Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

વિવિધ પ્રોજેકટો સમયસર પુરા કરો : જમીન વેંચાણ માટેના લક્ષ્યાંકો પૂર્ણ કરો

મ્યુ. કમિશનરે વિવિધ પ્રોજેકટ અને કાર્યોની અધિકારીઓ સાથે કરી સમીક્ષા :કોરોના કાળમાં જાહેર સ્વાસ્થ્ય વ્યાપક ક્ષેત્રને આવરી લેતી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીની સાથોસાથ જ શહેરની વિકાસ પ્રક્રિયા પણ અવિરત જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી : આવાસ યોજના, વિવિધ બ્રિજ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક શાળા, ફાયર સ્ટેશન, વોર્ડ ઓફિસનું નવીનીકરણ વગેરે જેવા પ્રોજેકટ્સ લક્ષ્યાંક મુજબ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના

રાજકોટ,તા.૧૫:  મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના મંજુર થયેલા અંદાજપત્રમાં સમાવિષ્ટ વિવિધ પ્રોજેકટસ અને કાર્યોની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે આજે વરિષ્ઠ અધિકારીશ્રીઓની એક ખાસ બેઠક યોજી હતી.

આ બેઠકમાં થયેલી ચર્ચાવિચારણા અંગે માહિતી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ નવ માસથી રાજકોટ મહાનગરપાલિકા કોરોના મહામારીનો મુકાબલો કરી રહી છે. આ સમયગાળા દરમ્યાન પણ આવશ્યક પ્રોજેકટ્સ આગળ ધપાવવામાં આવી જ રહયા છે. કોરોનાની સ્થિતિમાં જાહેર સ્વાસ્થ્ય સંબંધિત ખુબ જ મોટી અને વ્યાપક ક્ષેત્રને આવરી લેતી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીની સાથોસાથ જ શહેરની વિકાસ પ્રક્રિયા પણ અવિરત જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેકટસ નિર્ધારિત સમય મુજબ પૂર્ણ કરવા કટીબદ્ઘ છે અને આ માટે ગંભીરતાપૂર્વક શકય તમામ પ્રયાસ કરવામાં આવી રહયા છે.

વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહયું છે ત્યારે આવાસ યોજના, વિવિધ બ્રિજ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક શાળા, ફાયર સ્ટેશન, વોર્ડ ઓફિસનું નવીનીકરણ વગેરે જેવા પ્રોજેકટ્સ લક્ષ્યાંક મુજબ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે સુનિશ્યિત કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે.

અન્ય મુદ્દાઓ વિશે વાત કરતા કમિશનરશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ બજેટમાં જમીન વેંચાણ માટે જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો તે પૂર્ણ કરવા માટે સંબંધિત શાખાધિકારીશ્રીને સૂચના અપાયેલ છે. સાથોસાથ અલગઅલગ આવાસ યોજનાઓમાં વેંચાણના હેતુ માટે બનાવવામાં આવેલી દુકાનોની વેંચાણની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે પણ સંબંધિત અધિકારીશ્રીને સૂચના આપી છે.

(3:35 pm IST)