Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ટી.પી. અધિકારીઓ રૂપીયા લઇને પ્લાન મંજુર કરે છેઃ જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં આક્ષેપથી સન્નાટો

કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરના વૃક્ષારોપણના પ્રશ્નની ચર્ચામાં જયંતીભાઇ બુટાણીએ આક્ષેપ કર્યોઃ ભાજપના સિનીયર કોર્પોરેટર કશ્યપ શુકલે અને નીતીનભાઇ ભારદ્વાજે કોંગ્રેસના આવા આક્ષેપ સામે વિરોધ દર્શાવ્યો

રાજકોટઃ આજે મ્યુ. કોર્પોરેશનમાં યોજાયેલ જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરના ડીમોલીશન તથા વૃક્ષારોપણ બાબતના પ્રશ્નોની ચર્ચા વખતે કોંગ્રેસના કોર્પોરેટર જયંતીભાઇ બુટાણીએ જનરલ બોર્ડમાં ખુલ્લેઆમ આક્ષેપો કરતા જણાવેલ કે કોર્પોરેશનના ટીપી અધિકારીઓ પૈસા લઇ અને પ્લાન મંજુર કરે છે. મેં પોતે ત્રણ વખત પૈસા આપી પ્લાન મંજુર કરાવેલ છે. આવા ખુલ્લા આક્ષેપથી બોર્ડમાં સન્નાટો છવાયો હતો. દરમિયાન ભાજપના સિનીયર કોર્પોરેટરો કશ્યપભાઇ શુકલ અને નીતીનભાઇ ભારદ્વાજે કોંગી કોર્પોરેટરના આ આક્ષેપ સામે વિરોધ દર્શાવી ઐચિત્યભંગ થયાની ફરીયાદ ઉઠાવી હતી અને બીજી વખત આવા શબ્દોનું ઉચ્ચારણ જનરલ બોર્ડમાં ન થાય તેવી માંગ ઉઠાવી હતી. આ તકે જાગૃતીબેન ડાંગરે તંત્રએ લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ કરી અને તેના ઉછેરમાં બેદરકારી રાખી પ્રજાના પૈસાનો દુર્વ્યય કર્યાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે ડીમોલીશન અંગેના પ્રશ્નના જવાબમાં કમિશ્નરશ્રીએ છેલ્લા બે વર્ષમાં ડીમોલીશન અંગે અપાયેલ નોટીસો તથા પ્લાન મંજુરીની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. તસ્વીરમાં જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં ભાગ લઈ રહેલા નિતીનભાઈ ભારદ્વાજ, કશ્યપ શુકલ, ઘનશ્યામસિંહ જાડેજા, જયંતીભાઈ બુટાણી, જાગૃતિબેન ડાંગર, ગાયત્રીબા વાઘેલા વગેરે દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:20 pm IST)