Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

હોળી પહેલા પાણીની 'હોળી' સર્જતુ તંત્ર

આજે ૩ અને મંગળવારે ૩ વોર્ડમાં ઓચિંતો પાણીકાપ : દેકારો

આજે બપોર પછી વોર્ડ નં. ૨, ૭ અને ૧૦નાં સદર, જાગનાથ,  એરપોર્ટ રોડ, વૃંદાવન, જયોતીનગર  સહીતના વિસ્તારોમાં પાણી કાપઃ મંગળવારે સામાકાંઠાનાં વોર્ડ નં. ૪, ૫ અને ૬નાં અડધા વિસ્તારોમાં પાણી નહિ મળેઃ પાઇપ લાઇન જોડાણ અને પાઇપ લાઇન રીપેરીંગનાં બહાના તળે સપ્તાહમાં ત્રીજી વખત પાણીકાપ ઝીંકાયો

રાજકોટ તા. ૧૬: બે દિવસ પહેલા શહેરનાં પંચવટી મેઇન રોડ ઉપર પાણી વિતરણની મુખ્ય પાઇપ લાઇન ગઇકાલે તુટી હતી. જેના કારણે ત્રણ વોર્ડમાં પાણી વિતરણ અટકી પડતાં આ વોર્ડનાં અનેક વિસ્તારોમાં પાણીનો જબ્બરો દેકારો બોલી ગયો હતો અને ઉપરા ઉપરી બે દિવસ પાણીના ધાંધીયાથી લોક રોષ ફેલાયો હતો ત્યારે આજે ફરી હેડવર્કસની પાઇપ લાઇન રીપેરીંગના કારણે વોર્ડ ન.૨,૭ અને ૧૦નાં બપોરનાં ૧૨ પછીના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયુ છે. એટલું જ નહી આગામી તા. ૧૯ને મંગળવારે પણ સામાકાંઠાના ૩ વોર્ડના અર્ધા વિસ્તારોમાં પાઇપલાઇનના જોડાણ માટે પાણીકાપ જાહેર કરાયો છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં વેસ્ટઝોનનાં સીટી ઇજનેરની સત્તાવાર માહીતી મુજબ શહેરનાં ન્યારી ઝોન હેઠળ આવતાં વોર્ડ નં. ૨, ૭ અને ૧૦નાં વિસ્તારોમાં પાણી વિતરણ માટેની મુખ્ય પાઇપ લાઇનનું રીપેરીંગ કરવામાં આવનાર હોય જેનાં કારણે આજે બપોર પછીનાં ઉપરોકત ત્રણેય વોર્ડનાં સદર, ભીલવાસ, જાગનાથ,  એરપોર્ટ રોડ, વૃંદાવન, જયોતીનગર સહિતનાં વિસ્તારોમાં પાણી વિતરણ કાપ લગાવામાં આવ્યો છે.

મંગળવારે સામાકાંઠે પાણી નહી મળે

જ્યારે એડીશ્નલ સીટી ઇજનેરની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન ખાતે જુની પમ્પીંગ મશીનરીની જગ્યાએ વધુ ડિસ્ચાર્જ ધરાવતી નવી પમ્પીંગ મશીનરી ઇન્સ્ટોલ કરવાનું કામ પૂર્ણ થયા બાદ નવી ઇન્સ્ટોલ કરેલ ૮૦૦ એમએમ હેડર મેઇન લાઇનને ઇ.એસ.આર.ની ૬૦૦ એમએમ મેઇન લાઇનની સાથે જોડાણ કરવાનું જરૂરી હોવાથી આગામી તા. ૧૯ના રોજ ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન આધારીત વોર્ડ નં. ૪ (પાર્ટ), ૫ (પાર્ટ), તથા ૬ (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યારી ઝોનની આ પાઇપ લાઇન વર્ષો જુની હોઇ જર્જરીત છે તેનાં કારણે તુટી ગઇ હતી. જેના કારણે બે દિવસ પહેલા  વોર્ડ નં. ૭,૮, રના સદર, ભીલવાસ, જાગનાથ, વૈશાલીનગર, એરપોર્ટ રોડ, અમીનમાર્ગના વિસ્તારોમાંં નિયત સમયથી બે કલાક મોડુ પાણી વિતરણ થયું હતું ફરી આજે ઉપરોકત વોર્ડમાં પાણી કાપ ઝીંકવામાં આવતા ગૃહીણીમાં દેકારો બોલી ગયો છે.

(3:49 pm IST)