Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

વૈશાલીનગરમાં ગાળો બોલવાની ના પાડતાં ગોપાલ મીરને જયરાજ ઉર્ફ કાળુએ છરીના પાંચ ઘા ઝીંકયા

પોતાના પર પણ લાલા સહિતે તલવારથી હુમલો કર્યાની રાવ સાથે જયરાજે સારવાર લીધી

રાજકોટ તા. ૧૫: રૈયા રોડ પર આમ્રપાલી ફાટકથી આગળ વૈશાલીનગર-૫માં રાતે ઘર પાસે ગાળો બોલવા મામલે ડખ્ખો થતાં રિક્ષા ચાલક વીસ વર્ષના યુવાનને પડોશમાં રહેતાં શખ્સે છરીથી હુમલો કરી ઇજાઓ કરતાં અને તેના પિતા-ભાઇ વચ્ચે પડતાં તેની સાથે પણ ઝપાઝપી કરી ગાળો દેતાં ફરિયાદ થઇ છે. હુમલાખોર પણ પોતાને ઇજા થયાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો.

જાણવા મળ્યા મુજબ વૈશાલીનગર-૫માં રહેતો અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો ગોપાલ રાણાભાઇ મીર (ઉ.વ.૨૦) રાતે દસેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે પડોશી જયરાજ ઉર્ફ શ્યામ ઉર્ફ કાળુએ ગાળો દઇ છરીથી હુમલો કરી છાતી, ગરદન, હાથમાં કોણી-બાવડા પર તથા વાંસામાં છરીના પાંચેક ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સામા પક્ષે જયરાજ માનસિંગભાઇ ચાવડા (ઉ.વ.૧૮) પણ પોતાના પર લાલા સહિતનાએ તલવારથી હુમલો કરી ઇજા કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

પીએઅસાઇ પી. કે. ક્રિશ્ચીયને ગોપાલની ફરિયાદ પરથી જયરાજ ઉર્ફ શ્યામ સામે આઇપીસી ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. ગોપાલે ફરિયાદમાં જણાવ્યું છે કે જયરાજ શેરીમાં ગાળો બોલતો હોઇ ના પાડતાં ઝઘડો કરી જતો રહ્યો હતો. થોડીવાર બાદ ઘરેથી છરી લઇને આવ્યો હતો અને હુમલો કરી ઘા ઝીંકી દીધા હતાં. પોતાના પિતા અને ભાઇ વચ્ચે પડતાં તેની સાથે પણ ઝપાઝપી કરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.

જીવનધારામાં પારકા ઝઘડામાં વચ્ચે પડતાં જયેશને ઢીકા-પાટુ

બીજા બનાવમાં ભગવતીપરા નંદનવન સોસાયટી-૩માં રહેતો જયેશ ચનાભાઇ મુંધવા (ઉ.વ.૨૪) મોરબી રોડ જીવનધારા સોસાયટીમાં ભુરાભાઇ પ્રજાપતિને ત્યાં ઇમિટેશનનું કામ કરવા ગયો હોઇ ભુરાભાઇના પત્નિ અરૂણાબેન સાથે બે શખ્સોએ ઝઘડો કરતાં ભુરાભાઇ સાથે જયેશ એ શખ્સોને સમજાવવા જતાં બંનેએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી.

શિવનગરમાં જીતેન્દ્રને ત્રણ શખ્સોએ ઘુસ્તાવી નાંખ્યો

કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી શિવનગર-૧માં રહેતાં જીતેન્દ્ર બચુભાઇ દેવીપૂજક (ઉ.વ.૩૮)ને રાતે ઘર નજીક જુના ડખ્ખામાં ઉમેશ, અવચર અને બચીએ ઢીકાપાટુ અને પાઇપથી માર મારતાં સિવિલમાં દાખલ થતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી.

(11:37 am IST)