુ હતું.

(11:47 am IST)