Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

'ભારત ભાગ્ય વિધાતા': રંગભૂમિનું ગૌરવાન્વિત નાટક

નાટકની દુનિયા ખરેખર નિરાળી છે. સામે તખ્તા પર જે ભજવાય છે તે તદન બનાવટી જ છે તે જાણતાં  હોવા છતાં પ્રેક્ષકો તેમાં ઓત પ્રોત-પ્રભાવિત થઇ, જાણે તે સાચું જ હોય તેમ તેના પ્રવાહમાં તણાઇ આશ્ચર્ય પામતા, ભયભીત થતાં, ડરતા, હસતા અને રડતા પણ થઇ જાય છે. આ જ તો છે કમાલ યોગ્ય નાટય કર્મીઓનીને છતાં સમાજનો એક વર્ગ આ નાટય કલા ધારકોને 'નાટ્કીયો' ની તિરસ્કૃત માનસિકતાની નવાજીસ આપતો જોવા મળે છે. પણ આ નાટ્કીયાઓ ૬૦ * ૪૦ ના તખ્તા પર આખો યુગ ઉભો કરવાની અદ્ભુત મનોદૈહિક શકિત ધરાવે છે તેની અનુભૂતિ તા. ૧૩-૪ ના દિવસે હે. ગ.ના ગૃહમાં રજુ થયેલ નાટક 'ભારત ભાગ્ય વિધાતા' જોઇને પ્રેક્ષકોને જરૂર થઇ હશે.

ગુ. સં.ના અકાદમી, ઉત્સવ નાટ્ય ગ્રુપ, તથા શ્રીમદ રાજચંદ્ર મીશનના સહયોગે આ નાટ્કમાં, ભારત દેશના ભાગ્ય વિધાતા મહાત્મા ગાંધી - જીવનના ગૃહસ્થ, સામાજીક તથા સત્ય, અહિંસાની રાહે ભારત સ્વતંત્રતા લડતનો એક આખો યુગ અત્યંત સંવેદનાઓના ઉમેરણ સાથે હૃદયસ્થ ચીવટથી કરવામાં આવેલ છે. ગાંધીજી માટે વિશ્વભરમાં થોકબંધ લખાતુ રહે છે,ને દરેક માધ્યમો, પફોર્મીંગ આર્ટસના દ્વારા, તખ્તા પર કે ફિલ્મ ટીવી દ્વારા તેઓ રજુ થતાં જ રહે છે. ટોલ્સ ટોય, ર સ્કીન તથા શ્રીમદ રાજચંદ્રનો ગાંધીજી પરનો પ્રભાવ તેના જીવન કર્મમાં ઉજાગર થતો રહેતો તેવું અહીં ખાસ કહેવાયું છે.

ગાંધીજીની ચાર-ચાર, બાળ, યુવા, પીઢ અને  વૃધ્ધાવસ્થાને નાટ્કમાં ચિત્તાકર્ષક રીતે દર્શાવાઇ છે. કોઇ કોઇ દૃૃષ્યમાં તો ચાર ય ગાંધી હાજર હોય!! વળી એક બીજા સાથે ભુતકાળ વર્તમાનની વાતોની સાંકળ ગુંથી સુત્રધાર પણ બની જાય, ને ક્ષણમાં મુળ પાત્રમાં, પણ પ્રવેશી જાય. એકાદ વખત તો પોતે અને સામેના અરીસામાંનું તેનું પ્રતિબિંબ, બન્ને વાતો પણ કરે, ને આ બધામાં પ્રેક્ષકોને સ્વીકાર્ય રહે તે રીતે પ્રસંગ, દૃૃષ્ય પ્રવાહને વેગ આપતા પણ જોવા મળે જે આ નાટક પૂર્વેના શ્રીમદ રાજચંદ્ર નાટ્ક યુગ પુરૂષમાં પણ નિરૂપાયેલ હતું. આવા ચાર-ચાર ગાંધીના તખ્તા પરના દરેક દૃૃષ્યો પ્રેક્ષકોને અલૌકિક અનુભવ કરાવી જાય છે.

૪૦ કલાકારો તથા નેપથ્યના દશેક કસબીઓ મળી પચાસેક નાટ્ય કર્મીઓના કાફલાએ ના નાટ્કના એક - એક દૃૃષ્યની જે રીતે  નાટય કસબના સર્વાંગી પાસાથી પરીપકને રજુઆત કરી છે, તે સલામ સાથે નમનને પાત્ર બને છે. કયા કયા દૃૃષ્યોનો ઉલ્લેખ કરવો ? હૃદયના ધબકારા ચુકાવી દેતાં જલીયાવાલા બાગનું લોક સમુહ પરનું ફાયરીંગ, કસ્તુરબા દર્શન - મૃત્યુનું આંખો છલકાવી દેતું દૃૃષ્ય, આફ્રિકા આંદોલન, કવીટ ઇન્ડીયાનું આખરી એલાન, દાંડી કૂચ, મીઠાનો સત્યાગ્રહ, આશ્રમમાં દલિત દંપતિ પ્રવેશથી ગાંધી કુટુંબના વિખવાદ, ગાંધી, જીણા, નહેરૂ તથા સરદાર વચ્ચેની ભારત ભાગલાની ચર્ચામાં ઉગ્રતા, ગોળમેજી પરિષદમાં જવા વખતે ગાંધીજીના વસ્ત્ર પરિધાનનો વિરોધ, એક જ દૃૃષ્યમાં દર્શાવાયેલ ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, નહેરૂ, સરદાર, સુભાષ બોસ, શ્રીમદ્ રાજચંદ્ર તેમજ આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી મહાન હસ્તિઓ... અને નાટ્કના કલાઇમેકસમાં તો ચાર - ચાર અવસ્થાના એ ચારેય ગાંધીને જે રીતે દર્શાવાયા છે તે તો નાટક જોવાથી જ અનુભુત થઇ શકે. પ્રશસ્તિની શબ્દાનુંભૂતિથી નહિં.

નાટ્ય ઋષિ ભરત મુનિ મુજબ 'નાટ્ક અભિનય તત્વથી જ  લોકપ્રિય બને છે.' અહીં બધાં જ ડીગ્નીફાઇ પાત્રો ગાંધી, શ્રીમદ્ નહેરૂ, અંગ્રેજ પર્સનાલીટીઝ વિ. તેમજ ત્રણેય બાળ કલાકારો સહિતના તમામ કલાકારોએ, તેના અભિનયનું તત્વ-સત્વ દર્શાવી આ  પોતાના સ્વર આંગિક અને સાત્વિક અભિનયની ઉચ્ચ કક્ષાનો પરિચય આપ્યો.   જીન્હાની ચાલ, ચલમ ફુકવાની અદા... શુભાન્હલા!! અલબત કોઇ બે-ચાર પાત્રોનો સ્વર તથા તેનાં ઉચ્ચારો થોડા નિરાશ કરે છે... ણ.ળ-ડ તથા શ-ષ-સ વિ. ના ઉચ્ચાર ભેદ અચ્છાભલા કલાકારોની પરીક્ષા લઇ શકે છે.

આ નાટક જુદા જુદા લેવલ્સ પર માત્ર પ્રતિકાત્મક સ્વરૂપોના સન્નીવેષ સાથે ભજવાય છે. આ જવાબદારી દૃૃષ્ય પરિવર્તન વખતે કલાકારો પોતે જ પ્રતિબધ્ધતા સાથે  નિભાવે છે. દરેક પાત્રોની રંગ-વેશ ભુષા, ગાંધી યુગ સમયની જ. ભારે બારીકાઇથી આ કામ થયુ છે. નાટ્કના દરેક દ્રષ્યની અદલ અસર ઉપસાવતાં સંગીત સાથે સોનામાં સુગંધ જેવું પ્રકાશ આયોજન પણ એટલું જ નોંધવા યોગ્ય.

પ્રકાશ કાપડીયા આ નાટકના લેખક અને રાજેષ જોશી, -દિગ્દર્શક છે. આ બન્ને પોતાના વિષયના એવાં ધીર ગંભીર કસબીઓ છે કે, તેઓનો હાથ અડે તો  પથ્થર પણ પારસ થઇ જાય. ગાંધીજીને યોગ્ય રીતે જ  ભારત ભાગ્ય વિધાતા તરીકે રજુ કરવામાં તેઓ સંપૂર્ણ સફળ રહે છે. પોતાના કાર્યમાં મેળવેલ મહારતની સાબિતી માટે આ નાટ્કથી વિશેષ શું જોઇએ ? આ બંનેની પોતાની ત્રિવિધ કલા માટે એક જુદો જ આર્ટીકલ આપવો પડે. આવું સુંદર નાટક તા. ૧૬-૪આજે તથા ૧૭ ના દિવસે રાજકોટમાં ફરી રજુ થનાર છે. અનુભવીઓ કહે છે કે જે લોકો સારા વાચક, શ્રોતા, 'પ્રેક્ષક' કે સારા ઓર્બ્ઝરવર નથી તે ઘણી જાણવા અને માણવા જોગ બાબતથી વંચીત રહી જાય છે. થોડામાં જાજુ સમજી સોળ કે સતરમીએ પહોંચી જજો હે. ગ. હોલમા,ં  માત્ર દોઢ કલાકના 'કોમ્પેકટ' નાટય સ્વરૂપેનો 'ભારત ભાગ્ય વિધાતા' ગાંધી બાપુ અને તેના ૧૯ રેટિયા સાથેના ચિરંજીવ દૃૃષ્યને જોવાં...

આલેખન :-

કૌશિક સિંધવ

મો. ૭૩પ૯૩ ર૬૦પ૧

(3:46 pm IST)