Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

નામ લલીત દેસાણી, ઉમર-૪૦, ધંધો-ડીગ્રી વગર ડોકટરીઃ ક્રાઇમ બ્રાંચે પકડી લઇ કાયદાનું ઇન્જેકશન ઠપકાર્યુ

મહિકા રોડ પર માનસરોવર સોસાયટીમાં નવ-દસ વર્ષથી દવાખાનુ ધમધમાવતો બોગસ ડોકટર ઝડપાયોઃ ગળે સ્ટેથોસ્કોપ લગાડી નિરાતે બેઠેલા નકલી તબિબને થયું કે દર્દી આવ્યા પણ હતી પોલીસ :અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતોઃ મોટાબાપુ ડોકટર હતાં: પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૧૫: લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં અનેક નકલી તબિબોને લોકડાઉનના સમયમાં શહેર પોલીસે ઝડપી લીધા છે. વધુ એક આવો ડીગ્રી વગરનો ડોકટર ઝપટે ચડ્યો છે. આજીડેમ ચોકડીથી આગળ મહિકા રોડ પર માનસરોવર સોસાયટીમાં શાળા નં. ૯૬ પાસે આવેલા નેવિલ કિલનીકમાં લલિત લાલદાસ દેસાણી (બાવાજી) (ઉ.વ.૪૦-રહે. કોઠારીયા રોડ, મેહુલનગર-૨) ડીગ્રી વગર ડોકટર તરીકે પ્રેકટીસ કરતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજાને મળતાં દરોડો પાડી તેની ધરપકડ કરી હતી.

પોલીસની ટૂકડી પંચો સાથે પહોંચી ત્યારે ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવી ખુરશીમાં નિરાતે બેઠેલા ભારેખમ કાયા ધરાવતાં નકલી ડોકટરને  દર્દી આવ્યા તેવું લાગ્યું હતું અને આવો...બેસો, શું તકલીફ છે? એવું પુછ્યું હતું. પણ ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપતાં જ નકલી ડોકટરને ઠંડીના માહોલમાં પણ પરસેવો વળી ગયો હતો.

પોલીસે તપાસ કરતાં લલીત દેસાણી પાસે કોઇ ડીગ્રી ન હોઇ તેની સામે આઇપીસી ૪૧૯,  મેડિકલ પ્રેકટીશનર એકટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી એલોપથી દવા, ઇન્જેકશન, બાટલા, બીપી માપવાનુ સાધન, ટેથોસ્કોપ, પ્રીસ્ક્રીપ્શન લખવાના કાગળો, જુદી-જુદી દવાઓ, સિરીન્જ, ટીકડીઓ ભરેલા ડબ્બા આઠ નગ સહિત તથા રૂ. ૬૧૦૦ રોકડા કબ્જે લીધા હતાં.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ લલીત દેસાણી ધોરણ-૧૨ સુધી ભણેલો છે. અગાઉ તેના મોટાબાપુ ડોકટર હતાં. તેઓ નિવૃત થયા પછી પોતે નવેક વર્ષથી અહિ ડીગ્રી વગર દવાખાનુ ચલાવતો હતો. તે અગાઉ અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે રહ્યો હોઇ તેનો અનુભવ કામે લગાડી નકલી ડોકટર બની બેઠો હતો. નવ-દસ વર્ષથી તે દવાખાનુ ચલાવતો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાના માર્ગદર્શન અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ એમ. વી. રબારી, એએઅસાઇ જયુભા એમ. પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, દિગ્વીજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમ સહિતે આ કામગીરી કરી હતી.

(11:36 am IST)