Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

રાજકોટ જિલ્લાની ૫ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન ૯૯ દસ્તાવેજ નોંધાયા : સ્ટેમ્પની ૩૦ લાખની આવક

દસ્તાવેજ નોંધણીમાં પક્ષકારો - વકિલોનો પૂરતો સહકાર : સોશ્યલ ડિસ્ટન્સનો ખાસ અમલ

રાજકોટ તા. ૧૬ : હાલમાં વિશ્વભરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા રાજય સરકારશ્રી દ્વારા થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી. જે રાજય સરકારશ્રી દ્વારા ફરીથી રાજકોટ જિલ્લા મહાનગર અને નગરપાલિકા વિસ્તાર સિવાયની પાંચ પંચાયત વિસ્તારમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી વિંછીયા, કોટડાસાંગાણી, જામકંડોરણા, પડધરી અને લોધીકા ખાતે ફરીથી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા રૂ. ૩૦ લાખથી વધુની આવક સરકારને થઈ છે.

આ બાબતે નોંધણી નિરીક્ષકશ્રી રાજકોટ શ્રી એસ.એમ.સવાણી દ્વારા જણાવવામાં આવેલ કે, કોરોનાની મહામારીમાં સોશ્યિલ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે હેતુથી હવે પક્ષકારશ્રી અને વકીલશ્રી દ્વારા ઓનલાઇન એપોઇન્મેન્ટ લેવાની તથા નોંધણી ફી ઓનલાઈન ભરીને ઉપરોકત કચેરીમાં તા. ૨૪-૦૪-૨૦૨૦ થી ૧૩-૦૫- ૨૦૨૦ સુધીમાં ફુલ ૯૯ જેટલા દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવેલ છે. જેમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના રૂ. ૩૦ લાખથી વધુની આવક રાજય સરકારને થયેલ છે જેમાં પક્ષકારો અને વકિલોનો સારો સહકાર મળી રહ્યો છે.

આ દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયામાં સોશ્યિલ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે માટે કચેરીમાં વર્તુળ દોરી જગ્યાઓએ સુનિશ્ચિત કરેલ છે. દરેક પક્ષકાર તથા વકીલના હાથ સેનેટાઈઝ કર્યા બાદ જ તેમની ફિંગર પ્રિન્ટ લેવામાં આવે છે અને અંતર જાળવીને તેનું વિડીયો રેકોર્ડિંગ કરી દસ્તાવેજ નોંધવામાં આવે છે.

(10:38 am IST)