Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

છઠ્ઠા મહિલા મેયર બીનાબેન સામે કાર્પેટ વેરામાં ધાંધિયાનો જબ્બરો પડકાર

હવેના ૨II વર્ષ ભાજપ માટે કપરા ચઢાણ સમાઃ લોકસભાની ચૂંટણી પણ છે ત્યારે : હજુ અનેક કરદાતાને બિલ નથી મળ્યા, વાંધા અરજીના ઢગલા અને વળતર યોજના લંબાવવાની માંગ સહિતની સમસ્યાઓ મોઢુ ફાડીને બેઠી છેઃ ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ ઉકેલવી પડશે

રાજકોટ, તા. ૧૫ :. અહીંના છઠ્ઠા મહિલા મેયર પદે બીનાબેન આચાર્યની નિમણૂક થયેલ છે ત્યારે આ નવા મેયર માટે આગામી ૨II વર્ષના શાસન દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડશે. જેમા સૌથી મોટો પડકાર કાર્પેટ વેરાના બિલમા સર્જાયેલા ધાંધિયાનો છે.

આ અંગેની વિગતો જોઈએ. શાસક પક્ષ ભાજપ દ્વારા પૂર્વ તૈયારી વગર આ વર્ષથી કાર્પેટ વેરાની અમલવારી શરૂ કરી દીધી જેના કારણે વેરા આકારણી અને વેરા બિલમાં ધાંધીયાની હજારો-લાખો ફરીયાદો ઉઠી છે અને વાંધા અરજીઓના ઢગલા થઈ રહ્યા છે. જેના નિકાલ માટે સ્ટાફ નથી જેના કારણે લોકો વેરો પણ ભરી નથી શકતા, આથી વેરામાં વળતર યોજના લંબાવવાની માંગણીઓ પણ ઉઠી છે કેમ કે તંત્રની બેદરકારીને કારણે હજારો-લાખો કરદાતાઓ વેરામાં વળતરથી વંચીત રહી જાય તેવી સ્થિતિ સર્જાય છે.

આમ કાર્પેટ વેરાના ધાંધિયાને નિવારવાનો સૌથી મોટો પડકાર નવા મેયર તથા ચેરમેન સામે ઉભો છે. આ ઉપરાંત ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની અને ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ પણ ઉકેલવી પડશે.

એટલું જ નહીં હવે પછીના ૨II વર્ષમાં પ્રજાને આપેલા ચૂંટણી વચનો પૂર્ણ કરવા અને આજી રિવર ફ્રન્ટ, નવા ઓવરબ્રીજોની જે જાહેરાતો થઈ છે તે યોજનાઓ પૂર્ણ કરવાં તેમજ સ્માર્ટ સીટીના આયોજનો સહિતની બાબતોમાં પણ નવા પદાધિકારીઓએ ચોકસાઈ ભર્યો વહીવટ આપવો પડશે કેમ કે હવેના ૨II વર્ષમાં લોકસભાની ચૂંટણી છે તથા ત્યાર બાદ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે. આમ હવેના ૨II વર્ષ ભાજપ માટે કપરા ચઢાણ સમા છે.

(4:35 pm IST)