Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સ્ટાઇપેન્ડ વધારાની માંગણી સાથે હડતાલના બીજા દિવસે ૭૦થી વધુ ઇન્ટર્ન તબિબોએ રકતદાન કર્યુ

રાજકોટઃ સ્ટાઇપેન્ડ વધારાની માંગણી સાથે ગઇકાલ ૧૪મીથી રાજ્યભરની સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ઇન્ટર્ન તબિબો હડતાલ પર ઉતર્યા છે. તેર હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ અપાય છે તે વધારીને રૂ. વીસ હજાર કરવાની માંગણી લાંબા સમયથી પેન્ડીંગ છે. આ અંગે અનેક વખત આરોગ્ય વિભાગમાં રજૂઆતો કરવામાં આવી હતી અને દરેક વખતે હકારાત્મક નિર્ણય લેવાશે એવી ખાત્રી અપાઇ હતી. પરંતુ કોઇ નક્કર નિર્ણય લેવામાં ન આવતાં અને સ્ટાઇપેન્ડ ન વધતાં અંતે રાજ્યભરના ૮૦૦ જેટલા ઇન્ટર્ન તબિબો હડતાલ પર ઉતર્યા છે. આજે બીજા દિવસે પીડીયુ મેડિકલ કોલેજના ૭૦ જેટલા ઇન્ટર્ન તબિબોએ સિવિલના દર્દીઓના લાભાર્થે રકતદાન કરી હડતાલ પર રહીને પણ પોતાનો દર્દીઓ પ્રત્યેનો ધર્મ નિભાવ્યો હતો. તસ્વીરમાં રકતદાન કરતાં તબિબો જોઇ શકાય છે.

(1:01 pm IST)