Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

૬૧ વર્ષોથી કાર્યરત સંસ્થા રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની ચૂંટણી કરાવો

હાલના ત્રણ વહીવટકર્તા ચૂંટણી થવા દેતા નથી અને ખાનગી સંસ્થા બનાવી સમૂહલગ્નનું આયોજન કરી જ્ઞાતિજનો પાસેથી નાણા ખંખેરે છે : જ્ઞાતિના પ્લેટફોર્મ પર ચાલતા ગંદા રાજકારણથી જ્ઞાતિના યુવાનોમાં રોષ ભભૂકયો

રાજકોટ, તા. ૧૫ : ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના યુવાનોમાં રોષ ભભૂકયો છે. ૬૧ વર્ષ જૂની સંસ્થા રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની ચૂંટણી છેલ્લા પાંચ વર્ષથી થઈ નથી. માત્ર ત્રણ જ વહીવટકર્તાઓ સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે. આ ત્રણેય વ્યકિત અલગ સંસ્થા બનાવી સમૂહલગ્નનું આયોજન કરી જ્ઞાતિજનો પાસેથી નાણા ખંખેરી રહ્યાનો ચોંકાવનારો આક્ષેપ ગુર્જર પ્રજાપતિ યુવાનોએ કર્યો છે.

'અકિલા' કાર્યાલયની મુલાકાતે આવેલા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના યુવાઓએ જણાવેલ કે શ્રી રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ૧૯૫૮ થી કાર્યરત રાજકોટમાં વસ્તા ૪૦૦૦ ગુર્જર પ્રજાપતિ પરિવારોની જ્ઞાતિ સંસ્થા છે. સંસ્થા દ્વારા છેલ્લા ૩૩ વર્ષથી નિરંતર ગુર્જર પ્રજાપતિ સમાજની દીકરીઓના સમુહલગ્નોત્સવ થાય છે. દર વર્ષે જ્ઞાતિ અભ્યાસમાં તેજસ્વી હોય તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજીત કરે છે. જેમાં દર વર્ષે ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ચિજવસ્તુઓ તેમજ સન્માનપત્ર, શિલ્ડથી સન્માન થાય છે. જ્ઞાતિ દ્વારા વિવિધ પ્રવૃતિઓમાં વિધવા સહાય, સીનીયર સીટીઝનો માટે નિઃશુલ્ક ધાર્મિક યાત્રા, ભાગવત સપ્તાહના આયોજનો પણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ટોકન દરે કોમ્પ્યુટર કલાસીસ ચાલુ છે. જેનો લાભ અનેક વિદ્યાર્થીઓ લઇ રહ્યા છે. આ ઉપરાંત ગત વર્ષથી જ્ઞાતિ સંલગ્ન શ્રી ગોરાકુંભાર મહિલા મંડળની રચના કરવામાં આવી છે જેમાં બહોળા સમુહમાં મહિલાઓ જોડાયેલ છે. જ્ઞાતિના સમુહલગ્નમાં મહિલા મંડળ દ્વારા સેવા મહત્વની કામગીરી સેવા રૂપે આપવામાં આવે છે. ઉપરાંત આ મંડળ અન્ય સમાજ ઉપયોગી પ્રવૃતિઓ કરી રહ્યું છે.

જ્ઞાતીની વાડીમાં છેલ્લા બે વર્ષથી પ્રમુખની ચૂંટણીનું કોકડુ ગુંચવાયેલુ છે. સંયુકત ચેરીટી કમિશ્નરશ્રીએ ૬ માસમાં ચૂંટણી કરી નાખવાનો ઓર્ડર આપેલો છે જેના માટે ચુંટણીખર્ચની રૂ. ૩૫ હજાર જેવી રકમ ચુંટણી કરવા માટેના વહિવટી ખર્ચ પેટે જમા લીધેલ છે. ઓર્ડરમાં સ્પષ્ટ આદેશ છે કે જયાં સુધી ચૂંટણી ન થાય ત્યા સુધી કોઇપણ જાતની નિતિવિષયક કામગીરી વહિવટકર્તા બોડીએ કરવાની રહેશે નહિ. હાલ વહિવટકર્તા બોડી (૧) ગોવિંદભાઈ જેરામભાઇ સરેરીયા (૨) મનસુખભાઈ વાલજીભાઈ ગોહેલ (૩) સુરેશભાઇ લક્ષ્મણભાઇ ચૌહાણને આ ઓર્ડર મળેલ હોવા છતા માન. ચેરીટી કમિશ્નરશ્રીનાં ઓર્ડરનું ઉલ્લંઘન આ ત્રણ લોકો કરી રહ્યા છે. આ આગેવાનો ઉપર જ્ઞાતિએ વિશ્વાસ રાખી ફકત ૩૩ માં સમૂહલગ્ન સમયે કામચલાઉ સમય માટે બેસાડેલ પરંતુ આ ત્રણ વહિવટકર્તાએ સમાજની ઉપરવટ જઇને જનરલ મીટીંગ બોલાવ્યા વગર પોતાની મનમાની કરીને એક પ્રાઇવેટ ગ્રુપની રચના કરીને આગામી ૩૪ મા સમુહલગ્નનું આયોજન જ્ઞાતિ સમક્ષ મુકેલ છે. જેથી જ્ઞાતિનો મોટાભાગનો વડિલ,બુદ્ધિજીવર્ગ હાલ મોટી ચિંતામાં મુકાયો છે.

રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટ એ-૧૫૭ ના બદલે બેનર બદલીને 'શ્રી રાજકોટ ગુર્જર પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ'ના નામે બેનર બનાવ્યુ. અને ૩૪મો સમૂહલગ્નોત્સવ જાહેર કરેલ છે હકીકતમાં આ સમિતિનો પ્રથમ સમુહલગ્ન છે. જે કયાંય પણ રજીસ્ટર્ડ નથી. તેનુ બેન્ક ખાતુ નથી અને સમગ્ર વહિવટ 'ઉભડક' કરવામાં આવનાર હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

સંયુકત ચેરીટી કમિશ્નરશ્રીના આદેશ પ્રમાણે ૧. અરજદાર અરવિંદભાઈ નરશીભાઇ પરમાર, ર.સામાવાળાઓ : કુલ ૭ ૧. નિલેશભાઇ ચુનીભાઇ પાટડીયા પ્રમુખશ્રી (પી.ટી.આર. મુજબ) ૨. હરગોવિંદભાઇ મોહનભાઇ જાગાણી-ઉપપ્રમુખ (પી.ટી.આર. મુજબ),૩. જયંતીભાઈ છગનભાઈ હળવદીયા-ખજાનચી (પી.ટી.આર. મુજબ) ૪. અલ્પેશભાઇ મુળીયા-સહમંત્રી (પી.ટી.આર. મુજબ),પ. વિજયભાઈ કોશીયા -કારોબારી સભ્ય (પી.ટી.આર. મુજબ), ૬. મનસુખભાઇ રજવાડીયા કારોબારી સભ્ય (પી.ટી.આર. મુજબ) તથા ૭. મુકેશભાઈ ભુદરભાઇ મોકાસણા કો-ઓપ્ટ સભ્ય તથા સહાયક કમીટીના મેમ્બરો ૧. મનસુખભાઇ વાલજીભાઇ ગોહેલ, ર. ગોવિંદભાઇ જેરામભાઇ સરેરીયા,૩.સુરેશભાઇ લક્ષ્મણભાઇ ચૌહાણ સહિત કુલ ૧૧ લોકોએ મળીને ચૂંટણી કાર્યક્રમ સહકારથી પૂર્ણ કરવાનો આદેશ છે. તેનો ભંગ કરે છે. અને ચૂંટણી કરતા નથી. પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનું જણાવાયુ હતું.

હાલમાં ખાનગી બેનર હેઠળ ૩૫-૩૫ હજાર રોકવાના સમૂહલગ્નનો ફાળો થાય એમાથી પોતાએ રોકાણ કરેલી રકમ પરત લઇ લેવાની. આવી પરસ્પર 'ગોઠવણ' કરેલ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

છેલ્લા ૩૩માં સમુહલગ્ન સમયે ચૂંટણી થયેલ ન હોવાથી કોઈ પ્રમુખપદે હતુ નહિ. ૩૩મા સમુહલગ્ન વખતે જનરલ મીટીંગમાં પાંચ આગેવાનોની ૩૩માં સમુહલગ્ન પુરતી એક સમીતીની રચના કરવામાં આવેલ હતી. સમુહલગ્ન બાદ આ સમીતીનું વિસર્જન કરી નાખવાનું હતુ. આ સમીતીમાં ૧.મનસુખભાઈ વાલજીભાઇ ગોહેલ, ર. ગોવિંદભાઇ જેરામભાઈ સરેલીયા, ૩. દલસુખભાઇ આંબાભાઈ જાગાણી, ૪. ઇશ્વરભાઇ ભુદરભાઈ ઘાટલીયા તથા પ. સુરેશભાઇ લક્ષ્મણભાઇ ચૌહાણ સર્વાનુમતે નકકી થયેલ હતા. ૩૩માં સમુહલગ્નના સફળ આયોજન બાદ સમયાંતરે આ સમીતીના પાંચ આગેવાનો પૈકી ૧. ઇશ્વરભાઇ ભુદરભાઇ ઘાટલીયા તથા ર. દલસુખભાઈ આંબાભાઇ જાગાણીએ પોતાનું રાજીનામુ આપી દીધેલ હતું. જયારે બાકીના ત્રણ આગેવાનોએ મુદત પુરી થઇ ગયા છતા પણ જ્ઞાતિ સંસ્થામાં અત્યાર સુધી બળજબરીથી હોદા ઉપર બેઠા છે. વર્ષો જુની રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની શાખ અત્યારે પૂરે પૂરી જોખમમાં છે.

આ સમાજના આગેવાનોને સમાજની અન્ય સંસ્થાઓ ગુર્જર પ્રજાપતિ પ્રગતિ મંડળ - રાજકોટ, ભકતરાજ ગોરા કુંભાર ચેરીટેબલ ટ્રસ્ટ, ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન રાજકોટનો ટેકો મળ્યો હોવાનું જણાવાયુ છે.

તસ્વીરમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના હિતેષભાઈ હળવદીયા, રાજુભાઈ પાટડીયા, નિલેશભાઈ પાટડીયા, દિલીપભાઈ લખતરીયા, સંજયભાઈ ચુળકોટીયા, ભરતભાઈ મુલીયા, અશોકભાઈ ભલસોડ, રાજભાઈ મંડલી, કિશનભાઈ જાંબુડીયા, જયેશભાઈ કોરડીયા, પ્રવિણભાઈ ખોખર, પ્રકાશભાઇ મુલીયા, હરગોવિંદભાઈ જાગાણી, જયંતિભાઇ હળવદીયા, આકાશ સરેરીયા, માનવ મુલીયા, જીજ્ઞેશ પ્રજાપતિ, રવિભાઈ પ્રજાપતિ, વિજયભાઈ કોશીયા અને સંજયભાઈ લોદરીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:08 pm IST)