Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રાજકોટ યાર્ડમાં મગફળી વિભાગમાં મજુરોની હડતાલ સમેટાઈઃ સોમવારથી હરરાજી ચાલુ થશે

યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા અને વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાની મધ્યસ્થીથી મજુરોએ ભાવ વધારા વગર બીનશરતી હડતાલ પાછી ખેંચી

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ (બેડી) માર્કેટયાર્ડમાં મગફળી વિભાગમાં આજે ચોથા દિવસે મજુરોએ હડતાલ પાછી ખેંચી લીધી છે.

બેડી યાર્ડમાં મગફળી વિભાગમાં મજુરોએ મજુરીના દરની વધારાની માંગણી કરી હડતાલ પર ઉતરી જતા આજે ચોથા દિવસે મગફળીની હરરાજી બંધ રહી હતી. હાલમા મજુરોને ૨૦ કિલો (એક ગુણીએ) પાંચ રૂ. મજુરી અપાઈ છે. મજુરો દ્વારા એક ગુણીએ ૭ રૂ. મજુરીના દર કરવા તેમજ પાલમાં હરરાજી કરવા માંગણી કરી છે.

આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા તથા વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ આજે બપોરે મજુર આગેવાનો સાથે મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં યાર્ડના પદાધિકારીઓએ તાજેતરમાં જ મજુરીના દરમાં વધારો કરાયો હોય ખેડૂતોના હિતમાં મજુરીના દરમાં ભાવ વધારો ન કરવા અપીલ કરતા મજુર આગેવાનો આ મુદ્દે સહમત થઈ ગયા હતા અને હડતાલ પાછી ખેંચી લીધી હતી.  યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યુ હતુ કે, મજુર આગેવાનો સાથેની મીટીંગમાં મજુરોએ બીનશરતી હડતાલ પાછી ખેંચી છે. મજુરો સોમવારથી કામે લાગી જશે અને સોમવારથી રાબેતા મુજબ મગફળીની હરરાજી શરૂ થઈ જશે.

(4:18 pm IST)