Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સરકારે ચૂંટણીના ખાંડા ખખડાવ્યા : બપોરે રાજ્ય ચૂંટણી પંચની વી.સી.

રાજકોટ મ.ન.પા. - તાલુકા પંચાયતો - જિલ્લા પંચાયત માટે ૬૫૦૦ EVM તૈયાર

૧૧ તા.પં.ની ૩૦૨ બેઠક, જી.પં.ની ૩૬ બેઠક, ગોંડલ પાલીકાની ૪૧ બેઠક અને રાજકોટ મહાપાલિકાની ૭૨ બેઠકો માટે થશે મતદાન : ૨૩૬૦ મતદાન મથકો માટે ૨૦-૨૦ હજારની ગ્રાન્ટ : કોરોના રક્ષણ માટે ફેઇસ માસ્ક, સેનેટાઇઝર, મતદારો માટે ડીસ્પોઝીબલ ગ્લોઝ, સરકાર ફાળવશે : મતદાન માટેની અવિલોપ્પ શાહીનો ઓર્ડર અપાઇ ગયો

રાજકોટ તા. ૧૫ : રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા આખરી આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આજે બપોરે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા રાજ્યના તમામ કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી અને ચૂંટણી માટેના ઇ.વી.એમ. મતદાન મથકો, મતદાર યાદી, મતદાર જાગૃતિ કાર્યક્રમ વગેરેની તૈયારી માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

આ અંગે કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ આજે બપોરે રાજ્યના ચૂંટણી સચિવ મહેશ જોષી, ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ, સંયુકત સચિવ શ્રીરામાનુજ વગેરેએ તમામ કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી.

જેમાં ૧૧ તાલુકા પંચાયતોની ૩૦૨ બેઠકો, જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો, ગોંડલ નગરપાલિકાની ૪૧ બેઠકો અને રાજકોટ મહાનગરપાલિકાની ૭૨ બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજવા માટેની તૈયારીઓની ચર્ચા વિચારણા થયેલ.

જેમાં રાજકોટ કલેકટર તંત્ર દ્વારા તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો માટે ૪૨૦૦ ઇ.વી.એમ. તથા ગોંડલ માટે ૩૦૦ ઇ.વી.એમ. અને રાજકોટ મ.ન.પા. માટે ૨૦૦૦ ઇ.વી.એમ. તૈયાર રાખ્યાનું જણાવ્યું હતું.

આ તમામ ઇ.વી.એમ. જુની યુ.એલ.સી. કચેરીના ગોડાઉનમાં રાખી દેવાયા છે અને તેની બેટરીઓ પણ ઉપલબ્ધ રખાઇ છે. ઉપરાંત મતદાન માટેની મૈસુર વારનીશ (અવિલોપ્પ શાહી)નો ઓર્ડર આપી દેવાયો છે. જેના ૬ લાખનું ચુકવણુ પણ કંપનીને કરી દેવાયું છે. તેવી જ રીતે મતદાર યાદી તૈયાર થઇ રહી છે અને મતદાર જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન પણ થનાર છે.

જ્યારે ચુંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને તાલીમ આપવા માટે રૂડાના સી.ઇ.ઓ. ચેતન ગણાત્રા તથા ૧ મામલતદારને જવાબદારી પણ સુપ્રત કરી દેવાઇ છે.

જ્યારે ઉકત તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૩૬૦ મતદાન મથકોની યાદી પણ તૈયાર કરી લેવાઇ છે. સરકાર દ્વારા ૧ મતદાન મથક દિઠ રૂ. ૨૦ હજારની ગ્રાન્ટ ફાળવશે જેમાંથી ચૂંટણી ખર્ચ થશે. સામાન્ય ચૂંટણી દરમિયાન કોરોના સંક્રમણ ફેલાય નહી તે માટે સરકાર દ્વારા પૂરેપૂરી તકેદારી રાખવામાં આવનાર છે.

આ માટે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને ફેઇસ માસ્ક, મતદારો માટે સેનેટાઇઝર, ડીસ્પોઝીબલ હેન્ડ ગ્લોવ્ઝ, લીકવીડ શોપ, મતદાન મથક દિઠ ૧ થર્મલ ગન સહિતનું સુરક્ષા કવચ સરકારના ખર્ચે આપવામાં આવશે.

આમ, રાજકોટ કલેકટર તંત્ર દ્વારા જિલ્લામાં આવતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી માટેની મોટાભાગની તૈયારીઓ કરી લીધાની માહિતી વિડીયો કોન્ફરન્સમાં આપી હતી.

(2:57 pm IST)