Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

રાજકોટઃ લગ્નમાં વર-કન્યા અને તેના પરિવારજનો સહિત ૧૦૧ લોકોએ દેહદાન, અંગદાન, ચક્ષુદાન, અને વ્યસન મુક્તિના સંકલ્પ લીધાઃ સાથે-સાથે આમંત્રિતો મહેમાનોનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ ચેક કરવામાં આવ્યું

રાજકોટ : રાજકોટના જંક્શન વિસ્તારમાં આવેલા ગુરુનાનક હોલમાં યોજાયેલા લગ્નમાં લોકજાગૃતિની એક અનોખી પહેલ જોવા મળી હતી. મિતેશ કક્કડ અને હેની પુજારાના લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે વર-કન્યા અને તેના પરિવારજનો સહિત ૧૦૧ લોકોએ દેહદાન, અંગદાન, ચક્ષુદાન, અને વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા તો સાથેજ આમંત્રિતો મહેમાનોનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ ચેક કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન દ્વારા કિડનીના રોગોની જાગૃતિ અંગે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું.

ડો. દિવ્યેશ વિરોજા, ડો.સંકલ્પ વણઝારા, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી અને નીતિનભાઈ ઘાટલીયા દ્વારા વીડિયો પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને વર-કન્યા સહિત ૧૦૧ પરિવારજનોએ ચક્ષુદાન, દેહદાન અને અંગદાનના સંકલ્પ પત્રો ભર્યા હતા.

આ ઉપરાંત જે રીતે હવે સમાજમાં જાગૃતિ આવી રહી છે અને લોકો વધુ માં વધુ વ્યાસન મુકે તેવા પ્રયત્નો કરાવવામાં આવી રહ્યા છે ત્યારે અહી લગ્ન માં પણ વ્યસન મુક્તિ પ્રદર્શની પણ પ્રસંગ સ્થળ ઉપર રાખવામાં આવી હતી. વ્યસન મુક્તિ થવાનાં સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા. અને થેલેસેમિયા રોગ અંગેની માહિતી અનુપમ દોશીએ સૌને વીડિયો પ્રેઝન્ટેશનથી આપી હતી.

આ ઉપરાંત શાકાહાર અભિયાન, જીવદયા-ગૌ સેવા પ્રચાર પ્રસાર, એનિમલ હેલ્પલાઇનના ઉપક્રમે સૌનું સ્વાગત ચકલીના માળા અને પર્યાવરણની નાની પુસ્તિકા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે જે રીતે અંગદાન, ચક્ષુદાન, દેહદાન જેવા દાન વિશે સમાજમાં ઓછી જાગૃતિ છે જેથી આવા દાન વિશેની માહિતી લોકો સુધી પહોંચે તેમજ પોતાના અંગોના દાન થી અન્ય લોકોની જિંદગી બચી શકે તેવી જાગૃતતા કોકોમાં આવે તેના માટે ખાસ આજે લગ્ન પ્રસંગમાં અનોખો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.

(11:55 am IST)